ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા તેમાંના ઔષધીય સક્રિયતા ધરાવતા રાસાયણિક ઘટકોની પરખ, તેમનું પૃથક્કરણ તથા પ્રમાણ, તેમનું જીવનસંશ્લેષણ (biosynthesis) તથા આ પદાર્થો આપનાર સ્રોતોનું પરિરક્ષણ (preservation) વગેરે બાબતો આ વિષયમાં આવરી લેવાય છે. ‘ફાર્માકૉગ્નૉસી’ શબ્દનો અર્થ (લૅટિન pharmaca = ઔષધ, gignosco = જ્ઞાન મેળવવું) ‘ઔષધનું જ્ઞાન’ અથવા ‘ઔષધ-અભિજ્ઞાન’ થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1815માં આઇડ્લર નામના જર્મન વૈજ્ઞાનિકે તેના પુસ્તક ‘Analecta pharmacognostica’માં કર્યો છે.

માનવ-સંસ્કૃતિની સાથે સાથે વિજ્ઞાનની આ શાખા વિકાસ પામી છે. મનુષ્યને હવા, પાણી, ખોરાક તથા રહેઠાણની જરૂર પડી તેમ ઔષધોની જરૂર પડવા લાગી. ખોરાકની જેમ ઔષધો પણ મનુષ્યના નૈસર્ગિક પર્યાવરણમાંથી મળ્યાં છે. કેટલાંક ઔષધો ચારથી પાંચ હજાર વર્ષ પછી પણ વપરાશમાં છે; દા. ત., ઇફેડ્રા ચીનમાં તથા સર્પગંધા ભારતમાં પ્રાચીન કાળથી વપરાતાં આવ્યાં છે. ઇફેડ્રામાંથી અલગ પાડેલ સક્રિય ઘટક ઇફેડ્રીન અને સર્પગંધામાંથી અલગ પાડેલ સક્રિય ઘટક રિસર્પીન દુનિયાના બધા જ ઔષધસંગ્રહ(pharmaco-poeia)માં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. વનસ્પતિજ ઔષધો અને વિષો અંગે ઘણી કીમતી માહિતી આદિવાસીઓ પાસેથી મળી છે; દા.ત., ર્દષ્ટિભ્રમ (hallucination) ઉત્પન્ન કરતા મેસ્કેલાઇન.

ઔષધ-અભિજ્ઞાનના વિષયમાં વિટામિન, પ્રતિજીવી દ્રવ્યો (antibiotics) અને જૈવપદાર્થો(biologicals; દા.ત., સિરમ, વૅક્સિન)નો પણ સમાવેશ કરી શકાય. વળી ઔષધો અને તેમના યોગોના નિર્માણમાં વપરાતા સ્ટાર્ચ, મીણ, જિલેટીન, અગર, ગુંદર, સુવાસ, ગળપણ અને રંગ આપનાર પદાર્થો, ઔષધોના નિષ્કર્ષોને ગાળવા વપરાતા કેઓલિન, કીસલગુહર અને ઍસ્બૅસ્ટૉસ તથા ઔષધોના વાહક તરીકે વપરાતા પદાર્થોનો અભ્યાસ પણ આ શાખામાં સમાવિષ્ટ કરવામાં આવે છે.

જૈવ ઔષધોના મુખ્ય ત્રણ પ્રકારો છે :

(i) વનસ્પતિ કે પ્રાણીનું આખું અંગ : દા.ત., ધતૂરો, કરિયાતું, ઇફેડ્રા વગેરે આખા છોડ તરીકે વપરાય છે. કૅન્થૅરિડીઝ (ખડમાંકડી કે માંકડીકૂકડી) આખા પ્રાણી (કીટક) તરીકે વપરાય છે.

(ii) વનસ્પતિ કે પ્રાણીનું અમુક ચોક્કસ અંગ : પાંદડાં, મૂળ, મૂળની છાલ, થડની છાલ, ફૂલ, ફળ વગેરે અલગ અંગ તરીકે વપરાય છે; દા.ત., મીંઢીઆવળ તેનાં વૃક્ષોનાં પાંદડાં છે; થાઇરૉઇડ ગ્રંથિ પ્રાણીનો એક ભાગ છે.

(iii) વનસ્પતિ કે પ્રાણીમાંથી સાદી ભૌતિક ક્રિયા મારફત બનાવેલ ઔષધિ; દા.ત., એળિયો કુંવારપાઠાના રસને સૂકવીને તૈયાર કરાય છે, અફીણના વૃક્ષ ઉપરના ડોડામાંથી નીકળતા રસ(latex)ને સૂકવીને અફીણ તૈયાર કરાય છે, બાવળના વૃક્ષમાંથી સ્રવતો રસ સુકાઈને ગુંદર બને છે.

ઔષધ-અભિજ્ઞાનમાં ઔષધિનો જૈવ સ્રોત (biological source), તેનું કુટુંબ, ભૌગોલિક સ્રોત, ઇતિહાસ, વાવેતર, સંચયન (collection), આકારકીય (morphological), સંવેદક (sensory) અને સૂક્ષ્મદર્શી લક્ષણો, રાસાયણિક ઘટકો (પરખ અને આમાપન સહિત), ઔષધીય ગુણો – ઉપયોગો અને ઔષધોમાં થતી ભેળસેળ-(adulteration)નો પદ્ધતિસર અભ્યાસ થાય છે. વનસ્પતિના અંગનો ભૂકો કરેલો હોય તોપણ તેની પરખ કરી શકાય તેવી કસોટીઓ વિકસાવવામાં આવેલી છે.

આ અભ્યાસ માટે ઔષધિઓનું વિવિધ રીતે વર્ગીકરણ કરવામાં આવેલ છે. દરેક પદ્ધતિના લાભાલાભ છે અને કોઈ પદ્ધતિ સંપૂર્ણ નથી.

(i) આકારલક્ષી વર્ગીકરણ : ઔષધિનું બાહ્ય લક્ષણો પ્રમાણે વર્ગીકરણ થાય છે; દા.ત., મીંઢીઆવળ, અરડૂસી, ડિજિટાલિસ વગેરેને પર્ણ-ઔષધિઓ તરીકે એક વર્ગમાં મૂકવામાં આવે છે.

(ii) જૈવિક (પ્રાકૃતિક કુળ) વર્ગીકરણ : જેમ વનસ્પતિ કે પ્રાણીનું વર્ગીકરણ કરાય છે તે અનુસાર તેમાંથી મળતી ઔષધિઓનું પણ વર્ગીકરણ કરવામાં આવે છે; દા.ત., સિંકોનાના આલ્કેલૉઇડ, અફીણના આલ્કેલૉઇડ વગેરે.

(iii) રાસાયણિક વર્ગીકરણ : ઔષધિના ગુણોનો આધાર તેમાં રહેલ સક્રિય રાસાયણિક ઘટકો ઉપર છે. તેથી આ ઘટકોના આધારે વર્ગીકરણ થાય છે; દા.ત., આલ્કેલૉઇડમય ઔષધિના વર્ગમાં સિંકોના છાલ, અફીણ, સર્પગંધા આવે. મીંઢીઆવળ, એળિયો, કેસ્કેરાની છાલ વગેરે એન્થ્રાક્વિનૉન ગ્લાયકોસાઇડમાં આવે. આ વર્ગીકરણ અગત્યનું ગણાય છે.

(iv) જીવરાસાયણિક વર્ગીકરણ : પ્રાકૃતિક કુલો અને રાસાયણિક ઘટકો વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખીને જીવજનીન (biogenetic) ઘટકોના સંદર્ભમાં આ વર્ગીકરણ કરાય છે.

(v) ઔષધક્રિયાકીય (pharmacological) વર્ગીકરણ : ઔષધિની ખાસ વિશિષ્ટતા તેનો ઔષધીય ગુણ છે. તેથી ઔષધક્રિયા અનુસાર ઔષધિઓનું વર્ગીકરણ કરાય છે; દા.ત., મીંઢીઆવળ, એળિયો વગેરેને રેચક (purgative) વર્ગમાં મુકાય. ડિજિટાલિસ, સ્ટ્રોફેન્થસ વગેરેને હૃદયબલ્ય (cardiotonic) વર્ગમાં મુકાય. જેના રાસાયણિક ઘટકો અલગ પાડીને પારખી શકાયા નથી તેવી કેટલીક ઔષધિઓનો સમાવેશ આ વર્ગમાં કરી શકાય. નવાં ઔષધોની શોધમાં આ વર્ગીકરણ ઉપયોગી છે.

ઔષધીય છોડવાના જીવંત કોષોનું સંવર્ધન-માધ્યમ(culture medium)માં સંવર્ધન કરી શકાય છે. આવા કોષો કયા પદાર્થોનું કેટલા પ્રમાણમાં જૈવિક સંશ્લેષણ કરે છે તે અંગેનો અભ્યાસ કેટલાંક વર્ષોથી શરૂ થયો છે. કેટલાંક દ્રવ્યો આ રીતે સંવર્ધન દ્વારા મેળવાયાં પણ છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં રૂપાંતર પણ કેટલાક પ્રકારના કોષો કરી શકે છે. ડિજિટૉક્સિનમાંથી જિડૉક્સિન આવી રીતે મેળવી શકાયું છે. આ પ્રકારના સંશોધનનું વ્યાપારી મહત્વ સમજાયું છે અને તે બાયૉટેકનૉલૉજી તરીકે ઓળખાય છે.

વનસ્પતિનાં વિવિધ અંગોમાંથી જે સૌથી વધુ ઉપયોગી હોય તેને યોગ્ય સમયે મેળવી, સૂકવી તેનું ચૂર્ણ બનાવી વાપરી શકાય છે. મોટે-ભાગે ચૂર્ણમાંથી આલ્કોહૉલ, જલીય આલ્કોહૉલ કે શુદ્ધ પાણી વડે તેમાંના સક્રિય ઘટકને દ્રાવણરૂપે (નિષ્કર્ષ-extract) અલગ કરીને, જરૂર પડ્યે તેને સાંદ્રિત કરીને ઔષધ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આલ્કોહૉલયુક્ત નિષ્કર્ષ ટિંક્ચર તરીકે ઓળખાય છે. એક સમયે આવાં નિષ્કર્ષણ બહોળા પ્રમાણમાં વપરાતાં. રસાયણશાસ્ત્રનો વિકાસ થતાં આ ઔષધ-નિષ્કર્ષમાં રહેલ સક્રિય ઘટકોને શુદ્ધ રૂપમાં અલગ પાડવામાં આવ્યાં અને નિષ્કર્ષને બદલે સૌથી વધુ સક્રિય ઘટક ઉપયોગમાં આવવા માંડ્યાં. એટ્રોપીન અને સ્કોપોલએમાઇન (ધતૂરામાંથી), ડિજૉક્સિન (ડિજિટાલિસમાંથી), અરગટએમાઇન (અરગટમાંથી), રિસર્પીન (સર્પગંધામાંથી), ક્વિનીન અને ક્વિનિડીન (સિંકોનામાંથી) તથા વિનબ્લાસ્ટિન અને વિનક્રિસ્ટીન (બારમાસીમાંથી) જેવા શુદ્ધ ઘટકો જ હાલ વપરાશમાં છે. આવા કેટલાય ઘટકોનું રાસાયણિક બંધારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેમાંના કેટલાક સંશ્લેષિત રીતે બનાવાયા છે. સંશ્લેષિત ઔષધ કિંમતમાં સસ્તું પડતું હોય તેવા કિસ્સામાં સંશ્લેષિત ઔષધ જ વપરાશમાં લેવામાં આવે છે; દા.ત., એક સમયે આથવણથી મેળવાતું ક્લૉરએમ્ફ્રેનેકૉલ હાલમાં મોટા પ્રમાણમાં સંશ્લેષિત રીતે જ મેળવવામાં આવે છે. રાસાયણિક બંધારણ અને ઔષધક્રિયા વચ્ચેના સંબંધના અભ્યાસની મદદથી નવાં સંશ્લેષિત ઔષધો બનાવાયાં છે, જેની અનિષ્ટ આડઅસરો નહિવત્ હોય છે, જ્યારે ઔષધ તરીકેની સક્રિયતા સારી હોય છે; દા.ત., કોકેનના બદલે વપરાતાં પ્રોકેન અને ઝાયલોકેન તથા ક્વિનીનના બદલે વપરાતા ક્લોરોક્વિન અને કૅમોક્વિન આ પ્રકારનાં સંશ્લેષિત ઔષધો છે. હજુ પણ કેટલીક ઔષધિઓ છે જે અપરિષ્કૃત (crude) સ્વરૂપે કે નિષ્કર્ષ રૂપે વપરાય છે, કારણ કે તેમાંનાં રાસાયણિક ઘટકો અંગેનું આપણું જ્ઞાન ઘણું પ્રાથમિક તબક્કામાં જ છે. સિલિબમ, ભાંગરો, ભોંય-આમળાં, પુનર્નવા, હળદર, મેથી વગેરેના જીવ-આમાપન તથા તેમાંના સક્રિય ઘટકોને અલગ પાડવાનું કામ ઘણું અગત્યનું છે.

ગોરધનભાઈ છનાભાઈ ભાવસાર