કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ

January, 2006

કંથારિયા, બાલાશંકર ઉલ્લાસરામ (જ. 17 મે 1858, નડિયાદ; અ. 1 એપ્રિલ 1898, નડિયાદ) : ગુજરાતીમાં ગઝલના આદ્યપ્રવર્તક કવિ. વતન નડિયાદ. પિતા મામલતદાર હતા એટલે આર્થિક સ્થિતિ સારી. બાલાશંકર અતિ લાડકોડમાં ઊછરેલા ને નાનપણથી જ મસ્ત પ્રકૃતિના હતા. મૅટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ. કૉલેજના અભ્યાસ માટે એમણે બે વર્ષ એફ. એ.ની પરીક્ષા માટે પ્રયત્ન કર્યો પણ વિશિષ્ટ મનોવૃત્તિ અને સોબતને કારણે સફળ થઈ શક્યા નહિ. 1880માં એમણે ઘોઘાના કસ્ટમ ખાતામાં માસિક વીસ રૂપિયાના પગારની નોકરી કરી. 1881-82માં કારકુન તરીકે કામ કર્યું અને થોડો સમય રજિસ્ટ્રેશન ખાતામાં પણ રહ્યા. પછી પોલીસ ખાતામાં, રેવન્યુ ખાતામાં, કલેક્ટર ઑફિસમાં અને ટ્રેઝરર તરીકે થોડો વખત નોકરી કરી. 1882-83માં માંદગીને કારણે લાંબી રજા ઉપર ઊતરી ગયા. થોડા સમયમાં પિતાજીનું અવસાન થતાં નોકરીનું પણ રાજીનામું આપ્યું.

બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

બાલાશંકરની ઉદારતા અને મહેચ્છા અપૂર્વ હતાં. ખૂબ ધન કમાવું અને કવિઓ તથા સાહિત્યકારો માટે એક મનોહર નિવાસસ્થાન ‘કવિલોક’ રચી એમને ત્યાં જીવનનિર્વાહની ચિંતાથી મુક્ત કરીને રાખવા એ એમની કલ્પના હતી. ‘સરસ્વતીચંદ્ર’માં ગોવર્ધનરામે કલ્યાણગ્રામની જે યોજના રજૂ કરી છે તે પ્રકારની આ યોજના બાલાશંકરના મનમાં ઘણા સમય પહેલાં ઉદભવેલી ને એને કાર્યાન્વિત કરવા કવિએ ‘આયર્ન ઍન્ડ મેટલ ફૅક્ટરી’ નામે બીડનું કારખાનું શરૂ કરેલું, પણ એમાં પુષ્કળ કાળવ્યય અને દ્રવ્યવ્યય થવા છતાં કારખાનું ફળદાયી ન થઈ શક્યું. આર્થિક મુશ્કેલીને કારણે કવિને પુન: નોકરી કરવાની આવશ્યકતા ઊભી થતાં, 1893માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)ના આસિ. સેક્રેટરી તરીકે જોડાયા. બેએક વર્ષ બાદ તેમને વડોદરા કલાભવનમાં સ્થાન મળ્યું. ફરી ‘આયર્ન ઍન્ડ મેટલ ફૅક્ટરી’ મોટા પાયા પર ઊભી કરી અને પહેલાંના અનુભવનો લાભ ઉઠાવીને કવિ એને સંગીન પાયા પર મૂકે તે પહેલાં જ 1898માં મરકીએ બે દિવસમાં જ એમના જીવનનો કરુણ અંત આણ્યો.

બાલાશંકરે કિશોરવયમાં જ ‘પ્રાર્થનાસમાજ’, ‘સ્વસુધારક મંડળ’ અને ‘સાઠોદરા જ્ઞાતિ શુભેચ્છક સભા’ જેવાં મંડળો સ્થાપેલાં. કવિ કહે છે તેમ ‘ગુરુકવિ દલપતરામનો પદરજસેવક બાલ’ તે દલપતરામના શિષ્ય હતા. ગુરુકવિની જેમ શીઘ્ર કવિતા, વ્રજભાષામાં રચતા. ગાયનવાદનનો શોખ બાલાશંકરને સ્વભાવગત હતો. શિક્ષણ તેમજ મણિલાલ દ્વિવેદી જેવી સમાનશીલવ્યસની અમુક વ્યક્તિઓના સંસર્ગને કારણે તે ઉત્તરોત્તર વિકાસ પામ્યો હતો.

ધાર્મિક સંસ્કારો, વેપારધંધાનો છંદ અને સાહસ, વિદ્યાનો મોહ ને તાંત્રિક વિદ્યાની છાયા એમના પૂર્વજો પાસેથી વારસામાં મળેલાં. બાલાશંકરની સાહિત્યપ્રવૃત્તિ પણ નોંધપાત્ર છે. નાની ઉંમરે કાવ્યરચનાનો છંદ લાગ્યા પછી બાલાશંકરે જે કાવ્યરચના કરી છે તે કૃતિસમૂહ ‘ક્લાન્ત કવિ’ નામે પ્રગટ થયો છે. તે ઉપરાંત ‘દેવીદાસ રાજનીતિ’, હિંદી કવિ હરિશ્ચંદ્રની ‘નાટિકા ચંદ્રાવલી’, ‘મદનચંદા’, ‘સાહિત્યદર્પણ’નો સટીક અનુવાદ, ઇતિહાસમાળા, હાફિઝમાંથી અનુવાદો, ‘ઉત્તરરામચરિત’નું ભાષાન્તર, ‘વિજયાપ્રશસ્તિ’, શંકરાચાર્યનો આગમન પ્રસંગ, રીપન પંચદશી, મૃચ્છકટિક તથા કર્પૂરમંજરીના અનુવાદો ઇત્યાદિ જેવી બાલાશંકરની અનેકદેશીય સાહિત્યપ્રવૃત્તિ નોંધપાત્ર છે. આ ઉપરાંત પ્રાચીન સિક્કાના લેખો વિલોકવાનો ને તે પરથી અનુમાન તારવવાનો તેમને શોખ હતો.

આ બધાંમાં મુખ્ય તો તેમની અતિ આકર્ષક અને પ્રાસાદિક તેમજ લાવણ્યમયી મધુર કવિતા છે. ગુજરાતી ભાષામાં ફારસી ગઝલોનો છોડ તેમણે વાવ્યો જે સમય જતાં વિવિધ રીતે વિકસીને ગુજરાતી કવિતાનું વિશિષ્ટ ઘરેણું બનેલ છે. ‘ક્લાન્ત કવિ’ તેમનું સો શિખરિણી શ્લોકોનું પ્રેમ અને ભક્તિનો ભાવ એકસાથે પ્રગટ કરતું કાવ્ય તેમનું ઉત્તમ અર્પણ છે. ‘સૌંદર્યલહરી’ અને કેટલીક સુંદર ગઝલોમાંથી પણ એમની પ્રતિભાનું પ્રમાણ મળી રહે છે. બાલાશંકરના રંગદર્શી મિજાજને વ્યક્ત કરતી ગઝલોને કવિ કલાપી અને કવિના જિગરી મિત્ર મણિલાલ દ્વિવેદી જેવાઓએ અનુકરણનું માન આપ્યું છે. ઉમાશંકર જોશીએ કવિનાં તમામ કાવ્યોનો સંગ્રહ ‘ક્લાન્ત કવિ’ ટિપ્પણો સાથે સંપાદિત કરેલો છે.

રણજિત પટેલ