ઔલી સ્કીઇંગ કેન્દ્ર

January, 2025

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના હિમ-ઢોળાવો વિશ્વપ્રસિદ્ધ ઢોળાવોની સમકક્ષ મનાય છે. આ ઢોળાવો સમુદ્રતટથી 2,519થી 3,049 મી.ની ઊંચાઈ સુધી વિસ્તરેલા છે.

ઔલીમાં સ્કીઇંગની રમતો શરૂ કરવાનું શ્રેય ભારત-તિબેટ સીમા પોલીસને ફાળે જાય છે. વીસમી સદીના આઠમા દશકના પ્રારંભે પોતાના જવાનોને તથા અન્ય અર્ધલશ્કરી જવાનોને પ્રશિક્ષણ આપવા માટે વિન્ટર ક્રાફ્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. 1984થી આ કેન્દ્ર ઔલી સ્કીઇંગ કેંદ્રમાં રૂપાંતર પામ્યું. ગઢવાલ મંડળ વિકાસ નિગમે પર્યટનના વિકાસને અનુલક્ષીને આ કેંદ્ર વિકસાવવાની શરૂઆત કરી હતી. આ કેંદ્ર હવે તેના પૂરા સ્વરૂપમાં વિકસ્યું છે.

ઔલી જવા માટેનું મુખ્ય મથક જોષીમઠ છે, ત્યાંથી કેબલકાર દ્વારા ત્યાં પહોંચાય છે. પગે ચાલીને ટૂંકા રસ્તે 5 કિમી.ની સીધી ચઢાઈ ચઢીને પણ ઔલી પહોંચાય છે; પણ આ માર્ગ મોટેભાગે પર્વતખેડુઓને જ માફક આવે તેવો છે. દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના મહિના ત્યાંના પ્રવાસ માટેનો ઉત્તમ સમય ગણાય છે. આ મહિનાઓ દરમિયાન ત્યાં અનેક વાર હિમવર્ષા થાય છે, જેને લીધે પહાડના ઢોળાવો પર બરફ છવાઈ જાય છે. ઢોળાવો પર છવાયેલો બરફ અસમતલ હોય છે. તેને સ્નોબીટરો દ્વારા તોડીને સમતલ કરવામાં આવે છે. ‘સ્નો પૅકિંગ’ યંત્રો દ્વારા આ બરફાની ઢોળાવોની સાચવણી કરવામાં આવે છે.

બરફ પરના રમતના ખેલાડીઓ સ્કીઇંગ માટે આ સ્થાનને સવિશેષ પસંદ કરે છે; કારણ આ સ્થાન વૃક્ષસમાપ્તિ-રેખા અને શાશ્વત હિમરેખાની વચ્ચે આવેલું ક્ષેત્ર છે. આ ઢોળાવોની ફરતે ઓકનાં વૃક્ષો હોવાથી અહીં પવનની ગતિ માપસરની બની જાય છે, જે બરફ પર સરકવા માટે અનુકૂળ હવામાન રચે છે. રમતના પ્રેમીઓ અને નવાગંતુકો માટે 10થી 20 કિમી. લાંબા, બરફીલા પટ્ટા આકર્ષણરૂપ છે, તો બીજી તરફે 3 કિમી.નો લાંબો ઢોળાવ ઝડપી રમતવીરો માટે ખૂબ આનંદદાયક છે. લાંબા સાંકડા તથા આગળની અણીના ભાગથી થોડા વળેલા લાંબા પાટિયા જેવા સ્કીઝની વચ્ચે જડેલા બૂટમાં પગનો પંજો ફીટ કરી તેની મદદથી બરફ પર સરકવાની રમતનો આનંદ લેવાય છે. વળી બરફ પર સરકવા માટે સમતુલા જાળવવા બંને તરફ એક એક લાકડી જેવા ખાસ પોલ હાથમાં રાખવાના હોય છે. આ પોલનો હાથો ચામડાથી જડેલો હોવાથી પકડવામાં સરળતા થાય છે, તો પોલની નીચેના છેડામાં તીક્ષ્ણ અણીદાર સળિયો હોય છે, જે બરફમાં ખૂંપાવી દઈ તેની મદદથી સરકવાની ગતિમાં મદદ મળે છે. હૃદયની ધડકનને થિજાવી દેતી હેરતભરી રમતો આ સાધનોની મદદથી રમી શકાય છે.

સ્કીઇંગની તાલીમ માટે ગઢવાલ મંડળ નિગમ સાત અને પંદર દિવસના – એમ બે પ્રકારની પ્રશિક્ષણ-શિબિરોનું આયોજન કરે છે, જેમાં ભાગ લેવા દેશ-વિદેશથી પણ અનેક જૂથો આવતાં હોય છે.

ઔલી-જોષીમઠ રોપ-વે અત્યંત આકર્ષક અને શ્રેષ્ઠ તકનીકથી બનેલો છે. તે ઊંચાઈમાં એશિયાનો બીજા ક્રમાંકે આવતો રોપ-વે છે. એક છેડાથી બીજા છેડે જતાં રસ્તામાં દસ ટાવર આવે છે. 4.15 કિમી. લાંબો આ રોપ-વે 1906.3 મી.થી શરૂ થઈને પ્રવાસીઓને 3016.3 મી.ની ઊંચાઈએ પહોંચાડે છે. રોપ-વેની કેબલકારની મુસાફરીની શરૂઆતથી અંત સુધીનો આ પ્રવાસ કુલ પંદર મિનિટનો છે. કેબલકાર ઉપરાંત લાંબી સ્કીલિફ્ટ અને ચેરલિફ્ટની સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ છે. 25 વ્યક્તિઓને સમાવી શકે તેવી સંપૂર્ણ પારદર્શક કાર હોય છે, જેમાં ઊભા રહીને મુસાફરીનો આનંદ લેવાનો હોય છે. કેબલકારના આ પ્રવાસ દરમિયાન નંદાદેવી, માણા પર્વત, દ્રોણગિરિ, હાથી પર્વત, ગૌરી પર્વત જેવાં બરફાચ્છાદિત શિખરો પર્યટકોનું પ્રકૃતિના પૂર્ણ વૈભવ અને સૌંદર્યથી સ્વાગત કરે છે. જોષીમઠથી ઔલી સુધી હળવાં વાહનોને પસાર થવાનો માર્ગ – ‘વન ટન રોડ’ – આખો બરફથી ઢંકાયેલો હોય છે. અહીં વસતા લોકો નવેમ્બરથી લગભગ એપ્રિલના છ માસ સુધી વસવાટ માટે નીચે જોષીમઠ ચાલ્યા જાય છે. ફેબ્રુઆરીમાં અહીંનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે, જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ તાપમાન આથી પણ નીચું જતું હોય છે. આટલા નીચા તાપમાનમાં પર્યટકો માટે ગરમ કપડાં, રેનકોટ, ડાર્ક ગ્લાસ અને ગમબૂટ જેવાં સાધનો અનિવાર્ય થઈ પડે છે. આ બધાં સાધનો ત્યાં મળે છે.

હિમાલયના આ બરફના પહાડો પર પડોશના દેશોની આક્રમક નજર હોવાથી સુરક્ષાની ર્દષ્ટિએ પણ આ ક્ષેત્ર મહત્વનું બન્યું હોઈ આ વિસ્તાર લશ્કરના નિરીક્ષણ હેઠળ રહે છે. રમતવીરો અને પ્રકૃતિપ્રેમીઓ માટે ઔલી અપ્રતિમ ક્રીડાસ્થળ છે. ચારે તરફ હરિયાળી, ઊંચા ઊંચા ધવલગિરિ અને ઓકના ગગનચુંબી વૃક્ષો અને તેના પર ઝિલમિલ થતો બરફ ચિત્તાકર્ષક અને નયનરમ્ય શ્ય ઊભું કરે છે અને સૃષ્ટિના અદભુત સંયોજનને પ્રગટ કરે છે.

રક્ષા મ. વ્યાસ