ઓરોબેન્કેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae). શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae). ગોત્ર – પર્સોનેલ્સ. કુળ – ઓરોબેન્કેસી. આ કુળમાં 13 પ્રજાતિઓ અને લગભગ 140 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં આ કુળ થાય છે, છતાં મૂળભૂત રીતે જૂની દુનિયાના ગરમ સમશીતોષ્ણ ભાગોમાંથી તેનું વિસ્તરણ થયેલું છે. Orobanche (લગભગ 90 જાતિઓ) સૌથી મોટી પ્રજાતિ છે. અજરો (Aeginetia indica L.), Cistanche kubulosa Wight, વાકુમ (Orobanche cernua Loef.) અને આગિયો (O. aegyptiaca Pers.) ભારતમાં થતી જાણીતી વનસ્પતિઓ છે.

આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, કેટલેક અંશે માંસલ અને શાકીય હોય છે. તેઓ મૂળપરોપજીવી છે અને ઘણુંખરું ક્લોરોફિલરહિત હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક અને શલ્કી હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય એકાકી હોય છે. પુષ્પ અનિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. તેના પુષ્પદંડમાંથી બે નિપત્રિકાઓ (bracteolos) ઉદભવે છે.

આકૃતિ 1 : ઓરોબેન્કેસી. Epifagus Virginiana : (અ) પુષ્પ સહિતનો
છોડ, (આ) પુષ્પીય શાખાનો અગ્ર ભાગ, (ઇ) પુષ્પ, (ઈ) પુષ્પનો ઊભો
છેદ, (ઉ) બીજાશયનો આડો છેદ (ઊ) ફળ

Epifagusમાં ઉપરનાં પુષ્પો સામાન્યત: વંધ્ય અને નીચેનાં પુષ્પો સંપૂર્ણ (complete) અને સંવૃત (cleistogamous) હોય છે. વજ્ર 2થી 5 વજ્રપત્રોનું બનેલું હોય છે. પુષ્પદલવિન્યાસ (aestivation) ખુલ્લો કે ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો હોય છે. તે દ્વિઓષ્ઠીય (bilabiate) અને કોરછાદી (imbricate) હોય છે. ઉપરનો ઓષ્ઠ બે દલપત્રોનો અને નીચેનો ઓષ્ઠ ત્રણ દલપત્રોનો બનેલો હોય છે. પુંકેસરચક્ર 4 પુંકેસરોનું બનેલું હોય છે. તેઓ દલલગ્ન (epipetalous) દલપત્રો સાથે એકાંતરિક અને દ્વિદીર્ઘક (didynamous) હોય છે. પાંચમા પુંકેસરનો અભાવ હોય છે; અથવા જો તે હોય તો નાના વંધ્ય પુંકેસરમાં પરિણમે છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. કેટલીક વાર પરાગાશયો યુગ્મમાં સંબદ્ધ (coherent) હોય છે અને અડધું પરાગાશય અવિકસિત અને વંધ્ય રહે છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી અને ઊર્ધ્વસ્થ હોય છે. બીજાશય એકકોટરીય ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. અંડકો અસંખ્ય અને અધોમુખી (anatropous) હોય છે. પરાગવાહિની એક અને સાદી હોય છે. પરાગાસન સામાન્યત: 2-4 ખંડી હોય છે. ફળ વિવરીય (loculicidal) પ્રાવર (capsule) પ્રકારનું અને દીર્ઘસ્થાયી (persistent) વજ્ર દ્વારા આવરિત હોય છે. બીજ નાનાં, ખાડાવાળાં કે ખરબચડાં હોય છે. ભ્રૂણ અવિભેદિત (undiffentiated) હોય છે. ભ્રૂણપોષ પોચો – માંસલ અને તૈલી હોય છે.

આ કુળના સભ્યો લીલા રંગની ગેરહાજરી દ્વારા ઓળખી શકાય છે. તેમનાં પ્રકાંડ લાલ-બદામી કે કથ્થાઈ-જાંબલી ઝાંય ધરાવે છે. અથવા કેટલીક વાર સફેદ હોય છે. તેઓ મૂળ-પરોપજીવી હોય છે. બીજાશય ચર્મવર્તી જરાયુવિન્યાસ ધરાવે અને પુંકેસરો દ્વિદીર્ઘક હોય છે.

કેટલાક વૈજ્ઞાનિકો આ કુળનો ઉદવિકાસ ગેસ્નેરિયેસીમાંથી થયો હોવાનું અને અન્ય વૈજ્ઞાનિકો સ્ક્રોફ્યુલારિયેસીમાંથી થયો હોવાનું માને છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ