કંટક, પ્રેમાબહેન

January, 2006

કંટક, પ્રેમાબહેન (જ. 1905, કંવર; અ. 1985) : સ્વાતંત્ર્યસેનાની અને મહિલા સશક્તીકરણનાં સમર્થક. તેઓ 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં. અભ્યાસકાળનાં વર્ષો દરમિયાન વિદ્યાર્થી-લડતમાં સક્રિય રહ્યાં અને સાઇમન કમિશન સમક્ષ દેખાવો યોજવાના કાર્યમાં જોડાયાં. બૉમ્બે પ્રેસિડેન્સી યૂથ લીગમાં કારોબારીના સભ્ય તરીકે ચૂંટાયાં. આ અરસામાં સામ્યવાદી વિચારધારાનો અભ્યાસ કર્યો, પણ આકર્ષાયાં ગાંધીવિચારથી. આથી ગાંધીજીના અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમમાં જોડાયાં. 1923થી ’33ના ત્યાંના વસવાટ દરમિયાન વિવિધ જવાબદારીભર્યાં કાર્યો નિભાવ્યાં. આશ્રમનાં બાળકોનાં શિક્ષિકા તરીકેની આકરી કામગીરી બજાવી.

1930થી ’32 દરમિયાન દાંડી સત્યાગ્રહમાં અને ત્યારબાદ રાષ્ટ્રીય લડતમાં સક્રિય ભાગીદારી દ્વારા ઘણી વાર જેલવાસ વેઠ્યો. દાંડી સત્યાગ્રહની જેલમુક્તિ બાદ પુણે ખાતે વસવાટ સ્વીકારી, ગાંધીજીની રાહબરી હેઠળ ત્યાં રચનાત્મક કાર્યો હાથ ધર્યાં. તેમાં ખાદી અને સ્વદેશીનો પ્રસાર અને મહિલા-જાગૃતિને તેમણે મુખ્ય ધ્યેય બનાવ્યાં. 1942ના ‘ભારત છોડો’ આંદોલનના દોઢ વર્ષના જેલવાસ બાદ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના સાસવડ ખાતે કૉંગ્રેસના તત્કાલીન અગ્રણી શંકરરાવ દેવના આશ્રમમાં જોડાયાં. સાથે રચનાત્મક કાર્યો માટેની મહિલા સમિતિ સાથેની કામગીરી 1952 સુધી ચાલુ રાખી. તે પછી થોડો સમય હિમાલયમાં વસ્યાં અને ત્યાંથી આવીને સાસવડ ખાતેના કસ્તૂરબા આશ્રમની જવાબદારી નિભાવી. ત્યાં દારૂબંધીનો પ્રચાર કરી વર્ષમાં ચાર મહિનાની દારૂબંધી યોજવામાં સફળ રહ્યાં. અહીં ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ આણી તેમને સ્વાવલંબી બનાવવાના કામમાં તેઓ ખૂંપી ગયાં.

તેઓ તેમની સાહિત્યિક રચનાઓથી મહારાષ્ટ્રના સાહિત્ય-ક્ષેત્રે પણ જાણીતાં હતાં. તેઓ ભારતના ધર્મગ્રંથોનું મૌલિક અર્થઘટન કરતાં રહેલાં. વળી ગાંધીવિચારોને અભિવ્યક્ત કરતા વિવિધ ગ્રંથો પણ તેમણે રચ્યા છે. તેમનું પુસ્તક ‘કર્મયોગી નારણદાસકાકા’(1978)માં  પ્રસિદ્ધ થયું.

રક્ષા મ. વ્યાસ