કણ્વવંશ

January, 2006

કણ્વવંશ (ઈ. પૂ. 75થી ઈ. પૂ. 30) : શુંગકાળ પછીનો રાજવંશ. શુંગરાજ દેવભૂતિનો ઘાત કરાવનાર વસુદેવથી કણ્વવંશની શરૂઆત થાય છે. કણ્વ અથવા કાણ્વાયન રાજવંશમાં ચાર રાજાઓ થઈ ગયા. તેમનાં નામ વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશર્મા. તેમણે મગધમાં અનુક્રમે 9, 14, 12 અને 10 વર્ષ અર્થાત્ કુલ 45 વર્ષ સુધી રાજ્ય કર્યું. આંધ્રોએ આ રાજવંશનો નાશ કર્યો. આંધ્ર અથવા સાતવાહન વંશના રાજા સિંધુકે છેલ્લે કણ્વ સુશર્માને મારી તેની સત્તાનો નાશ કર્યો. તેના પુત્ર કૃષ્ણે નાસિક સુધીનો પ્રદેશ જીતી લીધો ને કૃષ્ણના પુત્ર શાતકર્ણીએ માળવા અને મહારાષ્ટ્ર જીતી અશ્વમેધ યજ્ઞ કર્યો. એક વાર તેનું રાજ્ય ઠેઠ ગુજરાત ને સૌરાષ્ટ્ર સુધી હતું.

શુંગો અને કણ્વો પછી ઈ. સ.ના લગભગ ત્રીજા સૈકા સુધી મગધનું શું થયું તે સ્પષ્ટપણે જાણવા મળતું નથી, પરંતુ આ સમય દરમિયાન કદાચ ઉત્તર ભારતની સંસ્કૃતિને પુષ્કળ નુકસાન થયું હોય એવી અટકળ છે અને અનેક સુંદર સંસ્કૃત ગ્રંથો નાશ પામ્યા હશે તેમાં ખાસ કરીને મહાવૈયાકરણ ભર્તૃહરિએ પોતાના વાક્યપદીય ગ્રંથના બીજા (વાક્ય) કાંડમાં પતંજલિના મહાભાષ્યનો ઉચ્છેદ થયો તેવો નિર્દેશ કર્યો છે, પરંતુ સદભાગ્યે, તેનો દક્ષિણમાં પ્રચાર હોવાથી તે સચવાઈ રહ્યું હતું.

પ્રિયબાળાબહેન શાહ