કડુ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Picrorhiza kurroa Royle ex Benth. (સં. કટુક; હિં., બં. કુરુ, કુટ્કી; મ. કુટ્કી, ક. કેદાર, કુટુકી; તે., ત., મલ., કટુકરોહિણી) છે. તેના સહસભ્યોમાં ભીંતચટ્ટી, શ્વાનમુખ, જંગલી તમાકુ, તુરતી, તોરણિયા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ 60 સેમી. ઊંચી, વધતે ઓછે અંશે રોમિલ, બહુવર્ષાયુ વનસ્પતિ છે. તે 15 સેમી.થી 26 સેમી. લાંબો ગાંઠોવાળો સખત, ભૂપ્રસારી (creeping), મૂલવૃંત (rootstock) કે ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. તે ઉચ્ચપર્વતીય (alpine) હિમાલયમાં કાશ્મીરથી સિક્કિમ સુધી 2,700 મી.થી 4,500 મી.ની ઊંચાઈએ જોવા મળે છે. તેનાં પર્ણો લગભગ મૂળપર્ણો (radical leaves) છે અને દંતુર (serrate) પર્ણકિનારી ધરાવે છે. પુષ્પો સફેદ અથવા આછાં વાદળી-જાંબલી હોય છે અને 5 સેમી.થી 10 સેમી. લાંબી, અગ્રસ્થ સઘન શૂકીરૂપ (spicate) કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું અને અંડાકાર હોય છે.

કડુ (Picrorrhiza kurroa) : (અ) છોડ, (આ) ગાંઠામૂળી

આ વનસ્પતિની ગાંઠામૂળી અને મૂળમાંથી ‘પિક્રોરહાઇઝા’ નામનું ઔષધ મેળવવામાં આવે છે. તેનું સામાન્ય વ્યાપારિક અને સ્થાનિક નામ ‘કુટ્કી’ છે. તેનો કસ-કડુ (કરિયાતું ફળ) (Gentiana kurroo)ની અવેજીમાં કે અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે.

બજારમાં મળતાં મૂળ અને ગાંઠામૂળી સામાન્યત: 3 સેમી.થી 6 સેમી. લાંબાં અને 0.5 સેમી.થી 1.0 સેમી. વ્યાસ ધરાવે છે. તેઓ નળાકાર, ઘેરા ભૂખરા-બદામી રંગના ટુકડાઓ છે અને રુક્ષ હોય છે; અને ઊભા સળ અને ટોચ પર વલયો (annulations) ધરાવે છે. ગાંઠામૂળી કાળાં શલ્કપર્ણો (scale leaves) વડે ઢંકાયેલી હોય છે અને તે મૂળ અને શાખાનાં ક્ષતચિહન (scars) અને અગ્રકલિકા ધરાવે છે. તેની ભૂસ્તારી (runner) પર શલ્કો વધારે અંતરે હોય છે. ઘણી વાર ભૂસ્તારી અને ગાંઠામૂળી ઉપર નાના બહિરુદભેદો (outgrowths) જોવા મળે છે, જેમાં સહાયકકલિકા હોય છે. તે અંદરની બાજુએ અવકાશો ધરાવે છે. તેની સપાટી કાળી, વાસ હળવી અને સ્વાદ કડવો હોય છે.

તેના મૂળમાં કડવું ગ્લાઇકોસાઇડલ ઘટક કુટ્કિન (β-1-વેનિલોઇલ-6-સિન્નેમિલ-ડી-ગ્લુકોઝ, C23H24O10.2H2O), કડવાશરહિત નીપજ-કુરિન (0.5 %), મેનિટોલ, વેનિલિક ઍસિડ (0.1 %), કુટ્કી-સ્ટેરોલ (C24H40O, ઉત્પાદન 0.18 %), કુટ્કિયોલ (C40H82O, 0.06 %) અને સેક્સક્વિટર્પિન પ્રકારનું ગંધયુક્ત ઘટક હોય છે. કુટ્કિન 1 : 7,500ની સાંદ્રતાએ કડવાશ ધરાવે છે.

તે કટુબલ્ય (bitter tonic), ક્ષુધાવર્ધક (stomachic), રેચક અને જ્વરહર તરીકે વપરાય છે. બંધકોશ સાથેના મલેરિયામાં તે ઉપયોગી છે. જુદા જુદા પ્રકારના કમળામાં તેનો ઉપયોગ થાય છે. તે સંક્રામી (infectious) અને અમીબાને લીધે થતા યકૃતશોથમાં ઉપયોગી છે. તે નિયતકાલિક જ્વરનાશક (antiperiodic), અલ્પ માત્રાએ રેચક (laxative) અને વધુ માત્રાએ વિરેચક (cathartic), પિત્તરેચક (cholagogue) છે. તે જલશોફ(dropsy)માં લાભદાયી છે. મૂળનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyolgenes var. aureus અને Escherichia coli સામે સક્રિયતા દર્શાવે છે.

આયુર્વેદ અનુસાર, કડુ શીતળ તીખું, કડવું, અગ્નિદીપક, ભેદક, સારક અને રુક્ષ છે; તેનો રક્તરોગ, શીતપિત્ત, દમ, કફ, દાહ, અરુચિ, તાવ, પ્રમેહ, કોઢ, વિષમજ્વર, ઉધરસ, કમળો, વિષ અને હૃદયરોગમાં ઉપયોગ થાય છે. કડુ ગરમ પ્રકૃતિવાળાને હાનિકર છે અને ગળાના રોગો ઉત્પન્ન કરે છે. તેનું નિવારણ ગાયનું ઘી છે.

તે મોટી માત્રામાં સ્રંશન (મળને સરકાવનાર) છે. તેથી જઠરની વાતપીડા, અપચન, હેડકી અને આંતરડાની નિર્બળતાને લીધે ઉત્પન્ન થતી કબજિયાત પર આપવામાં આવે છે. તેની નિયતકાલિક જ્વરનાશકતા ક્વિનાઇન કરતાં હલકા દરજ્જાની છે. મૂળ ઉકાળીને આપવાથી હૃદય ઉપર ડિજિટેલિસ જેવી અસર થાય છે. તે હૃદયની વધેલી ગતિને ઘટાડે છે. હૃદયોદર અને જલશોથ પર ઝેરી કડુનો ક્વાથ અતિલાભદાયી છે.

નેપાળ અને સિક્કિમમાં મળી આવતી Picrorhiza scrophulariaeflora નામની જાતિના ગુણધર્મો કડુ જેવા જ છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ