ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં)

January, 2006

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં) : ઔષધશાસ્ત્ર(pharmacy)ની વિવિધ શાખાઓમાં પારંગત નિષ્ણાતો તૈયાર કરવાનું વિશિષ્ટ શિક્ષણ.

ભારતમાં પદ્ધતિસરના ફાર્મસી-શિક્ષણની શરૂઆત બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જુલાઈ, 1932થી બી.એસસી. ડિગ્રીમાં ફાર્મસ્યૂટિકલ કેમિસ્ટ્રીને એક વિષય તરીકે રાખવાની મંજૂરીથી થઈ ગણાય. આમાં પ્રેરણા પંડિત મદનમોહન માલવિયાની, સલાહસૂચનો કર્નલ આર. એન. ચોપરા, રાજશેખર બોઝ, સર પી. સી. રે અને સર યુ. એન. બ્રહ્મચારીનાં હતાં, જ્યારે આ અંગેની કપરી કાર્યવહી મહાદેવલાલ શ્રોફની હતી. આ અંગેનું શિક્ષણકાર્ય ડૉ. એસ. એસ. જોશીએ સંભાળ્યું હતું. આમ ફાર્મસી-શિક્ષણનો પાયો નાંખવાનું શ્રેય બનારસ હિન્દુ યુનિવર્સિટીને અને તેના આદ્યસ્થાપક તરીકેનું માલવિયાજીને ફાળે જાય છે. મહાદેવલાલ શ્રોફને ફાર્મસી-શિક્ષણના પિતા તરીકે ગણવામાં આવે છે.

ભારતમાં ફાર્મસીના શિક્ષણ માટે પોર્ટુગલના તાબામાં ગોવા હતું ત્યારે 1846માં સ્કૂલ ઑવ્ ફાર્મસીની સ્થાપના થયેલી અને મૅટ્રિક પછી ત્રણ વર્ષનો અભ્યાસક્રમ ચાલુ કરાયેલ. 1899માં ચેન્નાઈમાં કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટનો કોર્સ શરૂ થયેલો.

ભારતની ફાર્મસી કૉલેજોમાં ત્રણ સ્તરના અભ્યાસક્રમની જોગવાઈ છે : (1) ડિપ્લોમા ફાર્મસી (D. Pharm.), (2) સ્નાતક ફાર્મસી (B. Pharm.) અને અનુસ્નાતક ફાર્મસી (M. Pharm; Ph.D.)

ડિપ્લોમા ફાર્મસી : ભારતમાં આશરે 320 જેટલી કૉલેજો અને પૉલિટેક્નિકમાં ફાર્મસીના ડિપ્લોમા કક્ષાના શિક્ષણની જોગવાઈ છે. તેમાં પ્રતિ વર્ષે અંદાજે 18,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થીઓ ખાસ કરીને સામૂહિક (community) ફાર્મસિસ્ટ, હૉસ્પિટલ-ફાર્મસિસ્ટ કે મેડિકલ રેપ્રિઝેન્ટેટિવ તરીકે અને ફાર્મસ્યૂટિકલ ઉદ્યોગમાં ટેકનિશિયન તરીકે કાર્ય કરે છે. ડિપ્લોમાનું શિક્ષણ ભારતભરમાં એકસરખા પ્રકારનું છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી વિજ્ઞાનપ્રવાહના વિષયો સાથે બારમું ધોરણ ઉત્તીર્ણ કરવું આ અભ્યાસક્રમ માટે જરૂરી છે. આ અભ્યાસક્રમ બે વર્ષનો છે. ફાર્મસી ઍક્ટ 1948ના એજ્યુકેશન રેગ્યુલેશન 2001 પ્રમાણે ફાર્મસી કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા (P. C. I.) ડિપ્લોમા-શિક્ષણનું નિયંત્રણ કરે છે. અભ્યાસક્રમનું સ્તર, સંસ્થાકીય જરૂરિયાત, શિક્ષકોની લાયકાતનું ધોરણ વગેરેનું નિયંત્રણ નિરીક્ષકો દ્વારા થાય છે. આ અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, શરીરરચનાશાસ્ત્ર અને દેહધાર્મિક ક્રિયાશાસ્ત્ર, સ્વાસ્થ્ય-વિષયક કેળવણી વગેરે વિષયો શીખવાય છે. દ્વિતીય વર્ષમાં ફાર્મસ્યૂટિકલ વિષયો શરૂ થાય છે. એમાં ફાર્મસ્યૂટિકલ રસાયણશાસ્ત્ર, ડિસ્પેન્સિંગ ફાર્મસી, સામાન્ય ફાર્મસી ફૉરેન્સિક ફાર્મસી, ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy), Hospital & Clinical Pharmacy અને ઔષધક્રિયાશાસ્ત્ર (pharmacology) શીખવાય છે. આ અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીએ P. C. I. માન્ય હૉસ્પિટલ, ફાર્મસી કે ઔષધનિર્માણ કરતા કારખાનામાં 750 કલાકનું વ્યાવસાયિક પ્રશિક્ષણ લેવું જરૂરી છે. આ પછી જ તેને ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન પ્રાપ્ત થઈ શકે છે. ભવિષ્યમાં P. C. I. ડિપ્લોમા ફાર્મસી માટે નવો અભ્યાસક્રમ દાખલ કરે તેવી શક્યતા છે. આ અભ્યાસક્રમ બે વર્ષનો હશે પણ તેના પ્રવેશ માટેની લાયકાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું બારમું ધોરણ ગણાશે.

સ્નાતક ફાર્મસી : સ્નાતક ફાર્મસીના અભ્યાસક્રમનું નિયંત્રણ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ ટેકનિકલ એજ્યુકેશન (A. I. C. T. E.) કરે છે. P. C. I. આ અભ્યાસક્રમનું નિરીક્ષણ જરૂર કરે છે, પણ તે વિદ્યાર્થી કાઉન્સિલે નિયત કરેલ વિષયોનો અભ્યાસ કરે છે કે નહિ તે જોવા પૂરતું જ મર્યાદિત છે.

આશરે 210 જેટલી ફાર્મસી કૉલેજોમાં બી. ફાર્મ. કક્ષાનું શિક્ષણ અપાય છે. લગભગ 14,000 વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ આપી શકાય છે. પ્રવેશ માટેની લાયકાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણના વિજ્ઞાન-પ્રવાહનું બારમું ધોરણ ઉત્તીર્ણ કરવું તે છે. આ અભ્યાસક્રમ ચાર વર્ષનો છે. ગણિત, જીવશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઔષધરસાયણશાસ્ત્ર, ઇજનેરી ડ્રૉઇંગ, યાંત્રિક ઇજનેરી, શરીરરચનાશાસ્ત્ર, શરીરક્રિયાશાસ્ત્ર, જૈવ રસાયણ, ફાર્મસ્યૂટિકલ પૃથક્કરણ, ડિસ્પેન્સિંગ ફાર્મસી, ફૉરેન્સિક ફાર્મસી, સૂક્ષ્મજીવશાસ્ત્ર, ઔષધ-અભિજ્ઞાન, ફાર્મસ્યૂટિકલ ઇજનેરી, વિનિર્માણ(manufacturing)-ફાર્મસી, ઔષધક્રિયાશાસ્ત્ર, જૈવ આમાપન (bioassay), હૉસ્પિટલ-ફાર્મસી, ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટ, એલિમેન્ટરી એકાઉન્ટન્સી, અર્થશાસ્ત્ર, Community Pharmacy Clinical Pharmacy અને કમ્પ્યૂટરશાસ્ત્ર જેવા વિષયોનો ચાર વર્ષ દરમિયાન અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસક્રમ ઉપરાંત P. C. I. માન્ય સંસ્થાઓમાં 750 કલાકનું વ્યાવસાયિક પ્રશિક્ષણ લેવાનું ફરજિયાત છે. આ પછી જ વિદ્યાર્થીને ડિગ્રી એનાયત થાય છે.

બી. ફાર્મ. થયેલા વિદ્યાર્થીઓમાંથી થોડાક જ વિદ્યાર્થીઓ (4 %થી 5 %) સામૂહિક ફાર્મસિસ્ટ તરીકે જોડાય છે. મોટાભાગના સ્નાતકો (60 %થી 70 %) ફાર્મસ્યૂટિકલ ઉદ્યોગમાં જોડાવાનું પસંદ કરે છે. લગભગ 5 % વિદ્યાર્થીઓ રાજ્યના ઔષધનિયમનતંત્રમાં અને 10 %થી 15 % વિદ્યાર્થીઓ શિક્ષણસંસ્થાઓમાં શિક્ષણકાર્યમાં જોડાય છે, જ્યારે કેટલાક યોગ્યતા વધારવા અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાય છે. અનુસ્નાતક અભ્યાસક્રમ પૂરો કરનારને ફાર્મસ્યૂટિકલ વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રે સારી તક રહે છે. અમેરિકામાં ફાર્મસિસ્ટની સારી માંગ હોવાથી ઠીક ઠીક સંખ્યામાં વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરીને ત્યાં સ્થાયી થયેલા છે.

અનુસ્નાતક ફાર્મસિસ્ટ : ભારતમાં લગભગ 70 સંસ્થાઓમાં એમ. ફાર્મ. કક્ષાનું શિક્ષણ ઉપલબ્ધ છે. આ શિક્ષણ માટે સારી એવી માંગ છે. ઇજનેરી, સ્થાપત્ય અને ફાર્મસીમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાનારને એ. આઇ. સી. ટી. ઈ. તરફથી સ્કૉલરશિપ મળે છે. 1986થી એમ. ફાર્મમાં જોડાનારને આ સ્કૉલરશિપ માટે GATE (Graduate Aptitude Test Examination) પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય નૅશનલ/કોઑર્ડિનેટિંગ બોર્ડ વતી આઇ.આઇ.ટી. તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ આ પરીક્ષાનું સંચાલન કરે છે.

ફાર્મસી-વ્યવસાયની જરૂરિયાત લક્ષમાં લેતાં એમ. ફાર્મના અભ્યાસક્રમમાં પાંચ વિષયોને અગ્રતા અપાઈ છે :  ઔષધરસાયણ, ઔષધનિર્માણ અને ઔષધનિર્માણ-ઉદ્યોગ, ઔષધ-અભિજ્ઞાન, ઔષધક્રિયાશાસ્ત્ર અને મૉડર્ન ફાર્મસ્યૂટિકલ ઍનાલિટિકલ ટેક્નીકો. તેમાંનો છેલ્લો વિષય બધાં જ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. બાકીના ચારમાંથી એક વિષયનો સઘન અભ્યાસ કરવાનો હોય છે. સાથે સાથે પોતાની પસંદગીના વિષયમાં સંશોધન-આધારિત એક લઘુનિબંધ (dissertation) પણ તૈયાર કરવાનો હોય છે. આ મૂળ બે વર્ષનો અભ્યાસક્રમ છે. જોકે એ.આઇ.સી.ટી.ઈ.એ આ માટે એકસરખો અભ્યાસક્રમ નિયત કરેલો ન હોઈ જુદી જુદી સંસ્થાઓમાં ઉપર્યુક્ત વિષયોને સમાવી લેતા અભ્યાસક્રમો ચલાવાય છે.

સંશોધન : ભારતમાં માત્ર બાર જેટલી શિક્ષણસંસ્થાઓમાં એમ. ફાર્મમાં ઉત્તીર્ણ થયા પછી 100 ઉપરાંત વિદ્યાર્થીઓ ડૉક્ટરેટ અભ્યાસક્રમમાં દર વર્ષે જોડાય છે. સામાન્ય રીતે કોઈ એક વિષય ઉપર સંશોધન કરીને તે મહાનિબંધ (thesis) રૂપે રજૂ કરવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (U.G.C.), કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (C.S.I.R.), ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (I.C.M.R.) અને ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી (D.S.T.) તરફથી GATE કે C.S.I.R.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને ફેલોશિપ રૂપે નાણાકીય સહાય મળે છે. આને પરિણામે ફાર્મસી-ક્ષેત્રે સારું એવું સંશોધન થાય છે.

ગુજરાતમાં અમદાવાદ, આદિપુર, બારડોલી, ખંભાત, વડોદરા, મહેસાણા, મોડાસા, ખેરવા, વાપી અને વલ્લભવિદ્યાનગરમાં ફાર્મસી કૉલેજો છે. એમાં અમદાવાદની એલ. એમ. કૉલેજ ઑવ્ ફાર્મસી (L.M.C.P.) સૌપ્રથમ સ્થપાયેલી (1947) અને અગ્રણી કૉલેજ ગણાય છે. આ સંસ્થામાં ડિપ્લોમાથી પીએચ.ડી. કક્ષાના અભ્યાસ માટે સગવડ છે. બારડોલી, ખંભાત, ભાવનગર, હિંમતનગર અને આદિપુરમાં ફક્ત ડિપ્લોમા અભ્યાસક્રમનું, વડોદરામાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમનું તથા વલ્લભવિદ્યાનગરમાં ડિપ્લોમા તથા સ્નાતક કક્ષાનું શિક્ષણ અપાય છે.

1990 સુધીમાં આશરે 30,000 ડિપ્લોમા ફાર્મસી, 10,000 બી. ફાર્મ, 2,500 એમ. ફાર્મ ને 200 ઉપરાંત ડૉક્ટરેટ વિદ્યાર્થીઓ આ સંસ્થાઓમાંથી બહાર પડ્યા છે. ફાર્મસી વ્યવસાયનાં ફાર્મસી-ઉદ્યોગ, શિક્ષણ અને સંશોધન વગેરે ક્ષેત્રો માટે યોગ્ય લાયકાતવાળા માણસો પૂરા પાડનાર આ શિક્ષણસંસ્થાઓ છે.

સમગ્ર રીતે જોતાં ફાર્મસીનું શિક્ષણ સંશોધનલક્ષી રહ્યું છે તે આવકારપાત્ર છે. પ્રતિદિન નવાં નવાં ઔષધ શોધાતાં જાય છે ને ઔષધના અવનવા યોગો પણ શોધાય છે. ફાર્મસી સતત સંશોધનલક્ષી અભ્યાસશાખા છે. માનવજીવનના સ્વાસ્થ્ય સાથે તેનો સીધો સંબંધ છે. ડૉક્ટરે લખેલ ઔષધપત્ર (prescription) પ્રમાણે દવા બનાવવાનું થોડા દસકા પહેલાંનું કમ્પાઉન્ડરનું કામ હવે નહિવત્ થઈ ગયું છે. હવે તો ફાર્મસ્યૂટિકલ કંપનીઓમાં તૈયાર થયેલા નવા ઔષધયોગો કેવી રીતે સાચવવા, વાપરવા, વાપરવામાં શી સાવધાની રાખવી, તેની માત્રા, આડઅસરો વગેરેનું જ્ઞાન સંપાદન કરવું જરૂરી બન્યું છે. ઔષધ આપવાની રીત (drugs administration) પણ બદલાતી રહે છે. એક સમયે બહુપ્રચલિત મિક્સ્ચર, ગોળી, પાઉડર, કૅપ્સ્યૂલ, ટીકડી, ઍરોસોલ, ઇંજેક્શન વગેરેમાંથી અત્યંત આધુનિક પૅચ (patch) તેમજ ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી પદ્ધતિનો આવિર્ભાવ થઈ રહ્યો છે; જેના વપરાશથી જે અવયવની ખરાબી થઈ હોય, ત્યાં જ દવા સીધી પહોંચે છે. તેને લીધે બીજા અવયવો પર આ દવાની આડઅસર અટકાવી શકાય છે. વળી આ પદ્ધતિમાં દવા પૂરી માત્રામાં તે અવયવ પર જ પહોંચે છે, તેથી બીજા અવયવોમાંથી પસાર થતાં ચયાપચયને કારણે તેની ગુણવત્તા ઘટવાની કે નાશ પામવાની શક્યતા રહેતી નથી. વળી ઔષધના એવા યોગો બને છે કે ઔષધ ત્રણ કે ચાર વાર લેવાને બદલે આ યોગ એક જ વાર લેવા છતાં પણ શરીરમાં ઔષધનું અસરકારક સંકેન્દ્રણ જળવાઈ રહે છે, ઔષધના આવા નવા યોગો (દા. ત., patch system, new drug delivery system, prolonged and sustained release system) અંગે વિશ્વભરમાં ઘણું જ સંશોધન ચાલી રહ્યું છે.

ભવિષ્ય : એકવીસમી સદીમાં આ વ્યવસાયનું ભવિષ્ય કેવું હશે તે અંગે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. પશ્ચિમમાં ફાર્મસિસ્ટ મુખ્યત્વે સામૂહિક ફાર્મસિસ્ટ તરીકે જોડાય છે જ્યારે ભારતમાં મોટા ભાગના ફાર્મસી સ્નાતકો અને અનુસ્નાતકો ફાર્મસ્યૂટિકલ ઉદ્યોગમાં જોડાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) અનુસાર ‘2000 સુધીમાં બધા જ માટે ‘સુંદર સ્વાસ્થ્ય’ સૂત્રને સાર્થક કરવા માટે ભારતમાં પણ મોટી સંખ્યામાં ઔષધોનાં બધાં જ પાસાંના જાણકાર ક્લિનિકલ અને સામૂહિક ફાર્મસિસ્ટની સેવા જરૂરી બનશે.

ફાર્મસિસ્ટ સ્વાસ્થ્યવૈજ્ઞાનિક છે. તે ઔષધનાં વિવિધ પાસાંનો જાણકાર હોય છે. ઔષધોના અનેકવિધ યોગોમાં વપરાતાં ઘટકોના ભૌતિક, રાસાયણિક તેમજ જૈવિક ગુણધર્મોની જાણકારી ઉપરાંત ઔષધયોગના નિર્માણ, પરિરક્ષણ (preservation), ઉપયોગ અને તેમની આડઅસરોનું જ્ઞાન પણ તે ધરાવે છે. ઝેરી તેમજ આદત પાડનારી ઔષધિઓની પણ તેને જાણકારી હોય છે. તે દર્દી અને ડૉક્ટર વચ્ચે અગત્યની કડીરૂપ છે.

ફાર્મસ્યૂટિકલ વ્યવસાય : આ વ્યવસાય અતિ પ્રાચીન છે. એક સમયે ચિકિત્સકો ચિકિત્સા ઉપરાંત ઔષધ-નિયોજકનું અને પરિચારકનું કાર્ય પણ કરતા હતા. આ શાખાનો વિકાસ થતાં અર્વાચીન સમયમાં ચિકિત્સક, નિયોજક અને પરિચારક  એમ પ્રત્યેક વર્ગ માટે આગવા શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ. ફાર્મસિસ્ટ એ માત્ર કમ્પાઉન્ડર નથી કે ઔષધ વેચનાર નથી. તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. તેનાં અગત્યનાં ક્ષેત્રો નીચે પ્રમાણે ગણાવી શકાય :

(1) રિટેલ ફાર્મસી : દવા-વિતરણ વ્યવસાયને રિટેલ ફાર્મસી કહે છે. ફાર્મસી ઍક્ટ 1948ના સેક્શન 42 પ્રમાણે, દવા વેચનારે ફાર્મસિસ્ટ રાખવાનું ફરજિયાત છે. જોખમકારક, આદત પાડનારી ઝેરી દવાઓનું વિતરણ કરવામાં તેણે ઘણી કાળજી રાખવી જરૂરી છે. દવા કેમ લેવી, ક્યારે લેવી, કેમ સાચવવી અને તેની કઈ આડઅસરો છે એ અંગે માર્ગદર્શન આપવું તે તેની ફરજોમાં ગણાય છે.

(2) હૉસ્પિટલફાર્મસી : જે દવાઓ હૉસ્પિટલમાં મોટા પ્રમાણમાં જરૂરી હોય તે દવાઓ હૉસ્પિટલમાં જ બને તે હૉસ્પિટલ-ફાર્મસીનો હેતુ છે. મધ્યમ આવકવાળા વર્ગને આથી રાહત આપી શકાય. વળી ઑપરેશન-થિયેટર માટેનાં નિર્જીવાણુકૃત (sterilised) સાધનો પણ તે તૈયાર કરે છે.

(3) ઔષધનિર્માણઉદ્યોગ : ઔષધનિર્માણ-ઉદ્યોગમાં ઔષધોનાં ઉત્પાદન અને ગુણવત્તાના નિયંત્રણની જવાબદારી ફાર્મસિસ્ટ સંભાળે છે. સ્થાયી ગુણધર્મોવાળી શુદ્ધ દવાઓના ઉત્પાદનમાં પૂરેપૂરી સ્વચ્છતાની જાળવણી, દવાની ગુણવત્તામાં વધારો કરવો, વધુ અસરકારક નવા યોગોની બનાવટ વગેરે બાબતો ફાર્મસિસ્ટના કાર્યક્ષેત્રમાં આવે છે.

(4) ઔષધસંશોધનપ્રયોગશાળા : કાચો માલ તથા તૈયાર ઔષધોની ચકાસણી ઘણી જરૂરી છે. આ માટે મોટાં કારખાનાં પોતાનો ગુણવત્તા-નિયમન વિભાગ (quality control – Q. C.) રાખે છે, જ્યારે નાનાં કારખાનાં પોતાની જરૂરિયાત માટે આ કાર્ય માટેની માન્ય પ્રયોગશાળાઓનો લાભ લે છે. આવા વિભાગ તથા પ્રયોગશાળાઓમાં ફાર્મસિસ્ટ પોતાની સેવા આપે છે.

(5) મેડિકલ રેપ્રિઝેન્ટેટિવ (M. R.) : ઔષધ-ઉદ્યોગમાં નવાં શોધાતાં ઔષધો અને ઔષધયોગોનાં ગુણધર્મો, ઉપયોગ, પ્રતિક્રિયા અને આડઅસરો અંગે ડૉક્ટરોને માહિતગાર કરવાનું કાર્ય સામાન્ય સેલ્સમૅન માટે શક્ય નથી. ઔષધ-ઉદ્યોગ આ કાર્ય માટે મોટા પ્રમાણમાં ફાર્મસિસ્ટોને રોકે છે.

(6) ઔષધનિયમન તંત્ર (food and drug control administration) : જનતાને શુદ્ધ અને ગુણવત્તાવાળી દવાઓ મળી શકે તે માટે ઔષધોનાં ઉત્પાદન, વેચાણ અને આયાત ઉપર નિયમન રાખવા માટે ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ 1940, ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ રૂલ્સ (1965), ડ્રગ્ઝ કંટ્રોલ ઑર્ડર (1944), ડ્રગ્ઝ ઍન્ડ મૅજિક રેમેડિઝ (ઑબ્જેક્શનેબલ ઍડવર્ટાઇઝમેન્ટ) ઍક્ટ (1954) વગેરે કાયદા અમલમાં છે. આ કાયદાનો યોગ્ય અમલ કરવા માટે દરેક રાજ્યમાં ઔષધનિયમનતંત્ર હોય છે. દવા બનાવતી કંપનીઓ તેમજ દવાનું વેચાણ કરતી દુકાનોમાંથી ઔષધનિરીક્ષકો અવારનવાર દવાઓના નમૂના લઈને ઔષધ પ્રયોગશાળામાં તેની ગુણવત્તા, શુદ્ધતા વગેરેની ચકાસણી કરે છે. ખામી માલૂમ પડતાં ઔષધના જે તે ઘાણ(batch)નો સઘળો માલ વેચાણમાંથી પાછો ખેંચવામાં આવે છે અને કંપની ઉપર શિક્ષાત્મક કાર્યવહી કરવામાં આવે છે. આ તંત્રમાં સામાન્ય રીતે ફાર્મસિસ્ટો પસંદ કરવામાં આવે છે.

ઔષધશાસ્ત્રના ક્ષેત્રમાં કેટલીક સમિતિઓ સ્થાપવામાં આવેલી છે. તેમનો મુખ્ય હેતુ આ વ્યવસાયમાં સંકળાયેલ વ્યક્તિઓને સંપર્ક અને વિચારોના આદાનપ્રદાન માટેનું સ્થાન પૂરું પાડવાનો હોય છે. આમાંની ઘણીખરી સમિતિઓ સામયિકો પણ બહાર પાડે છે. આમાંની કેટલીકની માહિતી નીચે પ્રમાણે છે :

(1) ઇન્ડિયન ફાર્મસ્યૂટિકલ એસોસિયેશન (I. P. A.) : પ્રોફેસર મહાદેવલાલ શ્રોફે 1935માં ધ યુનાઇટેડ પ્રૉવિન્સ ફાર્મસ્યૂટિકલ ઍસોસિયેશનની બનારસમાં સ્થાપના કરી. ચાર વર્ષ પછી તેની રાષ્ટ્રીય સમિતિના રૂપમાં આઇ.પી.એ.ના નામથી (મુંબઈ વડું મથક) નોંધણી થઈ. તે 1948થી એફ.આઇ.પી.(Federation International Pharmaceutique)ની સાથે અને 1966થી એફ.એ.પી.એ.(Federation of Asian Pharmaceutical Association)ની સાથે સભ્ય તરીકે સંકળાયેલું છે. કૉમનવેલ્થ ફાર્મસ્યૂટિકલ કૉન્ફરન્સ સર્વપ્રથમ મેલ્બૉર્ન(ઑસ્ટ્રેલિયા)માં મળી હતી. તેમાં ગુજરાત રાજ્યના પ્રથમ ઔષધ-નિયંત્રક બી. વી. પટેલની 1971-76 સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી થઈ હતી. અન્ય સંસ્થાઓના સહકારથી આઇ. પી. એ. જનતામાં ફાર્મસી વ્યવસાય અંગે જાગૃતિ આણવા પ્રતિવર્ષ રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ ઊજવે છે. તે ‘ધ ઇન્ડિયન જર્નલ ઑવ્ ફાર્મસ્યૂટિકલ સાયન્સિઝ(I. J. P. S.)’નું 1939થી અને ‘ફાર્માટાઇમ’નું 1969થી પ્રકાશન કરે છે.

(2) ઇન્ડિયન ફાર્મસ્યૂટિકલ કૉંગ્રેસ ઍસોસિયેશન (I. P. C. A.) : સ્થાપના 1948, કૉલકાતામાં, પ્રૉફેસર મહાદેવલાલ શ્રોફને હસ્તે. પ્રમુખ કાર્યાલય  અમદાવાદ. પ્રતિવર્ષ ફાર્મસ્યૂટિકલ કૉંગ્રેસનું અધિવેશન યોજે છે.

(3) ઇન્ડિયન હૉસ્પિટલ ફાર્મસિસ્ટ ઍસોસિયેશન (I. H. P. A.) : સ્થાપના 1953, દિલ્હી, બી. ડી. મિગલાનીના હસ્તે. 1964થી દ્વિમાસિક ‘ધ ઇન્ડિયન જર્નલ ઑવ્ હૉસ્પિટલ ફાર્મસી’નું પ્રકાશન.

(4) ઇન્ડિયન ફાર્મસી ગ્રૅજ્યુએટ્સ ઍસોસિયેશન (I. P. G. A.) : સ્થાપના દિલ્હી. ‘ગ્રૅજ્યુએટ્સ ફાર્મસ્યૂટિકા’નું અર્ધવાર્ષિક પ્રકાશન.

(5) ઍસોસિયેશન ઑવ્ ફાર્મસ્યૂટિકલ ટીચર્સ ઑવ્ ઇન્ડિયા (A.P.T.I.) : સ્થાપના 1960, બનારસમાં મહાદેવલાલ શ્રોફના હસ્તે. જી. પી. શ્રીવાસ્તવ પ્રથમ સેક્રેટરી. કાર્યાલય પહેલાં નાગપુર, હાલમાં મનિપાલ. ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ફાર્મસ્યૂટિકલ એજ્યુકેશન’નું ત્રિમાસિક પ્રકાશન.

(6) ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (I. D. M. A.) : સ્થાપના 1961, મુંબઈમાં. તે ‘ઇન્ડિયન ડ્રગ્સ’ (માસિક) અને ‘આઇ. ડી. એમ. એ. બુલેટિન’(સાપ્તાહિક)નું પ્રકાશન કરે છે.

(7) ફાર્મસ્યૂટિકલ ઍન્ડ એલાઇડ મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂટર્સ ઍસોસિયેશન લિમિટેડ (P. A. M. D. A. L.) : સ્થાપના 1940, મુંબઈ.

(8) ઑલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરર્સ ઑર્ગેનાઇઝેશન (A. I. M. O.) : સ્થાપના 1940, મુંબઈમાં ડૉ. એમ. એમ. વિશ્વેશ્વરૈયાને હસ્તે. ‘એ. આઇ. એમ. ઓ.’ અને ‘ઇન્ડસ્ટ્રિયલ ઇન્ડિયા’નું પ્રકાશન કરે છે.

(9) ઇન્ડિયન કેમિકલ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (I. C. M. A.) : સ્થાપના 1938. કોલકાતામાં આચાર્ય પી. સી. રેના હસ્તે. 1956થી ‘કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ ન્યૂઝ’ નામનું માસિક પ્રકાશિત કરે છે. વિવિધ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિકોને ‘પી. સી. રે પારિતોષિક’ એનાયત કરે છે.

(10) ઇન્ડિયન હૉસ્પિટલ ઍસોસિયેશન (I.H.A.) : સ્થાપના 1960, ન્યૂ દિલ્હી, ડૉ. પી. એન. દાઈને હસ્તે. તે ‘હૉસ્પિટલ એડ્મિનિસ્ટ્રેશન’ નામનું માસિક પ્રકાશિત કરે છે.

(11) ફેડરેશન ઑવ્ મેડિકલ રેપ્રિઝેન્ટેટિવ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા (F. M. R. A. I.) : આ ફેડરેશન તેના સભ્યોની વ્યાવસાયિક જરૂરિયાતો બાબત ધ્યાન આપે છે.

ભારતમાં ફાર્મસી શિક્ષણને વિશ્વના ફાર્મસી શિક્ષણની સમકક્ષ કરવા આઈ.પી.એ. અને આઇ.પી.સી. દ્વારા પ્રયત્ન થતા રહ્યા છે, પણ આ બાબત ધ્યાન રાખવા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફાર્મસ્યૂટિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (NIPER) જેવી આગવી સંસ્થા સ્થાપી છે.

ભાનુબહેન ત્રિવેદી