ઓરિસા (ઓડિશા)

ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી : 4,19,74,218  (2011). સમગ્ર રાજ્યમાં ૩0 જિલ્લા છે.

કુદરતી વિભાગો : તેના ચાર કુદરતી વિભાગો છે  (1) ઉત્તરનો બિહારના છોટાનાગપુર પ્રદેશનો દક્ષિણ પર્વતીય છેડો, (2) પૂર્વઘાટનો પર્વતીય વિસ્તાર, (૩) મધ્ય અને પશ્ચિમનો ઉચ્ચપ્રદેશ અને (4) કિનારાનું મેદાન.

(1) ઉત્તરનો પહાડી પ્રદેશ ધારવાડ ખડકો અને ખનિજસંપત્તિથી ભરપૂર, વિંધ્ય અને છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશ સાથે જોડાયેલો છે. તેની સરાસરી ઊંચાઈ 9૩0 મી. છે. આ ઉચ્ચ પ્રદેશનો પૂર્વ ભાગ જંગલોથી છવાયેલો છે અને ઘસારાની ક્રિયાને કારણે ક્યાંક સપાટ બન્યો છે. તેનો મધ્ય ભાગ વનથી આચ્છાદિત છે. આ વિભાગમાં કેઓન્જાર, સુંદરગઢ, સંબલપુર, કાલાહાંડી, ધેનકનાલ અને બોલાંગીર જિલ્લાનો સમાવેશ થાય છે. ધારવાડ પ્રકારના ખડકોમાંથી લોખંડ, મગેનીઝ, ક્રોમાઇટ, ડોલોમાઇટ વગેરે મળે છે.

ઓરિસા

(2) પૂર્વઘાટ : પૂર્વઘાટનો પ્રદેશ સમુદ્રકિનારાથી 100 કિમી. કે તેથી વધુ દૂર છે. પૂર્વકિનારે આવેલા ગંજામ, કટક, પુરી અને બાલાસોર જિલ્લા ઉપરાંત કોરાપુટ, ધેનકનાલ વગેરે જિલ્લામાં તે ફેલાયેલો છે. આ પ્રદેશનો ઢોળાવ ધીમે ધીમે ઓછો થતાં પશ્ચિમ ભાગના ઉચ્ચ પ્રદેશમાં વિલીન થાય છે. બે પર્વતમાળા ફુલબની પાસે મળે છે. મહા, વૈતરણી, બ્રાહ્મણી વગેરે નદીઓ મધ્યપ્રદેશમાંથી નીકળી પૂર્વઘાટની ડુંગરમાળાને વીંધીને નીકળે છે. ઈશાન ખૂણે 1,100થી 1,200 મી. ઊંચા પર્વતો આવેલા છે. આ પર્વતીય વિસ્તારનું ઉપરનું લેટરાઇટ પડ ધોવાઈને ખેતીની જમીન બની છે. પૂર્વઘાટ પૈકી દેવમાલી, તુરિયાકોંડા અને મહેન્દ્રગિરિ અનુક્રમે 1,600, 1,598 અને 1,500 મી. ઊંચા છે.

() મધ્ય અને પશ્ચિમનો ઉચ્ચપ્રદેશ : આ પ્રદેશમાં બોલાંગીર, સંબલપુર, ધેનકનાલમાંની નદીઓના ઘસારાને કારણે મેદાનો બન્યાં છે. મહા અને તેલ નદીનો સ્રાવક્ષેત્ર પણ આ પ્રદેશનો ભાગ છે. મહા, વૈતરણી અને બ્રાહ્મણીની ખીણો ફળદ્રૂપ છે. મયૂરભંજ જિલ્લામાં મેઘાસન, કેઓન્જાર જિલ્લામાં ગંધમર્દન તથા સીકરમ પર્વતો કાલાહાંડી અને કોરાપુટ જિલ્લા વચ્ચે આવેલા છે. તેમની અનુક્રમે ઊંચાઈ 1,165 અને 1,127 મી. છે. આ સિવાય ધેનકનાલ, સુંદરગઢ, સંબલપુર અને ગંજામ જિલ્લામાં કેટલાક પર્વતો છે. તેનાં શિખરો ઉપર પવિત્ર તીર્થધામો આવેલાં છે. તે કુદરતી સૌંદર્ય માટે જાણીતાં છે.

(4) પૂર્વકિનારાના મેદાનમાં બાલાસોર, કટક, પુરી અને ગંજામ જિલ્લા આવેલા છે. અહીં પસાર થતી મહાનદી 85૩ કિમી. લાંબી છે અને તેનું સ્રાવક્ષેત્ર 1,૩2,600 ચોકિમી. છે. તેનું પૂર ખૂબ વિનાશકારી બની રહેતું. તેના ઉપર બંધ થતાં પૂરનો ભય ઓછો થયો છે. મહા વગેરે નદીઓના કાંપથી બનેલો આ મુખત્રિકોણપ્રદેશ ખૂબ જ ફળદ્રૂપ છે અને અન્નનો ભંડાર છે. મહાનદી ઉપર બંધાયેલ હીરાકુડ બંધ નદીના તળિયાથી 61 મી. ઊંચો અને 4,800 મી. લાંબો છે.

નદીઓ અને સરોવરો : મહા નદી ઉપરાંત બ્રાહ્મણી, ઋષિતુલ્યા, વંશધારા, વૈતરણી, બુધબલગંગા, તેલ, ઇન્દ્રાવતી, સુવર્ણરેખા વગેરે નદીઓ આવેલી છે. આ નદીઓની ખીણો અને મેદાનો ફળદ્રૂપ છે. અહીં ચિલ્કા, અનસૂયા અને સારા અથવા સમગરા નામનાં ત્રણ સરોવરો આવેલાં છે. ચિલ્કાનું ખાડી સરોવર બંગાળના ઉપસાગરનાં મોજાં દ્વારા લવાયેલા નિક્ષેપ-આડને કારણે રચાયું છે. ખરેખર તો તે ઉપસાગરનો ફાંટો છે. તે ગંજામ અને પુરીની સરહદે આવેલું છે. તે 60 કિમી. લાંબું અને 20થી 60 કિમી. પહોળું છે. સરોવર વચ્ચે પરીકુંડ અને મલુદ ટાપુઓ આવેલા છે. અહીં સમુદ્રવિજ્ઞાનનું અને મત્સ્યઉદ્યોગનું કેન્દ્ર આવેલું છે. અનસૂયા સરોવર કટક જિલ્લામાં બંકી નજીક આવેલું છે. તેની લંબાઈ-પહોળાઈ અનુક્રમે 6 કિમી. અને 1.6 કિમી. છે. ત્રીજું સારા સરોવર આશરે 5 કિમી. લાંબું અને ૩ કિમી. પહોળું છે.

સૂર્ય મંદિર, કોણાર્ક

આબોહવા : કર્કવૃત્તથી દક્ષિણે સમુદ્રથી દૂર આવેલા પ્રદેશની આબોહવા ગરમ છે, પણ કિનારાના પ્રદેશની આબોહવા સમધાત છે. સરેરાશ તાપમાન ૩80 સે. રહે છે, પણ ઠંડીના દિવસોમાં તે 220 8¢થી 70 5¢ સે. રહે છે. બોલાંગીર, સંબલપુર અને સુંદરગઢમાં ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. કોરાપુટ અને ફુલબની જિલ્લામાં ઉનાળો આહલાદક હોય છે. રાજ્યમાં સરાસરી વરસાદ 1,500 મિમી. પડે છે. ફક્ત સંબલપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં અપૂરતો વરસાદ પડે છે. શિયાળામાં બંગાળના ઉપસાગર ઉપરથી વાતા ઈશાની મોસમી પવનો ઓરિસાના કાંઠાના પ્રદેશમાં થોડો વરસાદ લાવે છે. બંગાળના ઉપસાગર ઉપરથી આવતો ઝંઝાવાત ક્યારેક કિનારાના પ્રદેશમાં વિનાશ વેરે છે. મોસમી પવનના પ્રદેશમાં આવેલ હોઈ, ઓરિસામાં શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુઓ નિશ્ચિત છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અહીં વરસાદ પડે છે. મે માસમાં સૌથી વધુ ગરમી પડે છે, જ્યારે ઑગસ્ટમાં સૌથી વધારે વરસાદ પડે છે. પ્રવાસીઓ માટે શિયાળાની ઋતુ ઉત્તમ છે.

જંગલો : રાજ્યના ૩5.8 ટકા વિસ્તારમાં ભેજવાળાં ખરાઉ પ્રકારનાં જંગલો આવેલાં છે. આ જંગલો પૂર્વઘાટ તથા અન્ય પર્વતીય પ્રદેશમાં આવેલાં છે. તેનો વિસ્તાર 55,785 ચોકિમી. છે. મુખ્યત્વે મયૂરભંજ, ફુલબની અને કોરાપુટ જિલ્લાનો આ પર્વતીય વિસ્તાર છે. અહીં સાગ, સાલ, વાંસ, સીસમ, કાંગડા, ચંદન, આસન, હળદરવો, કુસુમ, પિઆસાલ, રોઝવુડ જેવાં ઇમારતી લાકડું આપતાં વૃક્ષો છે. જંગલમાંથી બીડી માટેનાં કેન્દુનાં પાન તથા રક્તચાપમાં વપરાતી સર્પગંધા જેવી કીમતી ઔષધિ તથા હરડે, ઝેરકોચલું વગેરેનાં વૃક્ષો છે. વન નિગમ દ્વારા ગુંદર, રાળ, મધ, લાખ તથા અન્ય વૈદકીય ઔષધિઓ એકત્ર કરાય છે અને તેથી સ્થાનિક આદિવાસીઓનું અગાઉ થતું શોષણ અટક્યું છે. બોરડી જેવાં અન્ય વૃક્ષોનાં પાન ખાઈને રેશમના કીડા ‘ટસર’ પ્રકારનું રેશમ આપે છે. કટક જિલ્લાના ચંદ્રકાના જંગલમાં વનસ્પતિ-ઉદ્યાન આવેલો છે; તે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે ઉપયોગી છે. અંગુલમાં ‘ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ આવેલું છે. મયૂરભંજ જિલ્લામાં 1,040 ચોકિમી.માં ‘સિમિલિપાઇગિરિ’નું અભયારણ્ય આવેલું છે; ત્યાં પશુઓ નિર્બન્ધ વિહરે છે. સાલનાં બિયાંમાંથી અખાદ્ય તેલ મળે છે, તેનો સાબુ બનાવવામાં ઉપયોગ થાય છે. તેલની નિકાસ પણ થાય છે. વળી આરક્ષિત અને માર્કેટ-રક્ષિત જંગલો પણ આવેલાં છે.

લિંગરાજનું મંદિર, ભુવનેશ્વર

પ્રાણીઓ : અહીં હાથી, ચિત્તા, વાઘ, હરણ વગેરે જંગલી પ્રાણીઓ તથા ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં વગેરે વિપુલ સંખ્યામાં છે. ચિલ્કા સરોવરમાં શિયાળામાં જળકૂકડી, બતકો તથા અન્ય યાયાવર પક્ષીઓ સાઇબીરિયાથી આવે છે. દંડકારણ્યમાં પૂર્વબંગાળના નિર્વાસિતોને વસાવવામાં આવ્યા છે. દરિયાકિનારાના અને નદીઓના મુખપ્રદેશમાં અને સરોવરમાં માછલીનું પ્રમાણ ઘણું છે.

ખનિજો : રાજ્યમાં સુંદરગઢ, કેઓન્જાર, મયૂરભંજ અને કટક જિલ્લામાં લોખંડની ઘણી ખાણો છે. આ ખાણો સુકિન્ડા, ટોમકા-દૈતરી, બોનાઈ અને ગંધમર્દનમાં આવેલી છે. આ લોખંડની કાચી ધાતુ 60થી 70 ટકા લોખંડ ધરાવે છે અને તેની પારાદીપ બંદર દ્વારા જાપાનમાં નિકાસ થાય છે. ઉત્તર અને પશ્ચિમ તરફના ડુંગરાળ પ્રદેશમાંથી મૅંગેનીઝ, નિકલ, બૉક્સાઇટ, ડૉલોમાઇટ, ચૂનાના પથ્થરો, ચીનાઈ માટી, ફાયર ક્લે, બીબાંઢાળ રેતી વગેરે ખનિજો મળે છે. સુંદરગઢ જિલ્લામાં મૅંગેનીઝ મળે છે. ભારતના કુલ ઉત્પાદનમાં ઓરિસાનો 20 ટકા જેટલો હિસ્સો છે. ગોંડવાના યુગના ભૂસ્તરોમાંથી કોલસા મળે છે. તાલચીર નજીક વિપુલ પ્રમાણમાં કોલસો છે. શિષ્ટ, નાઇસ અને ગ્રૅનાઇટના આર્કિયન અને ધારવાડ રચનાના મોટાભાગના ખડકોમાંથી કોલસા, કુદરતી વાયુ અને તેલ સિવાયનાં ખનિજો મળે છે. મહાનદીના ત્રિકોણાકાર પ્રદેશમાંથી ખનિજતેલ અને ભૂગર્ભવાયુ મળવાની શક્યતા છે. ભારતની કુલ ખનિજસંપત્તિના ત્રીજા ભાગ જેટલું ખનિજ-ઉત્પાદન એકલું ઓરિસા રાજ્યમાં થાય છે. લોખંડનો અનામત જથ્થો 160 કરોડ ટન જેટલો છે. મૅંગેનીઝનો અનામત જથ્થો 10 મિલિયન ટન છે. મૅંગેનીઝ પણ કેઓન્જાર, સુંદરગઢ, કોરાપુટ અને બોલાંગીર જિલ્લામાંથી મળે છે. બૉક્સાઇટનો 700 લાખ ટન જેટલો જથ્થો અનામત છે. ભવાનીપટના, સંબલપુર અને કોરાપુટ જિલ્લામાંથી તે ખોદી કઢાય છે. કાચી ધાતુમાં ઍલ્યુમિનિયમનું પ્રમાણ 28થી 50 ટકા જેટલું છે. ગંધમર્દન અને પોટંગી પર્વતમાળામાં બૉક્સાઇટનો વિપુલ અનામત જથ્થો છે. હીરાકુડ યોજના દ્વારા સસ્તી જળવિદ્યુત મળતાં ઍલ્યુમિનિયમ ગાળવાનું કારખાનું કોરાપુટમાં નાખવામાં આવેલું છે.

ઓરિસામાં ક્રોમાઇટનો અનામત જથ્થો એક કરોડ ટન છે. આ ખનિજ કટક જિલ્લાના ડમસાલ અને કેઓન્જાર જિલ્લાના બૌલનસાહી, કામાખ્યાનગર, સુકિન્ડા, આનંદપુર, બોનાઈ, નૌશાલ અને બૌલામાંથી મળે છે. રાયગઢમાં ફેરો-મૅંગેનીઝ અને જોરીમાં ફેરો-ક્રોમનું ઉત્પાદન થાય છે. ભારત સ્વતંત્ર થયા પછીથી નિકલધાતુ કટક, કેઓન્જાર અને ધેનકનાલ જિલ્લામાંથી શોધી કાઢવામાં આવી છે. કટક જિલ્લામાં સુકિન્ડાની લોખંડની ખાણો સાથે નિકલની ખાણો આવી છે. કાનસા, સુરબલિ, કાલીપાની અને ભીખતનગરમાંથી પણ તે થોડા પ્રમાણમાં નીકળે છે. કાન્સામાં નિકલ શુદ્ધ કરવાનું કારખાનું છે.

આ સિવાય અબરખ, શંખજીરું, ગ્રૅફાઇટ, કાયનાઇટ, વેનેડિયમ, મૅગ્નેટાઇટ જેવી ધાતુઓ થોડા પ્રમાણમાં મળે છે. ખનિજના ઉત્પાદનમાં બિહાર અને મધ્યપ્રદેશ પછી ઓરિસાનો ક્રમ ત્રીજો છે.

સારણી 1 : ખનિજઉત્પાદન (19951996)

કોલસો ૩2,660 ટન
લોહઅયસ્ક 9,૩૩0 ટન
બૉક્સાઇટ 2,420 ટન
ચૂનાખડકો 2,૩80 ટન
ક્રોમાઇટ 1,650 ટન
ડૉલોમાઇટ 1,૩50 ટન
મૅંગેનીઝ 6૩0 ટન

કોલસો : બ્રાહ્મણી નદીની ખીણમાં આવેલા તેલચરમાંથી તથા ઇબ નદીના ખીણવિસ્તાર, રામપુર અને હિમગીરમાંથી ગોંડવાના યુગના કોલસાના થરો મળી આવ્યા છે. આ કોલસાનું ક્ષેત્ર ઓરિસા અને મધ્યપ્રદેશની સરહદે આવેલ રામપુર સુધી ફેલાયેલું છે. તાલચીરમાં ૩0,000 લાખ ટન જેટલો કોલસાનો અનામત જથ્થો છે.

વીજળીઊર્જા : ઓરિસામાં તાપવિદ્યુત તથા જળવિદ્યુત બંને ઉત્પન્ન થાય છે. તાલચીર પાસેના કોલસાના ક્ષેત્ર નજીક 500 મે.વો.નું વિદ્યુતમથક છે. બાલીમેલા, હીરાકુડ, ઇન્દ્રાવતી, અપરકોલબ તથા રેનગલી વિદ્યુતમથકો અનુક્રમે ૩60, 270, 240 અને 100 મે.વો. વીજળી ઉત્પન્ન કરતા હતા. મચકુંડ યોજના એક લાખ કિ.વો. વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આંધ્રપ્રદેશ પણ તેમાંથી વીજળી મેળવે છે.

ખેતી : રાજ્યમાં 87.46 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. મુખ્ય પાક ડાંગર છે; તે બે વખત લેવાય છે અને 76 % લોકો તેની ખેતી કરે છે. ઉપરાંત શણ, શેરડી, બાજરી, જુવાર, મકાઈ, તેલીબિયાં, નાળિયેર અને હળદર અન્ય પાકો છે. વધારાના ચોખા કેરળ અને પશ્ચિમ બંગાળમાં નિકાસ થાય છે. શેરડીનું ઉત્પાદન વધુ વરસાદવાળી અને ફળદ્રૂપ જમીનમાં થાય છે. કિનારાના મેદાનમાં તેનો પાક શણ સાથે લેવાય છે. શણનું ઉત્પાદન લગભગ બે લાખ ટન જેટલું થાય છે. તે કોલકાતા મોકલાય છે. 20,000 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થાય છે.

સારણી 2 : ખેતીપાકોનું ઉત્પાદન (19941995)

ડાંગર 64,00,000 ટન
ઘઉં 58,000 ટન
શેરડી 7,81,000 ટન
તેલીબિયાં 2,70,000 ટન
કઠોળ 5,80,000 ટન
ફળો (વર્ષ 2000) 12,00,000 ટન

સિંચાઈ : નવમી યોજનામાં અહીંની આશરે 60 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થયો છે. હીરાકુડ નજીક મહા નદી ઉપર હીરાકુડ, તિરકપાડા અને બરાજ  એમ ત્રણ બંધ બાંધવામાં આવ્યા છે. આ બંધ દ્વારા 11 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સગવડ મળે છે. આ બંધથી 6૩0 ચોકિમી. વિસ્તારનું 810 કરોડ ઘનમીટર જળ એકત્રિત થાય છે. આ બંધની ડાબી બાજુએ 10 કિમી. લાંબો માટીનો બંધ છે. તેની ડાબી અને જમણી બાજુએ બોરગઢ અને બીજી નહેર કાઢવામાં આવી છે. હીરાકુડ બંધ દ્વારા 1996માં ૩07.5 મે.વૉ. જળવિદ્યુત ઉત્પન્ન થઈ હતી. 1996માં ૩2,068 ગામડાંને વીજળી પૂરી પાડવામાં આવેલી. બંધ અને કૂવા દ્વારા વાવેતર નીચેની જમીનના 26.25 ટકા જમીનને તેનો લાભ મળે છે. કુલ ખેડાણ નીચેની જમીનના ૩0 ટકા જેટલું આ પ્રમાણ છે.

ઉદ્યોગો : ઓરિસામાં ખનિજ, ખેતીની પેદાશ, જંગલની પેદાશો વગેરે ઉપર આધારિત ઉદ્યોગો સ્થપાયા છે. કટક વિસ્તારમાં સુતરાઉ કાપડની મિલો, ઇજનેરી સામાનનાં કારખાનાં અને લાકડાની વિવિધ વસ્તુઓ, ફર્નિચર વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. પોલાદ, ઘડતર લોખંડ, ફેરો મૅંગેનીઝ, સિલિકાની મિશ્રધાતુઓ, ઍરો-એન્જિન, કાચ, મશીનટૂલ, સોડાઍશ, વીજાણુસામગ્રી, ખાંડ વગેરે, રસાયણો, રાસાયણિક ખાતરો, મીઠું, રેફ્રિજરેટર, બૉઇલરના છૂટક ભાગો, રિફ્રૅક્ટરીઝ, ટાઇલ્સ, ખાતર, સિમેન્ટ, કાગળ અને તેની વસ્તુઓ બનાવવાનાં અનેક કારખાનાં આવેલાં છે. પોલાદનું કારખાનું રશિયન સહાયથી ઊભું થયું છે. ખેતી અને જંગલની પેદાશો ઉપર કાગળ અને તેલની મિલો, સૉલવન્ટનાં કારખાનાં તથા કાપડ અને સૂતરની મિલો આધાર રાખે છે. આ ઉદ્યોગોનો વિકાસ આઝાદી પછી થયો છે. ગ્રેફાઇટ શુદ્ધ કરવાનું કારખાનું પંતનગરમાં છે.

કટક, સંબલપુર, બાલેશ્વર, સુંદરગઢ, બોલાંગીર અને કેઓન્જારમાં બીડી-ઉદ્યોગ છે. વાર્નિશ, સૌંદર્યપ્રસાધનો, શાહી તથા દવા બનાવવાનાં લઘુ અને મધ્યમકક્ષાનાં કારખાનાં છે. રેશમી અને સુતરાઉ કાપડ હાથસાળ દ્વારા તૈયાર થાય છે. બેલમેટલની વસ્તુઓ કટક, પુરી, અંજામ અને ધેનકનાલ જિલ્લામાં બને છે. પથ્થરની મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ પુરી, નીલગિરિ, ભુવનેશ્વર, રાઇરંગપુર, ખીચિંગ, બારીપાડા, નયાગઢ વગેરેમાં બને છે. ઝવેરાત અને ચાંદી ઉપરનાં મીનાકામ માટે કટક અને બરહામપુર જાણીતાં છે. હાથીદાંત અને સોનાનું નકશીકામ પણ થાય છે. આમ ઓરિસામાં ભારે, લઘુ અને ગૃહઉદ્યોગો આઝાદી પછી વિકસ્યા છે.

વાહનવ્યવહાર : ઓરિસામાં ૩,190 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 4,876 રાજ્ય ધોરી માર્ગો, 8,૩25 કિમી. જિલ્લામાર્ગો તથા 2,500 કિમી. ગ્રામ માર્ગો છે. કોલકાતાથી ચેન્નાઈ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ ઓરિસાના કિનારાના પ્રદેશમાંથી પસાર થાય છે. કોલકાતાથી વૉલ્ટેર જતો રાષ્ટ્રીય માર્ગ કટક થઈને બાલાસોરમાંથી પસાર થાય છે. કટક-પારાદીપ માર્ગ 78 કિમી. લાંબો છે. કટક અને સંબલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા જોડાયેલાં છે. વિશાખાપટ્ટનમથી રાયપુર જતો ધોરી માર્ગ દક્ષિણ ઓરિસામાંથી પસાર થાય છે. દૈવરીની લોખંડની ખાણોના વિસ્તારને પારાદીપ સાથે જોડતો 81 કિમી. લાંબો રસ્તો ‘એક્સપ્રેસ હાઇવે’ છે. રાજ્યમાં કુલ 2,૩17 બ્રોડગેજ રેલમાર્ગો છે. મહા, વૈતરણી અને બ્રાહ્મણી નદીઓનો આંતરિક જળમાર્ગ છે અને તે નહેરો દ્વારા જોડાયેલો છે.

ઓરિસાનો સમુદ્રકિનારો 470 કિમી. લાંબો છે. તે ઉપર પારાદીપનું પ્રમુખ બારમાસી બંદર મહા નદીની શાખા અથરબંકી ઉપર આવેલું છે. આ કુદરતી બંદર નથી, પણ જળરોધક દીવાલ (break water) દ્વારા તેને સુરક્ષિત બનાવાયું છે. ગોપાલપુરને બારમાસી બંદર બનાવવાના પ્રયાસો ચાલુ છે. ભુવનેશ્વર ખાતે મોટું હવાઈ મથક આવેલું છે. દિલ્હી, કોલકાતા, વિશાખાપટ્ટનમ્ અને હૈદરાબાદ સાથે તે વિમાની વ્યવહારથી જોડાયું છે.

લોકો : ઓરિસા પૂર્વભારતમાં આવ્યું હોવા છતાં ઉત્તર અને દક્ષિણની સંસ્કૃતિની અસર અને સમન્વય તેનાં કલા, શિલ્પ, સ્થાપત્ય, ભાષા, લોકજીવન વગેરેમાં જોવા મળે છે. આદિવાસીઓ પૈકી સંથાલ, મુંડા, ગોંડ, સાવરા, ઓરાંઓ, ભીલ અને કોલ છે. અનુસૂચિત જાતિઓમાં ડોમ, બાવરી, ગંદા, પાલ, કાન્દ્રા વગેરે છે. 2.50 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં શહેરો રૂરકેલા, બરહાનપુર, સંબલપુર અને પુરી છે. 97 % લોકોની મુખ્ય ભાષા ઊડિયા છે. 84 % લોકો ઊડિયાભાષી છે. બંગાળી, તેલુગુ, ઉર્દૂભાષી તથા હિંદીભાષીઓનું પ્રમાણ એકથી ત્રણ ટકા જેટલું છે. આ રાજ્ય ઑક્ટોબર, 1999માં ભયંકર વાવાઝોડાનું ભોગ બન્યું હતું, જેમાં 10,000 માણસોનાં મૃત્યુ થયાં હતાં. ઓરિસાના લોકોમાં ગરીબીનું પ્રમાણ ભારતનાં અન્ય રાજ્યો કરતાં વિશેષ છે.

શહેરો અને જોવાલાયક સ્થળો : ભુવનેશ્વર : ભુવનેશ્વર ઓરિસાની રાજધાની છે. વારાણસીની હરીફાઈમાં ભુવનેશ્વર બંધાયું હોવાની અનુશ્રુતિ છે. અહીં આઠમીથી અગિયારમી સદી દરમિયાન બંધાયેલાં સો ઉપરાંત મંદિરો છે. તે ઉપરાંત 400 જેટલાં મંદિરો ભગ્નાવસ્થામાં છે. આ પૈકી લિંગરાજ, મુક્તેશ્વર, રાજરાણી અને પરશુરામેશ્વરનાં મંદિરો વધારે પ્રાચીન અને જાણીતાં છે. શિવનું લિંગરાજ મંદિર અગિયારમી સદીમાં બંધાયેલું છે. તેનું શિખર 44 મી. ઊંચું છે. લિંગરાજના મંદિરમાં શિવનું લિંગ ખૂબ જ મોટું અને ઊંચું છે. મુક્તેશ્વરનું મંદિર પથ્થરમાં કંડારાયેલા સ્વપ્ન સમાન છે; તે સપ્રમાણ છે અને નીચેથી ટોચ સુધી તેની બાહ્ય દીવાલો, સુંદર શિલ્પો, વેલી, ફૂલો વગેરેથી અલંકૃત છે. આ મંદિર ઓરિયા સ્થાપત્યોમાં શિરમોર સમાન છે. તે 11 મી. ઊંચું છે. રાજરાણી મંદિર 18 મી. ઊંચું છે. તેના ગોખ ખૂબ કાળજી અને નજાકતથી કંડારાયેલા છે. પત્ર લખતી તરુણીનું શિલ્પ જગવિખ્યાત છે. દરેક મૂર્તિ ઘાટીલી અને સપ્રમાણ છે. પરશુરામેશ્વર મંદિર સાતમી સદીનું છે. વૈતાલ મંદિર અને ખંડગિરિ તથા ઉદયગિરિની ગુફાઓ પહેલી અને બીજી સદીનાં છે. ધૌલીની ટેકરી ઉપર અશોકનો શિલાલેખ અને બૌદ્ધસ્તૂપ આવેલાં છે. શિશુપાલગઢ (તોશાલા) અને નંદનકાનન પ્રવાસીઓને મુગ્ધ કરે છે.

ભુવનેશ્વરને ‘મંદિરોનું શહેર’ એવું બિરુદ મળ્યું છે. 1948થી કટકથી ઓરિસાની રાજધાની અહીં ખસેડાઈ છે અને નવા નગરનું આયોજન થયું છે. અહીં ઘણી વહીવટી કચેરીઓ, સંગ્રહસ્થાન, ઉત્કલ યુનિવર્સિટી, ખેતીવાડી અને ટેક્નૉલૉજી યુનિવર્સિટી, ગાંધી મેમૉરિયલ બાગ વગેરે સ્થળો આવેલાં છે.

રથયાત્રામાં ઊમટેલો શ્રદ્ધાળુ વિશાળ જનસમુદાય, જગન્નાથપુરી

કટક : કટક જિલ્લાનું મથક અને ઓરિસા રાજ્યનું સૌથી મોટું શહેર છે. મહા નદીના ત્રિકોણપ્રદેશનું કેન્દ્ર હોઈને તે મહત્વનું વાણિજ્યનું અને ઔદ્યોગિક મથક છે. તે કોલકાતાની નૈર્ઋત્યે ૩45 કિમી. અને બંગાળના ઉપસાગરથી 9૩ કિમી. પશ્ચિમે આવેલું છે. મહા નદીની શાખાઓ અને નહેરો દ્વારા અંદરના ભાગો સાથે તે જોડાયેલું છે. અહીં ચોખાની મિલો, કાચ, સ્ટીલ-પાઇપ, કાગળ અને સુતરાઉ કાપડનાં કારખાનાં છે. સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગ તથા અન્ય વિદ્યાશાખાઓની કૉલેજો છે. જૂનો ભગ્ન કિલ્લો, ચર્ચ તથા પ્રાચીન મંદિરો જોવાલાયક છે. 2011માં તેની વસ્તી 26,24,470 હતી.

જગન્નાથપુરી : પુરી બંગાળના ઉપસાગરના દરિયાકિનારે આવેલું વૈષ્ણવ તીર્થ છે. તે પુરુષોત્તમ તીર્થ પણ કહેવાય છે. ઓરિસાના અધિષ્ઠાતા દેવ જગન્નાથ છે. અનંગ ભીમદેવને પડોશી રાજ્યની ભીતિ જણાઈ ત્યારે ગોદાવરી સુધીના તેના વિસ્તૃત રાજ્યને તેણે ભગવાન જગન્નાથને સમર્પણ કર્યું અને તેના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું. કપિલેશ્વરના શિલાલેખોમાં આ અંગે ઉલ્લેખો છે. અહીં જગન્નાથની મૂર્તિ લીમડાના કાષ્ઠની છે. મંદિરમાં ત્રણ મૂર્તિઓ છે – જગન્નાથ, સુભદ્રા અને બલભદ્ર. આ મંદિર યયાતિ કેસરીએ બંધાવ્યું હતું. એવી એક અનુશ્રુતિ છે, જ્યારે અનંગ ભીમદેવનું નામ પણ કેટલાક તેની સાથે જોડે છે. શિલાલેખ પ્રમાણે તે ચોડગંગદેવે બંધાવેલું હોવાનું જણાય છે. નીબાદ્રિ ટેકરી ઉપર આવેલું આ મંદિર જમીનતલથી 64 મીટર ઊંચું છે. ચાર સિંહદ્ધારો અને વિશાળ બાહ્ય ચોક છે. અષાઢ સુદ બીજને દિવસે રથયાત્રા નીકળે છે. ભારતનાં ચાર મુખ્ય તીર્થધામો પૈકી તે એક છે. દરિયાકિનારો છીછરો અને સ્વચ્છ છે. સમુદ્રસ્નાન માટે પ્રવાસીઓને તે આકર્ષે છે.

કોણાર્ક : કોણાર્કનું સૂર્યમંદિર તેની શિલ્પસમૃદ્ધિ, બારીક કોતરકામ અને લાવણ્યમયી મૂર્તિઓ માટે જાણીતું છે. અહીં ભોગાસનો કંડારાયેલાં છે. તેરમી સદીમાં રાજા નરસિંહદેવે આ મંદિર બંધાવ્યું હતું. દંતકથા પ્રમાણે બાર વરસ સુધી 1,200 શિલ્પીઓએ બિસુ મહારાણાની આગેવાની નીચે મંદિર બાંધ્યું હતું. મંદિરનું શિખર 69 મીટર ઊંચું છે. પિરામિડ આકારમાં બંધાયેલું પ્રેક્ષક સભાગૃહ ૩8.5 મીટર ઊંચું છે. નૃત્ય માટેના મંડપમાં ચારે બાજુથી પ્રવેશી શકાય છે. નૃત્યમંડપને છાપરું નથી. સૂર્યનો રથ અને ઘોડાઓનું શિલ્પ આકર્ષક છે. કોણાર્ક ભુવનેશ્વરથી 65 અને પુરીથી 86 કિમી. દૂર છે.

પારાદીપ : ભારતનાં અગિયાર પ્રમુખ બંદરો પૈકી એક છે. બિહારના કોલસા આ બંદરેથી નિકાસ થાય છે. જાપાન તથા યુરોપીય દેશોમાં કાચું લોખંડ નિકાસ થાય છે. રસાયણો, સિમેન્ટ, ખાતર, ગંધક, ફૉસ્ફેટ વગેરેની આયાત થાય છે; જ્યારે ચોખા, માછલી વગેરે નિકાસ થાય છે. મત્સ્યબંદર તરીકે તેનો વિકાસ થઈ રહ્યો છે.

ઉપરાંત ચિલ્કા સરોવર, હીરાકુડ, મચકુંડ વગેરે વિહારધામ તરીકે પ્રસિદ્ધ છે. જળધોધનું સ્થળ, અભયારણ્ય અને નૅશનલ પાર્ક વિહારધામ તરીકે વિકસાવાઈ રહ્યાં છે.

ઇતિહાસ : પ્રાચીન કાળમાં ઓરિસાનો પ્રદેશ કલિંગ, ઉત્કલ અને ઓડ્ર તરીકે જાણીતો હતો. કલિંગનો ઐતરેય બ્રાહ્મણમાં ઉલ્લેખ છે. મહાભારતમાં આ ત્રણે વિભાગોનો ઉલ્લેખ છે. ઉત્કલ મનુનો પૌત્ર હતો. તેના નામ ઉપરથી તેના શાસન નીચેનો પ્રદેશ ઉત્કલ કહેવાયો હતો. દ્રાવિડ ભાષાના ‘ઓક્કલ’ અને ‘ઓડ્ડીસુ’ શબ્દનો અર્થ કૃષિકાર થાય છે. કન્નડ ભાષામાં કૃષિકાર માટે ‘ઓક્કલ’ શબ્દ છે. તેલુગુમાં ‘ઓડ્ડીસુ’નો અર્થ મજૂર થાય છે; આ શબ્દો ઉપરથી ‘ઉડ્’, ‘ઓડ્ર’ કે ‘ઔડ્ર’ શબ્દ પ્રદેશવાચક બન્યો છે. ઓડ્ર દેશ હુગલી અને દમુડા નદી વચ્ચેનો ઉત્તર ઓરિસા છે. બાલાસોરથી રાંચી સુધીનો પ્રદેશ ઉત્કલ તરીકે ઓળખાતો હતો. સ્કંદપુરાણ મુજબ ઋષિકલ્યા નદીથી સુવર્ણરેખા અને મહા નદી વચ્ચેનો પ્રદેશ એ ઉત્કલનો વિસ્તાર છે. પૂર્વ સરહદ કપીશા નદી સુધી અને પશ્ચિમમાં મેકલ લોકોના રાજ્ય સુધી હોય તેમ જણાય છે. ગાહડવાલ ગોવિંદચંદ્રના બારમી સદીના અભિલેખમાં તેનો ઉલ્લેખ છે. નારાયણપાલના ભાગલપુરના દાનશાસનમાં ઉત્કલના રાજા જયપાલનો ઉલ્લેખ છે. કલિંગનો પ્રદેશ ગોદાવરી સુધીનો દક્ષિણ ઓરિસા છે.

વાયુપુરાણ, બૌદ્ધ જાતકકથાઓ તથા અન્ય બૌદ્ધ ગ્રંથોમાં કલિંગનો ઉલ્લેખ છે. જૈનોના હરિવંશપુરાણમાં મહાવીર સ્વામીએ કલિંગમાં ઉપદેશ આપ્યો એવો ઉલ્લેખ છે. અગ્નિએશિયાના દેશોમાં બૌદ્ધસાધુઓ અને વેપારીઓ તરીકે સ્થળાંતર કરી ગયેલા ભારતવાસીઓ માટે ગમે તે પ્રદેશના હોય તોપણ ‘કલિંગ’ શબ્દ પ્રયોજાતો હતો. મૌર્યવંશ પૂર્વે ઈ. પૂ. ચોથા શતકમાં નંદવંશના રાજાઓએ જૈનધર્મી રાજાઓનો પરાભવ કર્યો હતો. ત્યારબાદ તે સ્વતંત્ર બન્યું હતું. અશોકે ઈ. પૂ. 268માં ખૂબ નરસંહાર બાદ કલિંગનો પ્રદેશ જીતી લીધો હતો અને તેના ધર્મપરિવર્તનમાં તે કારણભૂત બન્યો હતો. અશોકના મૃત્યુ પછી તે સ્વતંત્ર બન્યો હતો. ઈ. સ. 161માં જૈનધર્મી ચેદિવંશના ખારવેલે વિશાલ સામ્રાજ્ય જમાવ્યું હતું, જેનો અંત તેના મૃત્યુ પછી આવ્યો હતો.

ઈ. સ.ની ચોથી શતાબ્દી દરમિયાન ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્તે તેની દક્ષિણપથની વિજયયાત્રા દરમિયાન ઓરિસાના પાંચ રાજાઓને હરાવ્યા હતા. ગુપ્તવંશના પતન બાદ ઈ. સ. 610માં અહીં શશાંકનું શાસન હતું. હર્ષવર્ધને તેને મારી નાખતાં આ રાજવંશનો અંત આવ્યો હતો. ઈ. સ. 6૩8માં પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએનસંગે તેની મુલાકાત લીધી હતી. હર્ષવર્ધને બૌદ્ધધર્મના મહાયાન પંથના ફેલાવા માટે પ્રયત્ન કર્યો હતો. હર્ષના 647માં મૃત્યુ બાદ સોમવંશીય મહાભાવગુપ્ત જનમેજયે કલિંગમાં પ્રબળ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગંગવંશના પરાક્રમી રાજવી મહાશિવગુપ્ત યયાતિ બીજાએ કલિંગ, કેગોંદા, ઉત્કલ અને કોસલના પ્રદેશો જોડીને ઓરિસાનું એકીકરણ કર્યું હતું. જગન્નાથપુરીનું પ્રખ્યાત મંદિર તેણે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ખારવેલની વિજયપરંપરાનું તેણે પુનરાવર્તન કર્યું હતું. ગંગરાજાઓ વૈષ્ણવધર્મી હતા. કોણાર્કનું જગપ્રસિદ્ધ સૂર્યમંદિર તેરમી સદીમાં નરસિંહદેવે બંધાવ્યું હતું.

તેરમી સદીના અંત ભાગમાં મુસ્લિમ આક્રમણો શરૂ થયાં હતાં. 1૩52માં બંગાળના સુલતાને ઓરિસા ઉપર આક્રમણ કર્યું હતું. 1૩61માં ફીરોજશાહ તુગલુકે ઓરિસા ઉપર ચડાઈ કરી લૂંટ ચલાવી હતી અને અનેક મંદિરો નષ્ટ કર્યાં હતાં. 14૩1 પછી ગજપતિ વંશની સત્તા શરૂ થઈ હતી. વિજયનગરના રાજ્યે આક્રમણ કરી તેને હરાવ્યો હતો. 1568માં બંગાળના સુલતાન સુલેમાનખાનના સેનાપતિએ છેલ્લા રાજા મુકુંદધ્વજને હરાવી ઓરિસા કબજે કર્યું હતું. 1592માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે અફઘાન સુલતાન પાસેથી આ પ્રદેશ જીતી લીધો હતો. 1592થી 1707 સુધી મુઘલ સત્તા પ્રબળ હતી. મુઘલ સત્તા નબળી પડતાં બંગાળનો નવાબ ઓરિસાનો સર્વસત્તાધીશ બન્યો હતો.

1751માં બંગાળનો સુલતાન અલીવર્દીખાન નાગપુરના ભોંસલેનો સામનો કરી ન શકતાં ઓરિસા મરાઠા શાસન નીચે આવ્યું. 180૩માં અંગ્રેજોએ ભોંસલેને હરાવીને તેનો કબજો લીધો અને તે બંગાળ પ્રાંતનો ભાગ બન્યું. 1912 સુધી બંગાળના ભાગ બન્યા બાદ તે બિહાર નીચે મુકાયું અને 1-4-19૩6માં ઓરિસા સ્વતંત્ર પ્રાંત બન્યો.

190૩ પછી મધુસૂદન દાસે ઓરિસાના એકીકરણ માટે પ્રયત્નો કર્યા હતા. 19૩0ના ગાંધીજીના મીઠાસત્યાગ્રહમાં ઓરિસામાંથી ગોપબંધુ દાસ, ગોપબંધુ ચૌધરી, હરેકૃષ્ણ મહેતાબ, રમાદેવી, માલતીદેવી, સરલાદેવી વગેરેએ ભાગ લઈ જેલવાસ ભોગવ્યો હતો. 19૩7-૩9 દરમિયાન વિશ્વનાથ દાસે કૉંગ્રેસ પક્ષનું પ્રધાનમંડળ રચી ઓરિસામાં ઘણા સુધારા કર્યા હતા. સપ્ટેમ્બર, 19૩9માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં કૉંગ્રેસના પ્રધાનમંડળે રાજીનામુ આપ્યું હતું. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ઘણા ઓરિસાવાસીઓએ ભાગ લીધો હતો અને લક્ષ્મણ નાયકને સશસ્ત્ર આંદોલન બદલ ફાંસી દેવાઈ હતી. વિદ્યાર્થીઓનો આ ચળવળમાં મુખ્ય ફાળો હતો. 1948માં 26 દેશી રાજ્યો પૈકી 2૩ રાજ્યો ઓરિસા સાથે જોડાઈ ગયાં. મયૂરભંજ રાજ્ય 1949માં જોડાયું અને બાકીનાં બે રાજ્યો બિહાર સાથે ભળી ગયાં. ઓરિસા વિધાનસભાના 147 સભ્યો છે. હરેકૃષ્ણ મહેતાબ, બિજુ પટનાયક, નંદિની સતપંથી અને જાનકીવલ્લભ પટનાયક ઓરિસાના મુખ્યપ્રધાનો હતા. 1990માં ચૂંટણી થતાં જનતાદળ સત્તા પર આવતાં બિજુ પટનાયક મુખ્યપ્રધાન બન્યા હતા.

રાજકારણ : ભારતની આઝાદીના ટાણે 1949માં મયૂરભંજ રાજ્ય ભારત સાથે જોડાયું હતું, જે 1949માં પૂર્ણપણે ઓરિસા રાજ્ય સાથે જોડાઈ ગયું હતું. ઓરિસા રાજ્ય એક જમાનામાં કૉંગ્રેસ પક્ષનું મજબૂત એકમ ધરાવતું હતું. બિજુ પટનાયક આ રાજ્યના લોકપ્રિય નેતા હતા. કૉંગ્રેસની લોકપ્રિયતાનાં વળતાં પાણી થતાં જનતા દળ પક્ષના સ્થાનિક નેતા તરીકે બિજુ પટનાયક સ્થાનિક રાજકારણના સર્વોચ્ચ નેતા બની રહ્યા. તેમના અવસાન બાદ તેમના પુત્ર નવીન પટનાયકે આ સ્થાન નિભાવ્યું અને જનતા દળ પક્ષનું વિભાજન થતાં ઓરિસામાં બિજુ પટનાયકનું નામ જોડીને બીજુ જનતા દળ પક્ષ અસ્તિત્વમાં આવ્યો. આ પક્ષે 1998ની વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવતાં બિજુ જનતા દળ પક્ષના નેતા નવીન પટનાયક મુખ્યમંત્રી બન્યા. એ રીતે હરેકૃષ્ણ મહેતાબ, બિજુ પટનાયક, નંદિની સતપંથી અને જાનકીવલ્લભ પટનાયકની હરોળમાં તેઓ પણ સ્થાન પામ્યા. નવીન પટનાયકે પાંચ વખત ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે.

શિવપ્રસાદ રાજગોર

પ્રવીણચંદ્ર વોરા

યતીન્દ્ર દીક્ષિત