કંવર (1958) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું 1959નું પારિતોષિક પ્રાપ્ત કરેલ સિંધી ભાષાનું ચરિત્રપુસ્તક. પુસ્તકના રચયિતા તીર્થ વસંતનો જન્મ 7 સપ્ટેમ્બર 1909ના રોજ સિંધમાં થયો હતો. ‘કંવર’માં તેમણે સિંધના ભગત કંવરરામના જીવનચરિત્રનું નિરૂપણ કરેલ છે.
કથક કથાનૃત્યના સિંધી દેશજ પ્રકાર ‘ભગત’ને લોકપ્રિયતા પ્રદાન કરાવનાર ભગત કંવરરામનો જન્મ 1885માં સિંધના જટવારન ગામે થયો હતો. મઢીમાં હટાઈ તથા ગુરુમુખી લિપિઓમાં સિંધી ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે તેમણે ગાયન, નૃત્ય તથા સંગીત વિદ્યાઓનો પણ અભ્યાસ કર્યો હતો.
મંદિરોમાં ભજન ગાવાના કારણે કંવરરામ ‘ભગત’ કહેવાયા. ધાર્મિક ભજનો અને કથાનકોની સાથે નૃત્યને સાંકળીને તેમણે સામાજિક ઉત્કર્ષ માટેના પ્રયાસો કર્યા. કથા દરમિયાન પ્રાપ્ત ભેટની રકમ તે દરિદ્રોને વહેંચી દેતા. રાષ્ટ્રીય ભાવનાનો પ્રચાર કરવાની સાથે તેમણે વર્ગભેદ અને વર્ણભેદનો વિરોધ કરીને સર્વધર્મસમાનતાનો સમગ્ર સિંધમાં પ્રસાર કર્યો હતો. તેમણે ગાયેલાં ભજનો એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ રેકૉર્ડ કરી લીધાં હતાં.
તત્કાલીન પલટાતી રાજકીય પરિસ્થિતિમાં તેમની લોકપ્રિયતા અને બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ મુસ્લિમ લીગને સમસ્યારૂપ લાગતાં હતાં. 2 નવેમ્બર 1939ના રોજ સિંધના રુક રેલવે જંક્શને તેમની હત્યા કરવામાં આવી હતી.
જયંત રેલવાણી