કડાછાલ (ધોવડા – કુડા – કરી)

કડાછાલ (ધોવડા, કુડા, કરી) : Apocynaceae કુળની વનસ્પતિ. (હિં. कुरची, करा, कुरा; અં. Holarrhena antidysenterica.)

કુડાનાં વૃક્ષ ઉષ્ણહિમાલયમાં આશરે 1,200 મીટર ઊંચાઈએ તથા ભારતનાં વનમાં લગભગ બધે જ, ઊંચાઈ ઉપર મળે છે. થાઇલૅન્ડ, વિયેટનામ, મલેશિયા તથા પૂર્વ ઈરાનમાં પણ મળે છે.

કડાછાલ જુદાં જુદાં માપ અને સ્થૂલતાવાળા નાના પ્રતિવક્ર કકડા રૂપે મળે છે. બાહ્યસપાટી બદામી રંગની, કરચલીવાળી અને વાતરંધ્રયુક્ત હોય છે. આંતરસપાટી બદામી રંગની અને રુક્ષ હોય છે. વિભંગ સૂક્ષ્મ અને કણિકામય હોય છે. સ્વાદ કડવો, વાસ નથી. કડાછાલમાં 1.5 %થી 3 % આલ્કલૉઇડ હોય છે. તેમાં મુખ્યત્વે કોનેસી હોય છે. તે સક્રિય હોય છે. તે સ્ટીરોઇડ સંરચનાવાળો હોય છે. અન્ય આલ્કલૉઇડમાં, આઇઝોકોનેસિન, હોલેર્હીમીન (કુરચીસીન) અને હોલારહીડીનનો સમાવેશ થાય છે. કડાછાલ મુખ્યત્વે જીર્ણ અને તીવ્ર મરડામાં તથા તાવમાં દવા તરીકે વપરાય છે. કોનેસી એન્ટએમિબા હિસ્ટોલિટિકા તથા ટ્રાઇકોમોનાસ ઇન્ટેસ્ટાઇનાલિસ અને ટ્રાઇકોમોનાસ વેજિનાઇટિસ નામનાં રોગજંતુ ઉપર ઝેરી અસર કરે છે તથા ઑક્સિયુરીસ નામના કૃમિનો નાશ કરે છે. કડાના વૃક્ષમાંથી બીજ મળે છે, જે ઇન્દ્રજવ તરીકે ઓળખાય છે. તે પણ કડાછાલની જેમ જ વપરાય છે.

તેના નજીકનાં સહસભ્ય હોલેરહેના ફ્લોરીબન્ડા છાલનું વૃક્ષ આર્દ્ર ઉષ્ણ આફ્રિકા(સેનેગાલ અને કૉન્ગો)માં મળે છે. આ છાલ કડાછાલ જેવી હોય છે. તેમાં 1.5 %થી 2.5 % આલ્કલૉઇડ કડાછાલ જેવાં હોય છે. તેમાં કોનેસી 50 % જેટલો હોય છે. આ છાલ પણ કડાછાલની જેમ જ વપરાય છે. આ ઉપરાંત આફ્રિકામાં મૂત્રલ ઔષધ તરીકે તથા ગોનોરિયા સામે પણ તે વપરાય છે. મૂળની છાલ સમૃદ્ધ હોય છે. તેમાં 2.5 %થી 3.5 % આલ્કલૉઇડ હોય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ