કડવી દૂધી (તુંબડી)

January, 2006

કડવી દૂધી (તુંબડી) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria (Mol.) Standl. syn. L. leucantha Rusby; L. vulgaris Ser. (સં. કટુતુંબી, દુગ્ધિમા; મ. કડુ ભોંપાળાં; હિં. કડવી તોબી, તિતલોકી; બં. તિતલાઉ, કહીસોરે; ત. કરાઈ, તે. અલાબુક સરકાયા; અં. બિટર બૉટલ ગુર્ડ) છે. તે ભારતનાં જંગલોમાં અને ગામડાંઓમાં મળી આવે છે. તેના વેલા દૂધીના જેવા પણ મોટા હોય છે. તેનાં ફળ દૂધી જેવાં, 45 સેમી. લાંબાં અને અનષ્ઠિલ (berry) પ્રકારનાં હોય છે; પરંતુ તે ખૂબ કડવાં હોય છે. તેનાં પર્ણ સાદાં, એકાંતરિક, 15 સેમી. પહોળાં, કોમળ અને પંચકોણીય હોય છે. પુષ્પો ચોમાસામાં ઉદભવે છે. તે સફેદ રંગનાં હોય છે.

તેનું સૂકવેલ ફળ તાડીનો રસ ભરવા માટે વપરાય છે. તેને દાન-પાત્ર તરીકે ભિખારીઓ વાપરે છે. માછીમારોને તરવા માટે તે ઉપયોગી થાય છે. તેની છાલ બહુ જાડી અને સખત હોવાથી તેમાંથી સામાન્ય સિતાર, વીણા કે તંબૂરાના કુંદા તેમજ પાણી ભરવાનાં કમંડળ બનાવવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર, તે રસ વખતે અને પાક વખતે હળવી, રુક્ષ, તીક્ષ્ણ, તીખી, શીતળ, હૃદ્ય, કડવી, ભેદનકર્તા, રક્તશોધક, સંશામક, કફોત્સારક, શૂલહર, કોઢ-વ્રણનાશક અને વાન્તિકારક હોય છે અને દમ, ઉધરસની નાશક અને શોધનકારક છે. વળી, તે વાયુ, સોજો, વ્રણ, વિષ અને પિત્તજ્વરનો નાશ કરે છે. એનાં પર્ણો પાક કાળે મધુર, મૂત્રશોધક અને પિત્તશામક હોય છે. તેના ગુણો ઇન્દ્રવરણાં જેવા જ છે.

કડવી દૂધી

તેનો ઉપયોગ લાપોટિયાં અને સર્વ પ્રકારના વિષ પર રતાંધળાપણું અથવા આંખમાં પડતા ફૂલના નિવારણ માટે, ગંડમાળ અને કમળા ઉપર અને યોનિસંકોચન માટે થાય છે. તે ગર્ભવામક અને વિરેચક છે. તેનો વાઢિયા, નાસાર્શ, દંતકૃમિ અને દંતોદભેદમાં ઉપયોગ કરવામાં આવે છે. તે અતિશય રેચક હોવાથી તેનો ઉપયોગ કરતાં પહેલાં વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ