ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS)

January, 2004

ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS) : પશ્ચિમ ગોળાર્ધના દેશોએ સામૂહિક આત્મરક્ષણ, પ્રાદેશિક સહકાર અને પરસ્પરના વિવાદોનું શાંતિપૂર્ણ પદ્ધતિ દ્વારા નિરાકરણ લાવવાના હેતુથી રચેલું સંગઠન. 14 એપ્રિલ 1890ના રોજ અમેરિકા ખંડના દેશોના પ્રતિનિધિઓ વૉશિંગ્ટન ખાતે ફર્સ્ટ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ અમેરિકન સ્ટેટ્સના નિમિત્તે એકત્ર થયા ત્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં હતાં. આ સંસ્થાના સભ્યોએ ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ અમેરિકન રિપબ્લિક્સ અને કૉમર્શિયલ બ્યુરો ઑવ્ અમેરિકન રિપબ્લિક્સની સ્થાપના કરી. આ સંગઠનો થોડાં વર્ષો બાદ પાન અમેરિકન યુનિયનમાં રૂપાંતર પામ્યાં. પશ્ચિમ ગોળાર્ધના દેશો વચ્ચે પરસ્પરની સમજદારી અને સહકાર વધારવાનો તેનો ધ્યેય હતો. 30 એપ્રિલ 1948ના રોજ ઉપર્યુક્ત સંગઠનોએ નવમી ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ અમેરિકન સ્ટેટ્સ કોલંબિયાના પાટનગર બોગોટો ખાતે યોજી હતી, જેમાં ચાર્ટર ઑવ્ ધી ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ(OAS)ને માન્ય રાખવામાં આવ્યો અને એ રીતે આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું. આ પ્રાદેશિક સંગઠનનું મુખ્ય કાર્યાલય વૉશિંગ્ટન ખાતે રાખવાનો નિર્ણય લેવાયો.

સંગઠનમાં પ્રત્યેક સભ્ય રાજ્ય સમાનતાના ધોરણે પ્રવેશે છે, પ્રત્યેક રાજ્યને એક મત મળે છે. નિષેધાધિકારની સત્તા(Veto Power)ની જોગવાઈ રાખવામાં આવી નથી. 2000માં તેમાં 36 રાજ્યો સભ્યપદ ધરાવે છે. 1962માં ક્યુબાને સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંગઠન 51 કાયમી નિરીક્ષક (permanent observers) સભ્યો ધરાવે છે; જેમાં અલ્જિરિયા, આઝરબૈજાન, બલ્ગેરિયા, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાંસ, જર્મની, ઘાના, ભારત, પાકિસ્તાન, પૉર્ટુગલ, રુમાનિયા, થાઇલૅન્ડ, બ્રિટન જેવા યુરોપ, એશિયા અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.

વધુમાં આ સંગઠન સમગ્ર ખંડમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોના ઉદભવ બાદ ઉત્તરોત્તર લોકશાહીના સંવર્ધન સાથે નિસબત ધરાવતું રહ્યું છે. ચિલીના સાન્ટિયાગો ખાતેની 21મી બેઠકમાં તેની સામાન્ય સભાએ ‘કમિટમેન્ટ ટુ ડેમોક્રસી’નો સ્વીકાર કર્યો હતો. સાથે રિન્યૂઅલ ઑવ્ ધી ઇન્ટર-અમેરિકન સિસ્ટમ અને પ્રોટોકૉલ ઑવ્ વૉશિંગ્ટનનો સ્વીકાર (1992) કરી, સંસ્થાના ખતપત્રમાં સુધારો કરવામાં આવ્યો. તે અનુસાર સભ્ય રાજ્યોમાં લોકશાહી ઢબે રચાયેલી સરકારને બળવા દ્વારા ઉખેડી નાંખવામાં આવે તો તેવા સભ્ય દેશોના સંગઠનની બેઠકોમાં ભાગ લેવાનો અધિકાર કમી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રોટોકૉલ ઑવ્ વૉશિંગ્ટન હેઠળ ગરીબી-નાબૂદીના કાર્યક્રમો હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો. એથી ગરીબી નાબૂદ કરવામાં તો મદદ મળે, પરંતુ એથી લોકશાહી આડેના આ મુખ્ય અવરોધને પણ દૂર કરી શકાય એવી ગણતરી હતી. આ દિશામાં સઘન પ્રયાસના ભાગ રૂપે ‘પ્રોટોકૉલ ઑવ્ માનાગુઆ’ (Managua) મંજૂર કરવામાં આવ્યો. આ નવા સુધારા દ્વારા સભ્ય રાજ્યો વચ્ચે તકનીકી સહકાર સાધવા અંગેનાં પગલાં હાથ ધરવાની યોજના રચવામાં આવી. તેની 24મી બેઠકમાં શાંતિ, લોકશાહી, સામાજિક ન્યાય અને વિકાસની દિશામાં રાજકીય સર્વસંમતિની ઉદઘોષણા કરવામાં આવી. આ કાર્યો હાથ ધરવા સભ્ય સરકારો માટે ખર્ચનો ‘ક્વોટા’ ફાળવવામાં આવ્યો છે.

સંગઠન : આ સંસ્થાના ખતપત્ર અનુસાર તેના મુખ્ય ઘટકો નીચે પ્રમાણે છે :

(1) સામાન્ય સભા : તેની સામાન્ય સભા વાર્ષિક ધોરણે મળે છે.

(2) વિદેશ મંત્રીઓની બેઠક : તાકીદના પ્રશ્નો અને સર્વસામાન્ય હિતોની બાબતો વિચારણા માટે હાથ ધરે છે.

(3) કાઉન્સિલ : આ કાઉન્સિલ સ્થાયી સ્વરૂપ ધરાવે છે. સંગઠનના મુખ્ય મથક વૉશિંગ્ટન ખાતે તેની બેઠકો યોજાય છે અને તે સામાન્ય સભાએ લીધેલા નિર્ણયોને અમલમાં મૂકે છે. સભ્ય દેશોને ઝઘડાની પતાવટમાં મદદરૂપ બને છે. સામાન્ય સભાના કામકાજની પૂર્વતૈયારી રૂપે તે કેટલાંક કાર્યો હાથ ધરે છે. સંગઠનની કાર્યવાહી અંગેની ભલામણો પણ તે સામાન્ય સભાને કરે છે. અન્ય ઘટકોએ સામાન્ય સભા સમક્ષ જે અહેવાલો રજૂ કર્યા હોય તેના પર પણ વિચારણા કરે છે. આ પૂર્વે ઇન્ટર-અમેરિકન સોશિયલ કાઉન્સિલ અને ઇન્ટર-અમેરિકન કાઉન્સિલ ફૉર એજ્યુકેશન, સાયન્સ ઍન્ડ કલ્ચરના બે ઘટકો હતા. તેનું જોડાણ કરીને ઇન્ટર-અમેરિકન કાઉન્સિલ ફૉર ઇન્ટિગ્રલ ડેવલપમેન્ટ (CIDI) નામનું નવું ઘટક રચવામાં આવ્યું છે. આ ઘટક ટેકનિકલ સહકારના કાર્યક્રમોનું માર્ગદર્શન અને નિયમન કરે છે.

(4) ધી ઇન્ટર-અમેરિકન જ્યુરિડિક્લ કમિટી : આ સમિતિ સલાહકાર સમિતિના રૂપમાં કાર્ય કરે છે. સંગઠનના કાનૂની અને ન્યાયની બાબતોના તથા આંતરરાષ્ટ્રીય કાનૂનના વિકાસ માટે તે કાર્યરત હોય છે. આ માટે સામાન્ય સભા 11 ન્યાયમૂર્તિઓને 4 વર્ષ માટે ચૂંટે છે. તેમાં વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે.

(5) ધી ઇન્ટર-અમેરિકન કમિશન ઑન હ્યૂમન રાઇટ્સ : માનવ-અધિકારોના રક્ષણ અને જાળવણી માટે આ ઘટક કાર્ય કરે છે. સામાન્ય સભા વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વનો વિચાર કરીને સાત સભ્યોને 4 વર્ષ પૂરતા આ કાર્ય માટે ચૂંટે છે.

(6) સામાન્ય સચિવાલય : સંગઠનનું આ કેન્દ્રીય અને કાયમી ઘટક છે અને સંગઠનના રોજબરોજનાં વહીવટી કાર્યો સાથે સંકળાયેલું છે.

(7) વિશિષ્ટ પરિષદો : આ ઘટકો વિશિષ્ટ તકનીકી બાબતો અંગે તથા આંતર અમેરિકી સહકારનાં ખાસ પાસાંઓનો વિકાસ કરવા અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

(8) વિશિષ્ટ ઘટકો : બહુપક્ષી કરારોનો અમલ યોગ્ય રીતે કરી શકાય તથા ખાસ અનામત ક્ષેત્રોમાં નિર્ધારિત કાર્યો કરી શકાય તે માટે આ શાખા કાર્ય કરે છે. મહિલા વિકાસ, કૃષિ, બાળકલ્યાણ, તંદુરસ્તી જેવાં ક્ષેત્રો સાથે તે વિશેષ રીતે સંકળાયેલ ઘટક છે.

આ સંસ્થાની સામાન્ય સભા પોતાના મહામંત્રીને પાંચ વર્ષ માટે ચૂંટે છે. વાર્ષિક અંદાજપત્ર સામાન્ય સભા મંજૂર કરે છે. સંસ્થાનું 1996નું બજેટ આશરે 1,000 લાખ ડૉલરનું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રક્ષા મ. વ્યાસ