કક્કો : મધ્યકાલીન ગુજરાતી પદ્યપ્રકાર. આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણમાળાનો પ્રત્યેક અક્ષર લઈને પ્રત્યેક પંક્તિ રચાઈ હોય છે. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહમાં આવી કેટલીક પ્રાચીન કૃતિઓ સંગ્રહાઈ છે. એમાં પ્રત્યેક વર્ણથી આરંભાતી ઉપદેશાત્મક રચના હોય છે. જેમ કે ‘કક્કા કર સદગુરુનો સંગ’. પ્રીતમ, થોભણ, નાકર, ધીરો ઇત્યાદિ કવિઓએ આ પ્રકારનાં કાવ્યોની રચના કરી છે. આ પ્રકારમાં વર્ણમાળાના બધા અક્ષરોનો ઉપયોગ થતો હોવાથી એને ‘બાવની’ પણ કહેવામાં આવે છે. એમાં શાન્ત રસનું નિરૂપણ હોય છે અને કાવ્યતત્વ પ્રમાણમાં અલ્પ હોય છે. આ પ્રકાર પ્રથમ જૈનસાહિત્યમાં ખેડાયો છે. ‘માતૃકા:’ (મૂળાક્ષર) અને ‘કક્કા’ નામ જૈનોની કૃતિઓમાં મળે છે. બંને એક જ અર્થમાં વપરાય છે પણ એમાં ફરક એ હોય છે કે માતૃકા ‘અ’થી શરૂ થાય છે, જ્યારે ‘કક્કા’ની શરૂઆત ‘ક’થી થાય છે. માતૃકા ચોપાઈમાં લખાતી, જ્યારે ‘કક્કો’ વિશેષે કરીને દોહરામાં લખાતો. કક્કામાં વિષય કરતાં એની રચનાનું વૈશિષ્ટ્ય હોય છે.

ચન્દ્રકાન્ત મહેતા