કડવી પટોળ (પરવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trichosanthes cucumerina Linn. (સં. કટુ પટોલ, અમૃતફલ, કષ્ટભંજન; હિં. વન્ય પટોલ; બં. બન પટોલ; ગુ. કડવી પટોળ (પરવળ); તે. ચેટીપોટ્લા; મલ. પેપાટોલમ.) છે. તે સમગ્ર ભારતમાં થાય છે. તે એક લાંબી, દ્વિગૃહી (dioecious), એકવર્ષાયુ અને સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. તેનાં દલપત્રો ઝાલરદાર (fimbricated) હોય છે. તેનું ફળ પેપો (pepo) પ્રકારનું હોય છે. તેનાં મૂળ અને ફળ બંને વિરેચક (cathartic) હોય છે. મૂળનો ઉપયોગ શ્વસનીશોથ (bronchitis), માથાનો દુ:ખાવો અને દાઝ્યા પર થાય છે. પર્ણો પિત્તદોષ(biliousness)માં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમનો રસ વમનકારી (emetic) હોય છે. ખાલિત્ય(alopecia)માં જોવા મળતા ટાલવાળા ભાગોમાં પર્ણોનો રસ લગાડવામાં આવે છે. બીજ જ્વરરોધી (antifebrile) અને કૃમિનાશક (anthelmintic) ગુણધર્મો ધરાવે છે.
આયુર્વેદ અનુસાર તે ત્રિદોષનાશક, વામક અને વિરેચક છે. તે વિષ, ચર્મરોગ, ઉધરસ, તાવ અને શિર:શૂલમાં ઉપયોગી છે.
બીજ(99.4 ગ્રા./1000 બીજ)માંથી 28 % જેટલું શુષ્ક તેલનું ઉત્પાદન થાય છે. આ તેલ તુંગ-તેલ કે ચાઇનીઝ વૂડ ઑઇલ (Aleurites fordii Hemsl.) સાથે સામ્ય ધરાવે છે અને મૂળ સ્થિતિમાં અથવા દ્રાવક-વિયોજન (solvent segregation) પછી ઉપયોગમાં લેવામાં આવે છે. બીજનો નિષ્કર્ષ રુધિરકોષસમૂહન (haemagglutination) સક્રિયતા દર્શાવે છે.
શોભન વસાણી
બળદેવભાઈ પટેલ