કંચુક : કંચુકનો અર્થ છે આવરણ કે વેષ્ટન. કંચુકો શિવને લપેટાઈને તેને જીવ બનાવી દે છે. પરમ શિવને જ્યારે સૃષ્ટિ કરવાની ઇચ્છા થાય છે ત્યારે તેમનામાંથી બે તત્વો ઉત્પન્ન થાય છે – શિવ અને શક્તિ. પરમ શિવ નિર્ગુણ અને નિરંજન છે. શિવ સગુણ અને સિસૃક્ષા(સર્જન કરવાની ઇચ્છા)રૂપી ઉપાધિથી યુક્ત હોય છે. શક્તિ શિવનો ધર્મ છે. સમસ્ત સૃષ્ટિનું મૂળ કારણ શક્તિ જ છે. જે સમયે શક્તિ જગતની સૃષ્ટિ માટે પ્રવૃત્ત થાય છે. ત્યારે શિવનાં બે રૂપ પ્રગટ થાય છે : (1) સદા શિવ અને (2) ઈશ્વર. સદાશિવ જગતને અહં રૂપે નિહાળે છે અર્થાત્ ‘જગત હું જ છું.’ સદાશિવની આ અહંવૃત્તિને ‘શુદ્ધવિદ્યા’ કહી છે જ્યારે ઈશ્વર પોતાને જગતથી ભિન્ન રૂપે જુએ છે. અર્થાત્ આ જગત મારાથી ભિન્ન છે. ઈશ્વરની આ ઇંદતવૃત્તિનું નામ માયા છે. આ માયા શિવને પોતાના કંચુકોમાં લપેટીને તેને જીવ બનાવી દે છે. માયાના પાંચ કંચુકો છે – કાલ, નિયતિ, રાગ, વિદ્યા અને કલા. માયા આત્માના વિભાવો(અર્થાત્ શક્તિઓ)ના સંકોચનનું મૂળ કારણ છે. કેમ કે માયા સઘળી વ્યક્તિઓ અને વસ્તુઓમાં ભેદબુદ્ધિ ઉત્પન્ન કરે છે. એને કારણે માયાને ભેદબુદ્ધિ પણ કહેવામાં આવે છે. આમ કંચુક પરમ સત્તાની શક્તિઓ અને તેના સ્વરૂપને સીમિત અને સંકુચિત કરનારું તત્વ છે.
કાલ નામના કંચુકથી આવૃત્ત થવાથી પરબ્રહ્મ કે પર શિવની નિત્યતા સીમામાં બંધાઈ જાય છે. પરિણામે જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલુ થઈ જાય છે. ‘નિયતિ’ દ્વારા બ્રહ્મની સર્વવ્યાપકતા સંકોચાઈને કોઈ નિયત દેશ-પ્રદેશમાં સંકીર્ણ અને સીમિત થઈ જાય છે. આ ‘નિયતિ’ નામના કંચુકથી આવેષ્ટિ થતાં સુધી બ્રહ્મ સ્વતંત્ર હોય છે, પરંતુ નિયતિથી આવેષ્ટિત થતાંની સાથે કૃત્યાકૃત્યને લગતા અનેક નિયમોથી નિયમિત થઈ જાય છે. પંચરાત્ર આગમમાં આથી નિયતિને સૂક્ષ્મ સર્વ નિયામક કહેલ છે અને વિદ્યા, રાગ તેમજ કલા એ ત્રણેય કંચુકોને એની અંદર માન્યા છે. આને લઈને બ્રહ્મની નિત્ય પરિપૂર્ણ તૃપ્તિ પરિમિત થઈને ભોગોમાં પ્રવૃત્ત થાય છે, જેને રાગ તત્વ કહે છે. બ્રહ્મ તો પૂર્ણ જ છે પરંતુ જ્યારે તેની આ પૂર્ણતા સીમિત થઈ જાય છે ત્યારે તેમાં દ્વૈત પેદા થાય છે અને પોતાનાથી ભિન્ન વસ્તુ કે વ્યક્તિમાં રુચિ ઉત્પન્ન થાય છે અને એને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવા લાગે છે. ઇચ્છા અપૂર્ણતાની સૂચક છે. જે વસ્તુ પોતાની પાસે નથી તેને મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે અને આ ઇચ્છા વક્તિઓ અને વ્યક્તુઓ પ્રત્યે રાગ ઉત્પન્ન કરે છે. આથી રાગ બ્રહ્મની નિત્ય તૃપ્ત પરિપૂર્ણ તૃપ્તિને સંકુચિત કરીને અપૂર્ણ તૃપ્તિમાં બદલી નાખે છે. આમ તો બ્રહ્મ સર્વજ્ઞ છે, પરંતુ તેની સર્વજ્ઞતા સંકોચાય છે અને તે પોતે કિંવિજ્ઞ (થોડું કે અલ્પ જાણનાર) બની જાય છે. આવી સ્થિતિ વિદ્યા નામનો કંચુક વેષ્ટિત થતાં થાય છે. એવી રીતે કલા પણ બ્રહ્મની અસીમ શક્તિને સીમિત કરીને સર્વકર્તૃત્વને સ્થાને અલ્પકર્તૃત્વ સમર્થ બનાવી દેનારો કંચુક છે.
કંચુક વસ્ત્ર ધારણ કરનાર. અન્ત:પુરરક્ષક રાજસેવક. ભરત ઇત્યાદિએ કહેલાં તેનાં લક્ષણો અનુસાર તે વૃદ્ધ, સત્યનિષ્ઠ, વિનયી, કામદોષમુક્ત વિપ્ર હોય. તે ઉત્તર આપવામાં કુશળ હોય. અન્ત:પુર અંગેનાં કાર્યો પાર પાડવામાં અભ્યસ્ત હોય. સંસ્કૃત નાટકોમાં અન્ત:પુરના રક્ષણાધિકારી તરીકે કંચુકી કે કાંચુકીયનું પાત્ર જોવા મળે છે.
પ્રવીણચંદ્ર પરીખ
ચીનુભાઈ નાયક