કડાપા

January, 2006

કડાપા (kadapa) : આંધ્રપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 13o 43’થી 15o 14′ ઉ. અ. અને 77o 55′ થી 79o 29′ પૂ. રે.ની વચ્ચેનો 15,359 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્નૂલ અને પ્રકાશમ જિલ્લો, પૂર્વ તરફ નેલોર જિલ્લો, દક્ષિણ તરફ ચિત્તુર તથા પશ્ચિમ તરફ અનંતપુર જિલ્લો આવેલા છે. જિલ્લામથક કડાપા જિલ્લાની મધ્યમાં આવેલું છે. તિરુપતિના મંદિરે જતા યાત્રાળુઓ માટે આ અનુકૂળ વિશ્રામસ્થળ હોવાથી તેનું નામ ‘કડાપ્પા’ પડેલું છે.

કડાપ્પા જિલ્લો

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પૂર્વઘાટનો મધ્યભાગ રચતી ટેકરીઓના સંકુલ(કડાપ્પા સંકુલ)થી બનેલું છે, અર્થાત્ તે આ વિસ્તારની ‘પર્વતીય ગાંઠ’ના સ્વરૂપે જોવા મળે છે. અહીંની ટેકરીઓનું જૂથ અર્ધચંદ્રાકાર સંકુલ રચે છે. અહીંથી પસાર થતો મુંબઈ-ચેન્નાઈ રેલમાર્ગ સેટ્ટીગુંટા અનામત જંગલ તેમજ બાલાપલ્લી અનામત જંગલને અલગ પાડે છે. પાલકોંડા ટેકરીઓ સ્લેટ અને લાવાના આંતરસ્તરો સહિત દળદાર ક્વાર્ટ્ઝાઇટ ખડકોથી બનેલી છે. ક્યાંક ક્યાંક લાલ રંગના ગ્રૅનાઇટની ટેકરીઓ પણ છે. ઉત્તર તરફની નલ્લામલાઈ અને લંકામલાઈની ટેકરીઓની સરેરાશ ઊંચાઈ 1,000 મીટર આજુબાજુની છે.

જિલ્લાની જમીનો મુખ્યત્વે રાતી લોહયુક્ત દ્રવ્યવાળી તથા કાળી છે. ક્યાંક રેતાળ ગોરાડુ તથા મૃદથી બનેલી જમીનો પણ છે. અહીં સૂકાં પર્ણપાતી જંગલો આવેલાં છે. પ્ટેરોકેરોપસ સૅન્ટેલિનસ અથવા રેડ સૅન્ડર્સ નામની વનસ્પતિ-જાતિ ભારતમાં માત્ર અહીં જ મળતી હોવાથી તેનું રક્ષણ કરવું જરૂરી છે.

જળપરિવાહ : કર્ણાટકમાંથી નીકળીને આવતી પેન્નરુ નદી અહીંથી પસાર થાય છે. સ્થળભેદે તેને ચિત્રાવતી, કલ્લામલ્લીવંકા, પાપાઘની, સાગીલેરુ અને કુન્દેરુ જેવી સહાયક નદીઓ મળે છે.

ખેતી-પશુપાલન : ડાંગર, બાજરો, રાગી, મરચાં, ખાટાં ફળો, કેરી, ટેટી, તડબૂચ, કપાસ, મગફળી, ચણા, ચોળા, શેરડી, જેવા પાકોની ખેતી થાય છે. નહેરોની મદદથી સિંચાઈનો લાભ ખેતીને મળે છે.

ગાય, બળદ, ભેંસ, ઘેટાં, મરઘાં-બતકાં, ડુક્કર, અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. પ્રોદાતુર ખાતે સરકારી દૂધ-ઉત્પાદકમથક સ્થપાયેલું છે. પશુઉછેર-કેન્દ્રો, મરઘાં પાલન-કેન્દ્રો તથા મત્સ્ય ઉછેર-કેન્દ્રો પણ સ્થાપવામાં આવેલાં છે. કેટલાક લોકો નહેરો અને નદીઓમાં મચ્છીમારી કરી જીવનનિર્વાહ કરે છે.

ઉદ્યોગો-વેપાર : જિલ્લામાં ભારે ઉદ્યોગો વિકસેલા નથી. બે સિમેન્ટ-કારખાનાં કાર્યરત છે. સીંગતેલ તથા ચોખા છડવાની મિલો આવેલી છે. આ ઉપરાંત જિન, લાટીઓ, હળદર બનાવવાની મિલો તથા બેરાઇટ કચરવાની મિલો આવેલી છે. નાના ખેડૂતોને વિકાસ-એજન્સી દ્વારા જરૂરી સહાય મળી રહે છે.

ખનિજો-ખાણકાર્ય : આ જિલ્લો ખનિજોથી સમૃદ્ધ છે. અહીં ઉચ્ચ કક્ષાનું ઍસ્બેસ્ટૉસ (ક્રાઇસોટાઇલ પ્રકાર), બેરાઇટ તથા સિમેન્ટ-ગ્રેડનો ચૂનાખડક પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત અહીં મૃદ, અમુક પ્રમાણમાં લોહઅયસ્ક, ગેરુ, સ્ટીએટાઇટ તેમજ બાંધકામ માટેની સામગ્રી પણ મળે છે. જિલ્લામાં જૂના સમયનાં હીરાનાં તથા સીસાનાં ખનનસ્થળો આવેલાં છે. વળી ચૂનાખડકો, ડોલોમાઇટ, ગ્રૅનાઇટ અને ક્વાર્ટ્ઝાઇટનાં ઘણાં સ્થળો છે, જેમનો બાંધકામ માટેના પથ્થર તરીકે ઉપયોગ કરી શકાય છે.

મગફળી, હળદર, રૂ-કપાસિયાં, ડુંગળી, સ્લેટના પાટડા, તડબૂચ-ટેટી, કેરી, ખાટાં ફળો, નાગરવેલનાં પાન, ઘી, આદું, ધાણા, હાથસાળનું કાપડ અને ચામડાં અહીંની મુખ્ય પેદાશો છે. સૂકાં મરચાં, ગૌણ વન્યપેદાશો અને ઇંધનનાં લાકડાંની નિકાસ થાય છે. નિકાસી ચીજવસ્તુઓ મુખ્યત્વે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ ખાતે મોકલાય છે, જેનાથી જિલ્લાને અંદાજે ત્રણ કરોડ રૂપિયાની આવક મળી રહે છે. આ ઉપરાંત આ જિલ્લો તેની કેટલીક પેદાશોની શ્રીલંકા, પાકિસ્તાન, જમૈકા, યુ.એસ. અને મલાયા ખાતે પણ નિકાસ કરે છે, જેમાંથી બીજી એક કરોડ રૂપિયાની આવક થાય છે. મોટાભાગનું રૂ કોઇમ્બતુર, અડોની તેમજ ગૂંટકલ ખાતે જાય છે. જિલ્લામાંથી ડુંગળીની ચેન્નાઈ, ડિંડિગલ, પોલ્લાચી, તુતિકોરીન, વેલ્લોર, કોલકાતા, મલયેશિયા અને સિંગાપોર ખાતે નિકાસ થાય છે. નાગરવેલનાં પાનની ચેન્નાઈ અને હૈદરાબાદ તથા મુંબઈ, ઇન્દોર, બીજાપુર અને શોલાપુર ખાતે નિકાસ થાય છે. ઘીની નિકાસ મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ ખાતે કરવામાં આવે છે. જિલ્લામાં શાકભાજી, કઠોળ, ખાંડ, ગોળ, ઘઉં, કૉફીદાણા, સુતર અને સુતરાઉ કાપડ, કોલસો, પેટ્રોલિયમ-પેદાશો, યંત્રસામગ્રી અને તેના પુરજા, સૌંદર્યપ્રસાધનો તથા ઉપભોક્તા-સામગ્રીની આયાત કરવામાં આવે છે.

જિલ્લાના લોકો તેમની પેદાશોનાં ખરીદ-વેચાણ માટે, જરૂરી ચીજવસ્તુઓ માટે જિલ્લામથકે આવે છે. એથી અહીં મોટું બજાર વિકસ્યું છે.

પરિવહન : કડાપા શહેર રાજ્યધોરીમાર્ગ પર આવેલું છે. તે ઉત્તર તરફ કુર્નૂલ અને દક્ષિણ તરફ ચિત્તુર સાથે માર્ગોથી સંકળાયેલું છે. કુર્નૂલ-કડાપ્પાચિત્તુર માર્ગ, કડાપ્પા-ચેન્નાઈ માર્ગ, કડાપ્પા-વેમ્પલ્લી માર્ગ તથા કડાપ્પા-સિદ્ધોટ માર્ગ મુખ્ય છે. જિલ્લામથક તાલુકામથકો સાથે માર્ગોથી જોડાયેલું છે, આ માર્ગો પર નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. કડાપ્પા શહેર ચેન્નાઈ-મુંબઈ બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું છે. રેલમાર્ગ દ્વારા રાસાયણિક ખાતરો, સિમેન્ટ, લાકડાં, ખાદ્યસામગ્રી, મગફળી-બિયારણ, હળદર, બેરાઇટની હેરફેર થાય છે.

પ્રવાસન : (1) અનાઈમેલા : અનાઇમલાઈ ટેકરીઓની તળેટીમાં આવેલા કમલાપુરમ્ તાલુકાના આ ગામમાં સંગમેશ્વરનું પ્રાચીન મંદિર છે. તેનાં ગોપુરમ્ અને મંડપોનું શિલ્પ શિવની મૂર્તિ, કોતરણીવાળા સિંહો વગેરે જોવાલાયક છે. અહીં ચાર બુરજવાળો કિલ્લો છે. અહીંની કલાકોતરણી તેની પ્રાચીનતાને છતી કરે છે.

(2) અથિરાલા અગ્રહારમ્ : રાજામ્પેટ તાલુકામાં આવેલું આ સ્થળ ઘણું પ્રાચીન હોવાનું કહેવાય છે. અહીં પરશુરામનું મંદિર છે. વિષ્ણુ, પરશુરામ, રામ, કૃષ્ણ વગેરેની મૂર્તિઓ સારી રીતે કંડારેયેલી છે. માતલી રાજાઓના સમય દરમિયાન થઈ ગયેલા સંત એકતાત્યાનું શિલ્પ જાણીતું છે. અહીં ચોરસ આકારનો 72 સ્તંભવાળો મંડપ છે. ત્રેતેશ્વર અને ગદાધરનાં મંદિરો પણ છે. મંદિરથી શિખર તરફ જતો જ્યોતિસ્તંભ છે, જેના પર વિશિષ્ટ ઉત્સવો ટાણે રોશની થાય છે.

(3) ચિલમાકુરુ : કમલાપુરમ્ તાલુકાના આ પ્રાચીન ગામમાં આવેલું અગસ્તેવરનું મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ છે. અહીં વિઘ્નેશ્વર અને આંજનેયની સારી રીતે કંડારાયેલી મૂર્તિઓ ભગ્નાવસ્થામાં જોવા મળે છે. આંજનેયની મૂર્તિ 1442ના વર્ષની હોવાનું મનાય છે.

(4) કડાપા: જિલ્લામથક. કડાપાના નવાબોના વખતના અવશેષરૂપ બે ટાવર અહીં જોવા મળે છે. અહીંના કિલ્લા નજીક મસ્જિદે-આઝમ નામની એક મસ્જિદ આવેલી છે. તેના પરના લેખ મુજબ તે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન 1691માં બંધાયેલી હોવાનું જણાય છે. શહેરના મધ્યભાગમાં મધ્યમાં મોટા ગુંબજવાળી, ચોરસ આકારની, 10.5 મીટર ઊંચી દીવાલોવાળી સૈયદ શાહ મોહમ્મદ હુસેનની દરગાહ છે, તેને ચાંદફીર ગુંબજ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં હજરત સૈયદ શાહ પીરુલ્લાહની દરગાહ, ત્રણ દેવળો તથા સંખ્યાબંધ મંદિરો આવેલાં છે.

(5) ગેંડીકોટ : ગેંડીકોટ એ એક ભવ્ય કિલ્લો છે. તે મુદ્દાનૂર તાલુકામાં આવેલો છે. તેની અંદરનો ભાગ ઘણો વિશાળ (1 કિમી. પૂર્વ-પશ્ચિમ પહોળો તથા 1.6 કિમી. ઉત્તર-દક્ષિણ લાંબો) છે. અહીંની જામા મસ્જિદને બે ભવ્ય મિનારા છે. તેની અંદર મોટો કોઠાર-ખંડ છે, જે હવે યાત્રીઓના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. કોટની અંદરના ભાગમાં માધવ અને રઘુનાથનાં બે મંદિરો આવેલાં છે. આ ઉપરાંત અહીં બીજો પણ એક વિશાળ ખંડ છે, ત્યાં એક મહેલ તથા ‘પિજિયન ટાવર’ આવેલાં છે. કિલ્લાથી ત્રણ કિમીને અંતરે નૈર્ઋત્યમાં વ્યંકટેશ્વરનું મંદિર તેમજ અગસ્ત્યાશ્રમ પણ છે.

(6) ગુડીપડુ : કડાપા-કુર્નૂલ ધોરી માર્ગ પર સુંદર સ્થાપત્ય ધરાવતાં ચેન્નાકેશવ અને શિવનાં મંદિરો આવેલાં છે.

(7) જ્યોતિ : સિદ્ધોટ તાલુકામથકથી આશરે 6 કિમી. પશ્ચિમ તરફ આવેલા આ ગામમાં પેન્નરુ નદીને કાંઠે ઐતિહાસિક ખ્યાતિ ધરાવતું જયોતિશ્વર અથવા જ્યોતિનાથનું મંદિર આવેલું છે, તેની અંદરના એક લેખ પરથી તેનાં ગોપુરમ્ તથા કોટની દીવાલ કોઈક અમલદારે બંધાવેલાં હોવાનું કહેવાય છે.

(8) કલશપડુ : બદવેલ તાલુકાનું આ ગામ સાગીલેરુ નદીના કાંઠા પર આવેલું છે. અગાઉના સમયમાં આ એક વિશ્રામસ્થળ હતું. સદાશિવ(1550)ના શાસનકાળ દરમિયાનનો તેમાંથી મળેલો એક લેખ સૂચવે છે કે આ સ્થળ જૂના વખતમાં મહત્વનું વહીવટી મથક હતું. અહીં ચેન્નાકેશવ અને નારાયણ બ્રહ્મેન્દ્ર સ્વામીની મૂર્તિઓ છે. 19મી સદીમાં થઈ ગયેલા આ બ્રહ્મેન્દ્ર સ્વામી ચમત્કારિક સંત હતા એમ કહેવાય છે. આ ઉપરાંત અહીં માટીનાં વાસણો/પાત્રો બનાવવાનો; હાથછડના ચોખાનો અને ટોપલીઓ બનાવવાનો સુથારીકામ તથા દરજીકામનો – એમ વિવિધ વ્યવસાયો ચાલે છે.

(9) કમલાપુરમ્ : કમલાપુરમ્ તાલુકાનું તાલુકામથક. તે પેન્નરુ, પાપાઘની અને પગેરુ નદીઓના સંગમસ્થળે આવેલું છે. અહીં સોમેશ્વર, વરદરાજ તથા ક્ધયકાપરમેશ્વરીનાં મંદિરો આવેલાં છે. આ ઉપરાંત અહીં હજરત ગફરશાહ કાદરીની દરગાહ તેમજ ખ્રિસ્તી દેવળ પણ આવેલાં છે. દરગાહને ભવ્ય ઘૂમટ, મોટું પ્રાંગણ, મસ્જિદ તથા કૂવાની સગવડ છે. દર વર્ષે અહીં માર્ચ-એપ્રિલમાં મોટો ઉર્સ (મેળો) ભરાય છે.

(10) કથેરગંડલા : આ સ્થળ બદવેલ તાલુકામાં વહેતી સાગીલેરુ નદીના ડાબા કાંઠા પર આવેલું છે. અહીંના ચેન્નાકેશવના જૂના મંદિરમાં સ્તંભો પર તેમજ મંડપની છત પર સુંદર કોતરણી છે. આ મંદિર કૃષ્ણદેવરાયના શાસનકાળ દરમિયાનનું છે.

(11) પેંડલીમરી : કડાપા તાલુકાનું આ ગામ કડાપ્પા-વેમ્પલ્લી માર્ગ પર કડપ્પાથી આશરે 20 કિમી. અંતરે આવેલું છે. અહીંના એક જૂના કિલ્લાનો બુરજ ભગ્નાવસ્થામાં જોવા મળે છે. અહીંના વીરભદ્ર મંદિરમાં વાઘ પર હુમલો કરતા માનવનું શિલ્પ છે.

(12) પેન્નાપેરુરુ : સિદ્ધોટથી વોન્ટિમિટ્ટા માર્ગ પર આ ગામ આવેલું છે. અહીં એક ટેકરી પર નરસિંહસ્વામીનું ગુફામંદિર આવેલું છે. ટેકરીની તળેટીમાં પાષાણનિર્મિત કલ્યાણ-મંડપ છે. અહીં નજીકમાં ખડકછિદ્રોમાંથી પાણી ટપકે છે અને ત્યાંથી 9 મીટર નીચે પડે છે, જે ઉનાળામાં પણ ચાલુ રહે છે.

(13) પુષ્પગિરિ : આ સ્થળ કડાપા-કુર્નૂલ ધોરીમાર્ગ પર આવેલું છે. આ સ્થળ તેનાં મંદિરો માટે જાણીતું છે. આ મંદિરો પ્રાચીન છે એટલું જ નહિ, તે કલાકારીગરીમાં પણ મહત્વનાં છે. તે પૈકી ચેન્નાકેશવનું મંદિર વધુ જાણીતું છે. તેનું પ્રવેશદ્વાર પાંચ મજલાવાળા ગોપુરમથી બનેલું છે. ગોપુરમથી અંદર તરફ મંદિરોની શ્રેણી છે. તેમાંનાં શિલ્પો ચૂનાખડકમાંથી કોતરેલાં છે. શિલ્પો રામાયણ-મહાભારત પર આધારિત કથાપ્રસંગોનાં; નૃત્યકારો, યોદ્ધાઓ અને પ્રાણીઓનાં છે. સ્તંભો પર પણ કોતરણી જોવા મળે છે. અહીં દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ચેન્નાકેશવનો ઉત્સવ યોજાય છે. પુષ્પગિરિ એ અદ્વૈત મઠોનું મુખ્ય મથક ગણાય છે.

(14) વોન્ટિમિટ્ટા : સિદ્ધોટથી આ સ્થળ આશરે 15 કિમી.ના અંતરે આવેલું છે. તે કોદંડરામસ્વામીના મંદિર માટે જાણીતું છે. જિલ્લામાં તેનું મહત્ત્વ વિશેષ છે. આ મંદિરનું ઉન્નત પ્રવેશદ્વાર, ભવ્ય રીતે કંડારાયેલો મંડપ, તેમાંના 32 સ્તંભ, નિજમંદિરનું ગર્ભગૃહ  બધાં જ સ્થાપત્યની ર્દષ્ટિએ જોવાલાયક છે. આ સ્થળમાં જોવા મળતા બુરજ જૂના વખતની કિલ્લેબંધીની યાદ અપાવે છે. અહીં ઘણા વિદ્વાનો અને ભક્તો થઈ ગયા છે.

વારતહેવારે આ જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે. તે પૈકી હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ઉત્સવો ઉલ્લેખનીય છે.

વસ્તી : જિલ્લાની વસ્તી 28,84,524 (2011) જેટલી છે. સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. જિલ્લામાં 80% વસ્તી ગ્રામીણ છે અને 20 % શહેરી છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, જૈન તેમજ અન્ય ધર્મોના લોકોની ઓછી છે. જિલ્લામાં મુખ્યત્વે તેલુગુ અને ઉર્દૂ ભાષાનો ઉપયોગ થાય છે. અહીંના આશરે 48 % લોકો શિક્ષિત છે. જિલ્લામાં જુદી જુદી વિદ્યાશાખાઓની આશરે 32 જેટલી કૉલેજો છે. જિલ્લાનાં આશરે 250 જેટલાં ગામોમાં દવાખાનાંની સુવિધા ઉપલબ્ધ છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 50 મંડળોમાં વહેંચી નાખેલો છે.

ઇતિહાસ : આંધ્ર પ્રદેશમાં આવેલો કડાપા જિલ્લો પછાત વિસ્તાર છે. આ પ્રદેશના ઇતિહાસ સાથે હૈદરઅલી, ટીપુ સુલતાન, કૃષ્ણદેવરાય, પ્રતાપરુદ્ર, શિવાજી વગેરે શાસકોનાં નામ જોડાયેલાં છે. આ જિલ્લામાંથી વહેતી પેનેરુ નદી સાથે પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે. શેષાચલમ્ પર્વતમાળાનું નામ ‘શેષશાયી વિષ્ણુ’ પરથી પડ્યું છે. અહીંના જંગલનું દંડક નામ છે. ભગવાન રામે સીતા સાથે 14 વર્ષ આ સ્થળે વનવાસ કર્યો હતો; એમ માનવામાં આવે છે. તે પછી, ઈસુની 10મી કે 11મી સદી સુધીનો ઇતિહાસ અપ્રાપ્ય છે.

દક્ષિણ ભારતનાં કેટલાંક જાણીતાં રાજ્યો – ચોલ, પાંડ્ય, કેરલ(અથવા ચેર)ની સરહદે આ જિલ્લો આવેલ હતો. આ જિલ્લામાં સ્થાનિક રાજાઓનાં નાનાં રાજ્યો હતાં. સમયાનુસાર બદલાતા વિશાળ રાજ્યના રાજાને તેઓ વફાદાર રહેતા હતા. આ પ્રદેશમાં સિધ-આઉટ રાજા તથા કડાપાના નવાબનું અલગ અલગ સમયે રાજ્ય હતું. કડાપાના નવાબના શાસનના સમયના બે ટાવરના અવશેષો મોજૂદ છે. કિલ્લાની પાસે આવેલી મસ્જિદે-આઝમ 17મી સદીમાં, મુઘલ શહેનશાહ ઔરંગઝેબના અમલ દરમિયાન બંધાઈ હતી. આ ઉપરાંત નગરમાં મંદિરો તથા ચર્ચ પણ આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ