ઓર્કની : સ્કૉટલૅન્ડથી ઉત્તરે તેના ઈશાન કાંઠા નજીક 32 કિમી. દૂર પેન્ટલૅન્ડ ફર્થ તરીકે ઓળખાતી સામુદ્રધુનીમાં આવેલા 70 ઉપરાંત ટાપુઓનો સમૂહ. ભૌ. સ્થાન 590 ઉ. અ. અને 30 પ. રે. આ ટાપુઓ સમુદ્રસપાટીથી ઓછી ઊંચાઈવાળા તેમજ વૃક્ષવિહીન છે. અખાતી પ્રવાહ અહીંથી પસાર થતો હોવાથી આબોહવા સૌમ્ય રહે છે. તે પૈકી 20 ટાપુઓ પર જ માનવ-વસવાટ છે. વિસ્તાર 992 ચોકિમી. વસ્તી : 9,550 (1998).
સૌથી મોટા પોમોના ટાપુમાં વેસ્ટ મેઇનલૅન્ડમાં આવેલું સ્કારા બ્રી નામનું ભૂતલીય ગામ યુરોપના નૂતન પાષાણયુગનો નમૂનો ગણાય છે. આઠમી સદીના અંત ભાગમાં નોર્સ હુમલાખોરો આ ટાપુઓ પર આવ્યા બાદ નૉર્વે અને ડેન્માર્કે તેમના પર શાસન કર્યું. 1472માં જેમ્સ ત્રીજાની રાણી ડેન્માર્કની માર્ગરેટના દહેજની ચુકવણીના બદલામાં આ ટાપુઓ સ્કૉટલૅન્ડના શાસન હેઠળ આવેલા. ખેતી અને પશુપાલન આ ટાપુઓના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ઍડવિન મૂર અને જ્હૉન રી અહીંના વતની હતા.
હેમન્તકુમાર શાહ