ઔષધશાસ્ત્ર – ઉપચારકેન્દ્રીય

January, 2006

ઔષધશાસ્ત્ર, ઉપચારકેન્દ્રીય (clinical pharmacy) : ઔષધશાસ્ત્રી(pharmacist)ની નિર્ણાયક શક્તિ, કુશળતા અને ઔષધશાસ્ત્ર તથા જીવઔષધવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી ઔષધની અસરકારકતા, સલામતી, કિંમત અને રોગને અનુરૂપ ઔષધની ચોકસાઈ જેવાં અનેક પાસાંઓને સ્પર્શતી ઔષધશાસ્ત્રની એક શાખા. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રને ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર(hospital pharmacy)માં પણ આવરી લેવામાં આવે છે. ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર વિસ્તૃત રીતે ચિકિત્સાલયમાં ઔષધનાં વ્યવસ્થા અને વિતરણને સાંકળે છે. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રમાં વિશિષ્ટ રીતે દર્દીને લક્ષમાં રાખીને ઔષધની સલામતી, ઔષધના વિવેકપૂર્વકના અને યોગ્ય વપરાશ દ્વારા સ્વાસ્થ્ય જાળવવાનાં પાસાંનો સમાવેશ કરાય છે. ઉપચારકેન્દ્રમાં દાખલ થઈને સારવાર લેતા તથા તેના બહારના વિભાગમાં સારવાર લેતા દર્દીઓ માટે વપરાતાં ઔષધને તેમાં આવરી લેવાય છે. ભારતમાં કેટલાંક ચિકિત્સાલયોમાં જ ચિકિત્સાલય-ઔષધશાસ્ત્રીની નિમણૂક થયેલી હોય છે જ્યારે વિદેશોમાં લગભગ દરેક ચિકિત્સાલયમાં આ શાખા અનિવાર્ય ગણાયેલ છે.

કૅનેડાના પ્રખ્યાત ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રી પિટર જેવેસનના મત પ્રમાણે ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રના કાર્યક્ષેત્રને નીચેના વિભાગોમાં વહેંચી શકાય : (1) ઔષધોની પ્રાથમિક ચકાસણી (screening), (2) દર્દીના શરીરમાં ઔષધના વહનનું પરિવીક્ષણ (monitoring), (3) ઔષધની ગુણવત્તાનું પરીક્ષણ (evaluation), (4) ઔષધ આપવાના માર્ગની પસંદગી, (5) વ્યક્તિગત દર્દી માટે ઉપચારની અસરકારકતા અને ખર્ચને લક્ષમાં લઈ ઔષધમાં ફેરફાર, (6) દર્દી પર થતી ઔષધની અસરને લગતાં સંશોધન.

(1) નિદાન કર્યા બાદ ડૉક્ટર દર્દીને ઔષધ લખી આપે છે. આ લખેલા ઔષધની ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રશાખામાં, કમ્પ્યૂટરમાં સંગૃહીત દર્દીની લાક્ષણિકતાઓ સાથે અનુરૂપતા ચકાસવામાં આવે છે. આ ચકાસણીમાં દર્દીની ઔષધ વિશેની ઍલર્જી, ચોક્કસ માત્રા, બીજાં ઔષધો સાથેની આંતરક્રિયા તથા એક જ હેતુ માટે બે ઔષધો નથી અપાતાં તેની ખાતરી કરવામાં આવે છે. ઔષધસર્જિત જીવલેણ અસરો, ઔષધમાત્રા અને ઔષધ આપવાનો માર્ગ યોગ્ય છે કે કેમ તે જાણવા આ ચકાસણી અગત્યની પુરવાર થયેલ છે. ઔષધ આ ચકાસણી બાદ યોગ્ય ઠરે તો તે નર્સિંગ-એકમને આપવામાં આવે છે અને પરિચારિકા તે ઔષધ દર્દીને આપે છે; પરંતુ જો આ ચકાસણીમાં કોઈ પણ કારણસર ઔષધ યોગ્ય ન ઠરે તો ડૉક્ટર સાથે સંપર્ક સાધીને યોગ્ય સુધારોવધારો કરવાનું સૂચવવામાં આવે છે. (2) દર્દીને ઔષધ આપ્યા બાદ ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રી દર્દીના શરીરમાં ઔષધથી થતા ફેરફાર નોંધે છે. તેની સાથે ઔષધની કિંમત, અસરકારકતા અને તેની ઝેરી અસર વગેરેનો વિચાર કરીને ઔષધની માત્રામાં જરૂરી ફેરફાર કરે છે. (3) ઔષધની ગુણવત્તાના પરીક્ષણમાં, ઔષધનો બિનજરૂરી ઉપયોગ તથા ઔષધ ક્યારે આપવું કે ક્યારે બંધ કરવું તે બાબત લક્ષમાં લેવાય છે. (4) ઔષધ આપવાના માર્ગની પસંદગીમાં પણ ઔષધશાસ્ત્રી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે; દા. ત., ક્લિન્ડામાયસીન ઇન્જેક્શન તેમજ મુખ મારફત લઈ શકાય તે રીતે બંને રૂપમાં ઉપલબ્ધ છે. મોં વાટે લેવાતી ક્લિન્ડામાયસીનની કિંમત તેના ઇન્જેક્શનના પ્રમાણમાં ફક્ત 10 % જ છે. વળી અસરકારકતા બંનેની સરખી છે. તેથી સામાન્ય રીતે મુખમાર્ગી ઔષધ પસંદ કરાય છે. (5) ડૉક્ટરે લખેલા ઔષધને બદલે, ઔષધની કિંમત અને અસરકારકતાને ધ્યાનમાં લઈ, અન્ય ઔષધ આપવું તે ઔષધશાસ્ત્રીને માટે જોખમી કામ ગણાય. હાલ ભારતમાં આ પ્રમાણેનો ફેરફાર કાયદેસર ગણાતો નથી; પરંતુ કેટલાક દેશોમાં ઔષધશાસ્ત્રીઓને આ પ્રકારનો અધિકાર મળેલો છે. (6) જુદાં જુદાં ચિકિત્સાલયોમાં દર્દી પર થતી ઔષધની અસરને લગતાં અનેક પ્રકારનાં સંશોધનો થતાં હોય છે. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રીઓ જૂનાં ઔષધો કરતાં વધુ અસરકારક, વધુ સલામત અને વધુ સસ્તાં નવાં ઔષધોની સામે નજર રાખી સંશોધન કરતા હોય છે.

રમેશ ગોયલ

અનુ. ડૉલરરાય દામજીભાઈ ભાલારા