ઔષધશાસ્ત્ર (pharmacy) : ઔષધોની શોધ, વિકાસ અને તેમના સરળ યોગ (formulation) રૂપે ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલ આરોગ્યલક્ષી વ્યવસાય. મનુષ્ય તથા પ્રાણીઓને થતા રોગના નિદાન કે ઉપચાર માટે, રોગને હળવો કરવા કે થતો અટકાવવા માટે, રોગથી થતી વિકૃત શારીરિક અવસ્થા તથા રોગનાં ચિહનો દૂર કરવા માટે અને જૈવિક કાર્યના પુન: સ્થાપન, ફેરફાર કે સુધારણા વગેરે માટે વપરાતા પદાર્થો કે પદાર્થોના મિશ્રણને ઔષધો કહે છે.

ઔષધો અંગેનું જ્ઞાન માનવસંસ્કૃતિ જેટલું પુરાણું છે. ‘ફાર્મસી’ શબ્દ ગ્રીક ‘pharmacon = ઔષધ’ ઉપરથી આવ્યો છે. આદિમાનવે ઘવાયેલાં માંદાં પ્રાણીઓની વર્તણૂક અને પોતાની અંત:પ્રેરણાથી કેટલાંક ઔષધો શોધી કાઢ્યાં હતાં. માનવ વધુ સંસ્કૃત થતો ગયો તેમ તેમ પ્રયોગ અને અનુભવથી તેને કામ આવતી વનસ્પતિઓની જાણકારી તેણે એકઠી કરવા માંડી હતી. અમુક માણસોએ રોગનું નિદાન કરીને ઔષધો આપવાનો વ્યવસાય શરૂ કર્યો. એ રીતે એક નવો વ્યવસાય સમાજમાં વિકસ્યો હતો. છેક ઓગણીસમી સદી સુધી મોટાભાગનાં ઔષધો વનસ્પતિમાંથી અને કેટલાંક પ્રાણીઓમાંથી તથા ખનિજ પદાર્થોમાંથી મેળવવામાં આવતાં હતાં. આ બધાં ઔષધો મુખ્યત્વે અપરિષ્કૃત (crude) રૂપમાં જ હતાં.

વિવિધ સંસ્કૃતિઓએ તેમનું આગવું ઔષધશાસ્ત્ર વિકસાવ્યું હતું. ઔષધશાસ્ત્ર અંગે પ્રાચીન સમયમાં ચીન, ભારત અને ભૂમધ્ય પ્રદેશોની સંસ્કૃતિઓએ સારો વિકાસ સાધ્યો હતો. ઈ. પૂ. 2735ના અરસામાં ચીની વનસ્પતિ ચાંગ શાંગ (chang shong) જ્વરહર તરીકે વપરાતી હોવાનો ઉલ્લેખ છે. ચરક, સુશ્રુત વગેરેનો ઔષધશાસ્ત્રમાંનો ફાળો સમગ્ર વિશ્વે સ્વીકારેલો છે.

ઔષધશાસ્ત્રમાં ક્રાંતિકારી સુધારા સોળમી અને સત્તરમી સદીમાં અમલમાં આવ્યા. રોગ પારખીને ઔષધોનો નિર્દેશ (prescribe) કરનાર અને ઔષધ બનાવનાર – એમ બે વ્યવસાયો અલગ પડી ગયા. ઔષધની બનાવટમાં સમાનતા આણવા તથા તેમની શુદ્ધિ અંગેની ચકાસણીમાં મદદરૂપ થાય તેવા ગ્રંથો – ફાર્માકોપિયા – તૈયાર થવા માંડ્યાં. ન્યુરેમ્બર્ગમાં 1546માં પ્રથમ ફાર્માકોપિયા બહાર પડ્યો. 1617માં સોસાયટી ઑવ્ ઍપોથેકરીની સ્થાપના થઈ અને ઔષધશાસ્ત્ર એક આગવા વ્યવસાય તરીકે અસ્તિત્વમાં આવ્યો. કાયદાથી એમ ઠરાવવામાં આવ્યું કે ઍપોથેકરી જ ઔષધ રાખી/વેચી શકે. 1841માં ફાર્મસ્યૂટિકલ સોસાયટી ઑવ્ ગ્રેટબ્રિટન અસ્તિત્વમાં આવી અને ફાર્મસિસ્ટની વ્યવસ્થિત કેળવણી શરૂ થઈ. ઇસ્લામના આગમન સાથે યુનાની પદ્ધતિ અને યુરોપીય પ્રજાના આગમન સાથે આધુનિક ઔષધશાસ્ત્ર ભારતમાં પ્રવેશ પામ્યું. જર્મનીમાં ઓગણીસમી સદીમાં હોમિયોપથી નામની એક ચિકિત્સાપદ્ધતિનો ઉદભવ થયો હતો.

ઓગણીસમી સદીથી ઔષધશાસ્ત્રનો ઝડપી વિકાસ થયો છે. આનું મુખ્ય કારણ રસાયણશાસ્ત્રમાં થયેલો વિકાસ છે. અપરિષ્કૃત ઔષધોને બદલે તેમાં રહેલ સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં વપરાશમાં આવ્યા. આ અત્યંત અગત્યની બાબત હતી. આવા સક્રિય ઘટકોની વપરાશથી (1) ઔષધની ચોક્કસ માત્રા આપવાનું શક્ય બન્યું. (2) અપરિષ્કૃત ઔષધોમાં સક્રિય ઉપયોગી ઘટકની સાથે રહેલા બીજા પદાર્થોની વિષાળુ/અનિચ્છનીય અસરોથી મુક્તિ. (3) સક્રિય ઘટકના રાસાયણિક બંધારણના જ્ઞાન ઉપરથી તેની તથા સંબંધિત વધુ ઉપયોગી ઔષધોની શોધ શક્ય બની.

આધુનિક ઔષધશાસ્ત્રની મુખ્ય ચાર શાખાઓ છે : (1) ઔષધ-નિર્માણશાસ્ત્ર (pharmaceutics) (2) ઔષધ રસાયણશાસ્ત્ર (pharmaceutical chemistry) (3) ઔષધ ગુણશાસ્ત્ર (pharmacology) (4) ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy).

ઔષધશાસ્ત્રમાં વ્યવસ્થિત કેળવણી લીધેલ વ્યક્તિ ઔષધો અંગેનું સંશોધન, નિર્માણ, પૃથક્કરણ, તૈયાર ઔષધોનું વિતરણ, વેચાણ તેમજ ઔષધનિયંત્રણતંત્ર વગેરે વ્યવસાયોમાં પોતાનો ફાળો આપી રહી છે.

મૂળજીભાઈ દેવાણી

ઈલા પટેલ