કડાપ્પા રચના

January, 2006

કડાપ્પા રચના (Cuddapah System) : આંધ્રના કડાપ્પા જિલ્લામાં આવેલ ખડકસમૂહથી બનેલી ભૂસ્તરીય રચના. ભારતીય ભૂસ્તરીય કાલગણના કોષ્ટકમાં પ્રી-કૅમ્બ્રિયન ખડક-રચનાઓની ગોઠવણીમાં તૃતીય ક્રમે અને પ્રાગ્જીવયુગની રચનાઓમાં પ્રથમ ક્રમે આવતી રચના. આંધ્રપ્રદેશનો કડાપ્પા જિલ્લો આ રચના માટેનો વિશિષ્ટ વિસ્તાર બનતો હોવાથી તેને ‘કડાપ્પા રચના’ નામ આપવામાં આવેલું છે. આ રચનાના ખડકો એપાર્કિયન અસંગતિ બાદ જમાવટ પામેલા છે, તેથી નીચેના ખડકો સાથે અસંગતિમય રચનાત્મક સંબંધ ધરાવે છે. ઉપર તરફ વિંધ્ય રચનાના ખડકો રહેલા છે.

કડાપ્પા રચનાના ખડકો માટે મળી રહેતી માહિતીને આધારે તેના જૂનામાં જૂના ખડકો આજથી 150 કરોડ વર્ષ અગાઉની આસપાસ બનેલા હોવાનું ગણાય છે. એપાર્કિયન અસંગતિ તૈયાર થવામાં ઠીકઠીક કાળ વીતેલો હોવાથી કાળગણના ક્રમમાં તેનું સ્થાન મધ્ય પ્રાગ્જીવયુગમાં મૂકી શકાય.

ભારતમાં કડાપ્પા ખડકોની બે મુખ્ય વિસ્તૃત વિવૃતિઓ જોવા મળે છે :

1. આંધ્રનું કડાપ્પા થાળું : પૂર્વાભિમુખ અંતર્ગોળ આકારવાળું, આશરે 42,000 ચો. કિલોમિટર વિસ્તારવાળું અને ઉત્તર દક્ષિણે 340 કિલોમિટરની લંબાઈ તેમજ વધુમાં વધુ 145 કિલોમિટરની પહોળાઈમાં પથરાયેલું આ થાળું ઉગ્ર વિકૃતિ, ગેડીકરણ તેમજ સ્તરભંગોના લાક્ષણિક રચનાત્મક વિક્ષેપોવાળું છે. થાળામાંના ખડકસ્તરોની મહત્તમ જાડાઈ 3,000-4,000 મીટર જેટલી છે. ગેડ અક્ષ અને સ્તરભંગો થાળાની કિનારીને સમાંતર ચાલ્યાં જાય છે.

2. મધ્યપ્રદેશનું કડાપ્પા થાળું : આંધ્રપ્રદેશના થાળાથી લાક્ષણિકપણે અલગ પડી આવતું આ થાળું છૂટી છૂટી વિવૃતિઓની શ્રેણી રચે છે. મધ્યપ્રદેશ અને ઓરિસાના ભાગોને આવરી લેતું આ ઉત્તરતરફી થાળું જ્યારે આ ખડકોની રચના થઈ ત્યારે એટલે કે પશ્ચાત્-કડાપ્પા કાળ દરમિયાન પૂર્વઘાટના પર્વતોનું ઉત્થાન થયું તેની અગાઉ વધુ પૂર્વતરફી વિસ્તારવાળું હતું. મધ્યપ્રદેશનું આ ઉત્તરતરફી થાળું, ફાટ પ્રકારના સ્તરભંગોને કારણે પેલિયોઝોઇક કાળમાં ક્યારેક ઊંડા ઊતરી પડેલા ગોદાવરીના ફાટખીણ વિભાગ દ્વારા અત્યારે તો કડાપ્પા થાળાથી અલગ પડી આવે છે.

ખડક બંધારણ (lithology) : આ રચનાના ખડકો વિકૃતિની અસર હેઠળ આવેલા હોવા છતાં સામાન્યત: મૂળભૂત જળકૃત ઉત્પત્તિવાળા શેઇલ, સ્લેટ, ક્વાર્ટઝાઇટ ઉપરાંત ચૂનાખડકો અને ડોલોમાઇટથી બનેલા છે.

જીવન : કડાપ્પા રચનાના ખડકો જળકૃત ઉત્પત્તિજન્ય હોવા છતાં તેમાં જીવનના અસ્તિત્વનાં કોઈ ચિહનો જણાતાં નથી, તેથી તે સંપૂર્ણપણે જીવાવશેષરહિત છે.

1872માં ડબ્લ્યૂ. કિંગ નામના સ્તરવિદે કડાપ્પા થાળાનો અભ્યાસ કરી તેનું વિશદ વર્ણન કરેલું છે. આ વિસ્તારમાંના કેટલાક ભાગોનું પુન: નકશાલેખન થયું છે, તેમ છતાં કિંગ દ્વારા પ્રસ્થાપિત સ્તરાનુક્રમ નીચેના કોષ્ટક પરથી સ્પષ્ટ બની રહે છે.

વર્ગીકરણ : કડાપ્પા રચનાને મુખ્ય બે સમૂહોમાં વિભાજિત કરવામાં આવેલી છે.

કડાપ્પા રચનાની વિવિધ કક્ષાઓના રચનાવિકાસ માટેના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે :

1. આ રચનાની કોઈ પણ બે કક્ષા સ્પષ્ટ અસંગતિ સહિત રચાયેલી જોવા મળે છે.

2. નિમ્નશ્રેણીના સંબંધમાં ઊર્ધ્વશ્રેણી અતિવ્યાપ્તિનાં લક્ષણોવાળી છે. આ પૈકીની કૃષ્ણા શ્રેણીની અતિવ્યાપ્તિ મહત્વની ગણાય છે.

3. નલ્લામલાઈ સિવાયની બીજી શ્રેણીઓનાં નામ ત્યાં વહેતી નદીઓ પરથી કે વિવૃતિઓના સ્થાન પરથી આપવામાં આવ્યાં છે. નલ્લામલાઈ શ્રેણીનું નામ ટેકરીના નામ પરથી અપાયેલું છે.

આ બે વિસ્તારો ઉપરાંત નીચે મુજબનાં અન્ય સ્થળોમાં પણ કડાપ્પા રચનાને સમકક્ષ ખડકો વિવૃત થયેલા મળી આવે છે :

કલાણી શ્રેણી : આ શ્રેણીના નામે ઓળખાતા કડાપ્પા વયના ખડકો કલાણી અને બેલગામ વચ્ચે વિવિધ જાડાઈવાળી નિમ્ન અને ઊર્ધ્વ કક્ષાઓમાં વહેંચાયેલા જોવા મળે છે. જ્યાં ગોકાક ધોધ આવેલો છે ત્યાં ક્વાર્ટઝાઇટ ખડકો વિવૃત થયેલા છે. મહાપ્રભા નદીએ અહીં ખડકોને કોતરીને 90 મીટર ઊંડું અને 45 મીટર પહોળું કોતર રચ્યું છે. કલાણી નજીકના ચૂનાખડકો સૂક્ષ્મ નકશીકામને યોગ્ય હોઈને કોતરણી માટેના ઉપયોગમાં લેવાય છે.

આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીની ઉત્તરનો વાયવ્ય-અગ્નિ દિશાકીય ખીણપ્રદેશ પણ કડાપ્પા વયને સમકક્ષ ખડકોથી બનેલો છે, જેનો નિમ્નભાગ પખાલ કક્ષા અને ઊર્ધ્વભાગ આલ્બાક કક્ષાથી ઓળખાય છે. ભૂતકાળમાં થયેલાં કેટલાંક ખનનકામ પરથી જણાય છે કે આ વિસ્તારના અગ્નિકોણમાં તાંબાનાં ખનિજો મળી આવ્યાં હશે.

પેનગંગા સ્તરો : પખાલ કક્ષાને સમકક્ષ ખડકો વર્ધાખીણનાં કોલસાનાં ક્ષેત્રોની પશ્ચિમે પ્રાણહિતા ખીણમાં પણ જોવા મળે છે. અહીંના ચૂનાખડકો વિક્ષેપરહિત છે અને જાસ્પરની ખનિજપટ્ટીઓ ધરાવે છે.

કલ્હણ (Kolhan) શ્રેણી : દક્ષિણ સિંગભૂમ અને કેન્જહારની દક્ષિણે ધારવાડ રચનાની આયર્ન-ઓર શ્રેણીની ઉપર અસંગતિ સહિત 75 મીટરની જાડાઈવાળી કલ્હણ શ્રેણી રહેલી છે, તેના ખડકો વિકૃતિરહિત છે પરંતુ કેટલાક ભાગોમાં ગેડીકરણ પામેલા છે.

ગ્વાલિયર રચના : ગ્વાલિયરમાં અને તેની નજીકના વિસ્તારોમાં આર્કિયન વયના બુંદેલખંડ નાઇસના સાંકડા પટ્ટાની ઉત્તર કિનારીની લગોલગ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી ટેકરીઓ કડાપ્પા રચના હેઠળ ગ્વાલિયર રચનાના ખડકોથી બનેલી છે. આ ખડકો અહીંથી પૂર્વમાં 190 કિલોમીટરને અંતરે રહેલી બિજાવર શ્રેણીને સમકક્ષ ગણાય છે, જોકે વયનિર્ણયના સંદર્ભમાં તે કડાપ્પા વયના છે કે તેનાથી જૂના અરવલ્લી વયના છે તે વિશે કંઈક વિવાદ પ્રવર્તે છે, કારણ કે આ ખડકો વિક્ષેપરહિત અને વિકૃતિરહિત છે તેમજ રાજસ્થાનના અરવલ્લી ગિરિનિર્માણક્રિયાના વિસ્તારથી અલગ પડી જાય છે. આ રચના પણ નિમ્ન-પાર કક્ષા અને ઊર્ધ્વ-મોરાર કક્ષા જેવા બે વિભાગમાં વહેંચાઈ જાય છે.

બિજાવર શ્રેણી : બિજાવર વિસ્તાર આ ખડકો માટેનો વિશિષ્ટ વિસ્તાર હોઈને આ નામ અપાયેલું છે. બિજાવરથી શરૂ કરીને નર્મદાની દક્ષિણ સુધીમાં અનિયમિત રીતે વિતરણ પામેલી ખડક-વિવૃતિઓ બિજાવર શ્રેણી રચે છે. અહીં ખડકો મોટેભાગે ક્ષિતિજ સમાંતર વલણ ધરાવે છે, પરંતુ ક્યાંક અગ્નિતરફી આછું નમન પણ દર્શાવે છે. અહીંના ખડકો લાવા, ટફ તેમજ બેઝિક અગ્નિકૃત ખડકોનાં અંતર્ભેદનોવાળા છે.

આ ઉપરાંત આ પ્રકારનો સ્તરાનુક્રમ ધારનાં જંગલોમાં, જબલપુર અને રેવાના વિસ્તારમાં તેમજ બિહારની શોણ ખીણમાં પણ જોવા મળે છે. બિજાવર શ્રેણીના ખડકોને ધારવાડ વયના ગણવા માટેનો એક મત પ્રવર્તતો હોવા છતાં કડાપ્પા વયના ગણવા માટેનો ન્યાયસંગત તર્ક ધરાવતો મત પણ પ્રવર્તે છે.

દિલ્હી રચના : આંધ્રની કડાપ્પા રચનાના સમકક્ષ ખડકોની વિવૃતિઓ, અરવલ્લી ખડકોના ગેડીકરણની મુખ્ય અક્ષની સમાંતર ચાલ્યો જતો પટ્ટો બનાવે છે. આ પટ્ટો દિલ્હી નજીકથી શરૂ થઈને નૈર્ઋત્ય તરફ અજમેર, મેવાડમાંથી પસાર થાય છે અને ત્યાંથી વિસ્તરીને ઈશાન ગુજરાતમાં પ્રવેશે છે જ્યાં તે ઈડર અને પાલનપુર-તરફી બે વિભાગોમાં ફંટાઈને કાંપનાં મેદાનો પાસે પૂરો થાય છે. દિલ્હી રચનાના ખડકોની નીચે તરફ અસંગતિ સહિત આર્કિયન નાઇસ ખડકો તેમજ રાયલો શ્રેણી અને ઉપર તરફ પણ અસંગતિ સહિત વિંધ્ય રચનાના ખડકો રહેલા છે.

રચનાત્મક લક્ષણોના સંદર્ભમાં જોતાં, દિલ્હી રચના એક વિશાળ અધોવાંકમાળા (synclinorium) રચે છે. ઓછા રચનાત્મક વિક્ષેપો ધરાવતી કડાપ્પા રચનાની અપેક્ષાએ દિલ્હી રચના ગિરિનિર્માણક્રિયામાં સામેલ થયેલ હોઈ વધુ વિક્ષેપવાળાં રચનાત્મક લક્ષણો(ગેડીકરણ, સ્તરભંગો તેમજ અંતર્ભેદનો)ને કારણે જુદી પડી આવે છે. આ અધોવાંકમાળાની વિશિષ્ટ વિવૃતિઓ અજમેર-મારવાડ-મેવાડના વિસ્તારને આવરી લે છે, જ્યાં તે પૂર્વ અરવલ્લી નાઇસના જિહ્વાગ્રભાગથી બે મુખ્ય અધોવાંકમાં અલગ પડી જાય છે અને પાછા દક્ષિણે જતાં આ બંને અધોવાંક અન્યોન્યમાં મળી જાય છે.

ખડકબંધારણ : ખડકબંધારણની ર્દષ્ટિએ દિલ્હી રચના આર્કોઝગ્રિટ, ક્વાર્ટ્ઝાઇટ, કેલ્કનાઇસ અને ફિલાઇટ ખડકોથી બનેલી છે.

દિલ્હી રચના

જોધપુર

વિસ્તાર

મેવાડમારવાડ

અજમેર મુખ્ય

અધોવાંકવાળા

ચિતોડ અને

નિમ્બાહેડા

વિસ્તાર

જયપુર

વિસ્તાર

અલ્વર

વિસ્તાર

પશ્ચિમ

રાજસ્થાનના

વિંધ્ય ખડકો

મલાનીનો

અગ્નિકૃત

ખડકસમૂહ

 

 

નિમ્ન વિંધ્ય ખડકો

દિલ્હી

રચના

(નથી)

કેલ્કનાઇસ કેલ્ક

શિસ્ટ ફીલાઇટ અને

બાયોટાઇટ-શિસ્ટ

 

 

 

ક્વાર્ટ્ઝાઇટ

આર્કોઝ-ગ્રિટ

સીમા

 

 

 

 

 

સવા શેઇલ

અને સવા

ગ્રિટ

સ્તરભંગ

 

 

 

 

 

જિરન

રેતી-

ખડક

અજબગઢ

શ્રેણી

 

 

 

ચૂના-ખડક

અલ્વર શ્રેણી

અજબગઢ

શ્રેણી

હોર્નસ્ટાન બ્રેકિસયા.

કુશલગઢ

 

અલ્વર શ્રેણી

રાયલો

શ્રેણી

(મકરાણા

આરસપહાણ)

રાયલો શ્રેણી રાયલો

શ્રેણી

રાયલો શ્રેણી

કડાપ્પા રચનાનું આર્થિક મહત્વ : કડાપ્પા રચના સાથે સંકળાયેલી મળી આવતી કેટલીક અગત્યની આર્થિક મહત્વ ધરાવતી પેદાશો આ પ્રમાણે છે : કડાપ્પા, અનંતપુર અને કુર્નુલમાં પાપાઘની શ્રેણી સાથે બેરાઇટ અને ઍસ્બેસ્ટૉસ મળી આવે છે. ક્રાયસોટાઇલ પ્રકારના ઍસ્બેસ્ટૉસ ખનિજના જથ્થા કડાપ્પા જિલ્લામાંથી મેળવવામાં આવે છે. બાંધકામયોગ્ય રેતીખડકો, ચૂનાખડકો અને સ્લેટ (ફરસબંધી-છતબંધી તેમજ લખવાની સ્લેટ માટે) ઉપયોગમાં લેવાય છે. દિલ્હી રચના સાથે સંકળાયેલા ખડકોમાં, ખેતરી અને સિંઘાણા પાસે તેમજ અલ્વર નજીક તાંબાનાં ખનિજો અને જયપુરમાં બાબઈ નજીક તાંબા- કોબાલ્ટનાં ખનિજો પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા