ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1965માં મંસા સ્થિત નહેરુ મેમોરિયલ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને 2000 સુધી સેવાઓ આપી.

1972–73માં તેમણે લેખનકાર્યનો આરંભ કર્યો. તેમનો પ્રથમ એકાંકીસંગ્રહ ‘અરબદ નરબદ ધુંદુકારા’ 1978માં પ્રગટ થયો. તેમની મહત્વપૂર્ણ કૃતિઓમાં ‘બાગાને બહાર દી છાન’ (1980), ‘અન્નેહ નિશાનચી’ (1983) અને ‘સાત બાગાને’, ‘ગાની’ (1990) તેમના એકાંકીસંગ્રહો છે. ‘ભજ્જીયાઁ બહો’ (1988), ‘બાગાને’ (1987), ‘સલ્વાન’ (1994), ‘ઇક્ક સી દ્રિયા’ (1994), ‘જહાન દી પાની’ (1997) તેમના ઉલ્લેખનીય નાટ્યસંગ્રહો છે.

તેમને આંતરરાષ્ટ્રીય પંજાબી લેખક સંઘ, કૅનેડા દ્વારા શિરોમણિ સાહિત્યકાર સન્માન; આલમી પંજાબી કૉન્ફરન્સ, લાહોર દ્વારા પંજાબી નાટક સન્માન; પંજાબ સરકારના ભાષાવિભાગ દ્વારા શિરોમણિ પંજાબી નાટકકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અજમેરસિંહ ઔલખ

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ સર્જનાત્મક નાટકસંગ્રહ છે. તેમનાં નાટકોમાં કઠોર વાસ્તવિકતા તથા સ્વકીય અનુભવની સબળ ભૂમિકા જોવા મળે છે. સૂક્ષ્મ નિરીક્ષણના આધારે અનુસૂચિત જાતિ અને કૃષિમજૂરોની દર્દભરી હાલતનું તથા જ્ઞાતિપ્રથાનું વાસ્તવિક રૂપ તેમનાં નાટકોમાં ઉજાગર થતું હોવાથી પંજાબી નાટ્યસાહિત્યમાં તે નોંધપાત્ર ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા