કંબાર, ચંદ્રશેખર (જ. 1937, ઘોડગેરી, બેલગાંવ, કર્ણાટક) : કર્ણાટકના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, લોકવાર્તાકાર, ફિલ્મ-દિગ્દર્શક. તેમના મહત્વાકાંક્ષી લોકનાટક ‘સિરિસંપિગે’ માટે તેમને 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.

કન્નડ યુનિવર્સિટીમાંથી નાટકના વિષય સાથે એમ.એ.ની તથા પીએચ.ડી.ની પદવી તેમણે પ્રાપ્ત કરી (1975). તે પહેલાં શિકાગો યુનિવર્સિટીમાં 1968-69 દરમિયાન અધ્યાપનકાર્ય કર્યું. 1970થી બૅંગલોર યુનિવર્સિટીમાં તેઓ અધ્યાપનકાર્ય કરી રહ્યા છે.

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મુગુલુ’ (કળી, 1958) અને બીજા કાવ્યસંગ્રહ ‘હેલેનેના કેલા’(સાંભળો હું કહું છું(1964)થી તેઓ શ્રેષ્ઠ યુવાન કવિ તરીકે સ્થાન પામ્યા. તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘તકરારી નવરુ’ (1974) અને ‘સવિરાદુ નિરાલુ’(1979)નો સમાવેશ થાય છે.

ચંદ્રશેખર કંબાર

તેમનાં 18 નાટકો પ્રગટ થયાં છે. તેમાં ‘બિમ્બાટ્ટિડા કન્નુ’ (ભડકાવતી આંખો, 1960); ‘નારક્સિસ’ (1969); ‘ચલેશા’ (1973) અને ‘જોકુમાર સ્વામી’ (1973) ઉલ્લેખનીય છે. ‘જોકુમાર સ્વામી’ નાટકે મધ્યમ વર્ગના સંખ્યાબંધ પ્રેક્ષકોને મુગ્ધ કર્યા હતા. તેને તે વર્ષના શ્રેષ્ઠ નાટક તરીકે શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય પુરસ્કાર અને રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કાર (1982) આપવામાં આવેલા. તેમના ‘જયસિદનાયક’ (1975) નાટકને વર્ધમાન પ્રશસ્તિ નામનું સન્માન પ્રાપ્ત થયું છે.

તેમનાં બાલનાટકો ‘કિટ્ટીયા કથે’ (1976); ‘અલીબાબા’, ‘નાયી કથે’ તથા ‘કાડુ કુદુરે’ (1980) નોંધપાત્ર છે. તેમણે ‘કારી માયી’ (અશ્વેત માતા, 1978) તથા અન્ય 2 નવલકથાઓ અને કેટલીક પ્રણય કથાઓ પણ આપી છે. તેમની 3 નવલકથાઓમાં ‘કરિમાયી’, ‘જી. કે. માસ્ટરન પ્રણયપ્રસંગ’ (જેના પરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.) તથા ‘સિંગારવ્વા મત્તુ અરમને’નો સમાવેશ થાય છે. તે પૈકી ‘સિંગારવ્વા મત્તુ અરમને’ને 1982ના વર્ષનો રાજ્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.

લોકસાહિત્ય પર તેમણે 10 સંશોધનગ્રંથો પ્રગટ કર્યા છે. તેમાં કન્નડ લોકસાહિત્યના કોશનો પણ સમાવેશ થાય છે.

તેઓ કર્ણાટક નાટ્ય અકાદમીના અધ્યક્ષ (1983-87) તથા નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામાના ઉપાધ્યક્ષ (1986) રહી ચૂક્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘સિરિસંપિગે’ લોકમંચની શૈલી અને લોકભાષામાં લખાયેલ નાટક છે. તેમાં માનવ-અસ્તિત્વનાં અનેક પરિમાણોનું અન્વેષણ છે. તેમાં નર-નારી, ઈશ્વર-મનુષ્ય, સત્-અસત્, પ્રકૃતિ-પુરુષ, દેહ-આત્મા, કાયા અને મસ્તક જેવા યુગ્મસંબંધોની શોધનું મૂળગામી અને તાત્વિક નિરૂપણ છે.

નાટ્યોચિત રીતે કથાની ક્રમબદ્ધતા તથા કુશળ અને સમૃદ્ધ સંગીતાત્મક ગૂંથણીને કારણે આ નાટકની મંચનલક્ષી ગુણવત્તા વધી જાય છે. તેથી આ કૃતિ કન્નડમાં લખાયેલ ભારતીય નાટ્ય સાહિત્યમાં નોંધપાત્ર લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા