કકુત્સ્થ (પૌરાણિક ઇતિહાસ) : સૂર્યવંશના મનુવૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુનો પૌત્ર. એનો પિતા વિકુક્ષિ અપરનામ શશાદ ઇક્ષ્વાકુનો જ્યેષ્ઠ પુત્ર હતો. આડિબક અસુર સાથેના યુદ્ધમાં ઇન્દ્રે તેની સહાય લીધેલી. વૃષભરૂપધારી ઇન્દ્રની ખાંધે બેસી તેણે આડિબકને પરાજિત કર્યો એથી એ કકુત્સ્થ (કકુદ્ + સ્થ = ખાંધ પર બેઠેલો) નામે ઓળખાયો. એનાં બીજાં બે નામ ‘ઇન્દ્રવાહ’ અને ‘પુરંજય’ પણ એના પરાક્રમનાં સૂચક ઉપનામો લાગે છે. ઇન્દ્રે ધારણ કરેલા શુભ્ર વૃષભ રૂપ પર એનું આસન હતું, માટે કોઈ કોઈ ગ્રંથમાં, તેને ચંદ્રવાહ પણ કહ્યો છે. અસુરોનાં પુરો(કિલ્લા)ને જીતનાર હોવાથી તે પુરંજય કહેવાયો. અસુરવિજયના પરાક્રમને લીધે તે એટલો પ્રસિદ્ધ થયો કે તેના પરાવર્તી સૂર્યવંશી રાજાઓ પોતાને ‘કાકુત્સ્થ’ કહેવડાવતા.

‘પુરંજય’ નામના ઘણા રાજાઓ જુદે જુદે સમયે જુદા જુદા વંશોમાં થઈ ગયા. કકુત્સ્થ પુરંજય ઐક્ષ્વાક છે.

કે. કા. શાસ્ત્રી