કંથકોટ : કચ્છમાં ભૂજની 96.65 કિમી. પૂર્વમાં ભચાઉ તાલુકામાં મનફરા ગામ પાસે ટેકરા ઉપરનો ઐતિહાસિક ડુંગરી કિલ્લો. દરવાજા, સૂર્યમંદિર અને જૈનમંદિરના પ્રાચીન અવશેષો, ભગ્ન કિલ્લો આઠમી સદીની કાઠીની રાજધાનીથી માંડીને ચાવડાઓનો અમલ અને ત્યારપછી મુસ્લિમોનો સમય અને કચ્છના રાવના રાજ્યકાળ સુધીના સમયની સાક્ષી પૂરે છે. 950માં તે મૂળરાજ સોલંકીનું આશ્રયસ્થાન હતો. પ્રાચીન દરવાજાના અવશેષોમાં ઝીણવટભર્યું કંડારકામ છે. ઉપરાંત અહીં નવમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતની સોલંકી શૈલી સૂચવતા સૂર્યમંદિર(16.4 × 11.26 મી.)ના અવશેષો છે, જેમાં 4.5 મી. ઊંચું ખંડિત શિખર, 3.65 મી. ચોરસ ગર્ભગૃહ, પ્રદક્ષિણામાર્ગ, સભામંડપ તથા ગર્ભગૃહમાં 1.44 મી. ઊંચી સૂર્યની સુંદર ઊભી મૂર્તિ છે. ભગ્ન શિખર તેમજ મંડોવરની શિલ્પસમૃદ્ધિ બેનમૂન છે. જૈનમંદિર સોલંકી શૈલીના ઉત્તરાર્ધનો ઈ. સ. 1280નો સમય સૂચવે છે. આ અવશેષો રક્ષિત સ્મારક તરીકે સચવાય છે.

જ. મૂ. નાણાવટી