કંથાર (કાળો કંથારો) – કંથેર

January, 2006

કંથાર (કાળો કંથારો) – કંથેર : વનૌષધિ. સં. कन्थारि, कन्थार, गृध्रनखी, वक्र- कंटका, काकादनी, अहिंस्रा; હિ. कन्थारि, कन्धारी, हैंसा; મ. कांथारी, कंथाबेल; બં. कालियाकडा, कांटागुडकाभाई; અં. Cather Plant; લૅ. Capparis Sepiaria Linn. કુળ-કેપેરિડેસી.

કંથાર કે કંથારીની મોટી અને ખૂબ લાંબી કાષ્ઠમય વેલો ગુજરાતમાં ખેતરની વાડો પર બાવળ, થોર જેવી ઝાડીઓ પર ફેલાતી જોવા મળે છે. ગુજરાતમાં તે વધુ જોવા મળે છે. તેની 3-4 જાતો દક્ષિણ ભારતનાં રાજ્યો; ખાસ કરી સૂકા પ્રદેશોમાં તથા શ્રીલંકા, મલાયા, ઇન્ડોચાઇના, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં જોવા મળે છે. તેની શાખા-પ્રશાખાઓ પર તીક્ષ્ણ અણીદાર હૂક જેવા વાંકા કાંટા વૃન્તયુક્ત નાનાં પત્રોની ડાંડી નીચે જ હોય છે. તેનાં પાન નાનાં, લંબગોળ, સમાંતરે અને સાંકડાં હોય છે. તેનાં પુષ્પો સફેદ રંગનાં, શ્વેત કેસરયુક્ત, છત્રાકાર ગુચ્છમાં વસંતઋતુ (ફેબ્રુ.થી જૂન)માં જોવા મળે છે. તેનાં ફળ ગોળ, મુલાયમ, નાનાં કરમદાં જેવડાં ગ્રીષ્મ ઋતુમાં લાગે છે. જે ફળ પાકી જતાં કાળાં પડી જાય છે. ફળમાં બીજ ગોળ – વક્રાકાર 7ના અંક જેવાં ચપટાં હોય છે. આ વનસ્પતિનાં સહસભ્યોમાં – તળવણી, વીકો, કાગડાકેરી, વાયવરણો કેરડાં તથા ગોવિંદ-ફળ છે.

કંથાર રસ તીખો-કડવો, વિપાકે કડવો, ઉષ્ણવીર્ય, અગ્નિદીપક, રુચિકારક, પૌષ્ટિક, કફ અને વાતદોષહર તથા સોજા, ગ્રંથિ, સ્નાયુરોગ, રક્તવિકાર, ત્વચાના રોગ, પ્રદાહ, માંસપેશીઓની પીડા, તાવ, લોહીની ગાંઠ તથા પીડાનો નાશક છે. તે શરીરની નાનીમોટી ગાંઠો અને જીર્ણ તાવ પછીની અશક્તિમાં અકસીર છે.

(1) વિદ્રધિ, ગાંઠ કે પ્લેગની ગાંઠ : કંથારના મૂળની છાલને વાટી, તેની પોટીસ કરી ગાંઠ પર બાંધવાથી દાહ તો થાય છે, પણ લાભ જલદી થાય છે.

(2) નેત્રશોથ : કંથારીના મૂળને કોથમરી સાથે વાટીને આંખો બંધ કરી, પાંપણ બહાર (ઉપર) પાતળો લેપ કરવાથી લાલાશ સાથેનો સોજો તરત મટે છે.

(3) ઉદરશૂળ : કંથારના મૂળ કે ઝાડની છાલનો ફાંટ (ઉકાળો) 20થી 40 મિલી. લઈ, તેમાં જરા કાળાં મરી ને સંચળ નાંખી પીવાથી લાભ થશે.

(4) રક્તવિકાર અને ત્વચારોગો : કંથારીના મૂળની છાલ કે પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

(5) આમજ્વર અને સંધિપીડા : કંથારની છાલનો ઉકાળો પરેજી સાથે રોજ પીવાથી આમદોષ પચી જઈ, તાવ અને સાંધાની પીડા મટે છે. સંધિપીડા ઉપર તેનાં પાકાં ફળના ગર્ભનો લેપ કરવો લાભપ્રદ છે.

બળદેવપ્રસાદ પનારા

પ્રાગજી મો. રાઠોડ