ઓરિસાનું સ્થાપત્ય : ઓરિસામાં શૈલાત્મક (rock-cut) અને ઇમારતી (structural) – બંને પ્રકારનું સ્થાપત્ય આવેલું છે. શૈલાત્મક સ્થાપત્ય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદીનું છે અને તે જૈન ગુફાઓને સ્વરૂપે છે. ઇમારતી પ્રકારના સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય છે. તેમનો સમય ઈ. સ. 800-1250નો છે.

કટકની પાસે આવેલી ગુફાઓ શૈલાત્મક પ્રકારની છે. પુરાવાઓને આધારે આ ગુફાઓ જૈનધર્મીઓની હોય તેવું અનુમાન છે. આ ગુફાઓ જે ટેકરીઓ ઉપર આવેલી છે તે સામાન્ય રીતે ઉદયગિરિ અને ખંડગિરિના નામથી ઓળખાય છે. અહીં સાધુઓને રહેવા માટે ૩5 ગુફાખંડો આવેલા છે. પશ્ચિમ ભારતના ગુફાખંડોની સરખામણીમાં અહીંના ગુફાખંડોનું સ્થાપત્ય ઊતરતી કક્ષાનું અને પ્રારંભિક અવસ્થાનું જણાય છે. સન્મુખે સ્તંભાવલિથી વિભૂષિત વરંડો અને તે સાથે સંલગ્ન ખંડોનો સમૂહ જોવા મળે છે. અહીંની મંચીપુરીગુફા, બાઘગુફા, રાણીગુફા, ગણેશગુફા, માણેકપુરી ગુફા, હાથીગુફા અને અનંતગુફા જાણીતી છે. મંચીપુરી ગુફાની દીવાલ પરની તોરણમાલા રમણીય છે. અહીં જ કક્ષાસન સૌપ્રથમ જોવા મળે છે. બાઘની ગુફાનો મુખભાગ વાઘના મુખને મળતો હોઈ તેને આવું નામ આપ્યું છે. પ્રવેશની ઉપરના પાટડામાં એક લેખ ઉત્કીર્ણ છે, જેમાં જણાવ્યા પ્રમાણે, આ ગુફાખંડ સાધુ સંભૂતિનો છે. અહીંની બધી ગુફાઓમાં રાણીગુફા સૌથી મોટી અને સુંદર કોતરણીવાળી છે. બે માળની આ ગુફાના મધ્યભાગમાં ચૉક છે અને તેની ત્રણ બાજુએ ખંડોની હારમાળા છે. રહેવાના ખંડો ઉપરાંત સંગ્રહખંડ, સભાખંડ વગેરે ખંડો આવેલા છે. ઉપરના મજલે જવાની સીડી છે. આ મજલે લોકજીવનને રજૂ કરતાં ર્દશ્યો કંડારેલાં છે તેથી કેટલાક વિદ્વાનો આ ગુફા ખુલ્લી નાટ્યશાળા (open-air-theatre) હોવાનું માને છે, જ્યાં કોતરવામાં આવેલાં કેટલાંક ર્દશ્યો પ્રસંગોપાત્ત, ભજવાતાં હશે. ગણેશગુફાએ પહોંચવા માટેનાં પગથિયાંની બંને બાજુ હાથીઓની હાર છે. માણેકપુરી ગુફાનો વિહાર બે મજલાનો છે. હાથીગુફામાં કલિંગના રાજા ખારવેલનો શિલાલેખ છે. ખારવેલ જૈનધર્મી હતો. જૈન સાધુઓએ તેના આશ્રયે અહીં નિવાસ કર્યો હોવાનું અનુમાન છે.

મુક્તેશ્વર મંદિર, ભુવનેશ્વર

ઓરિસાનાં મંદિરો નાગર શૈલીનાં છે. ઓરિસા મંદિર શૈલીનાં મુખ્ય કેન્દ્ર ભુવનેશ્વર, પુરી અને કોણાર્ક છે. આ શૈલીનો પ્રારંભ આઠમી સદીમાં બંધાયેલા પરશુરામેશ્વરના મંદિરથી થાય છે અને તેરમી સદીમાં બંધાયેલા કોણાર્કના સૂર્યમંદિરમાં તેની પરિપૂર્ણતા જોવા મળે છે. અહીંના મંદિર-સ્થાપત્યમાં મંડપને ‘જગમોહન’ કહે છે. પાછળના સમયમાં ‘જગમોહન’ની સામે બીજા બે વધારાના મંડપ  ભોગમંડપ અને નટમંડપ  ઉમેરવામાં આવ્યા. અહીંનાં મંદિરો સામાન્ય રીતે સ્તંભરહિત હોય છે તેમજ અંદરથી સાદાં અને બહારથી અલંકૃત હોય છે.

આઠમી સદીમાં બંધાયેલું ભુવનેશ્વરનું પરશુરામેશ્વરનું મંદિર પ્રાથમિક કક્ષાનું છે. તે અહીંનું સૌથી જૂનું મંદિર છે. વૈતાલદેઉલ મંદિર વિશિષ્ટ પ્રકારનું છે. તેનું શિખર બે મજલાનું છે. મંદિરની રચના સપ્રમાણ છે. મુક્તેશ્વરનું મંદિર ઓરિસા શૈલીને વ્યવસ્થિત સ્વરૂપે રજૂ કરે છે. તેનો મંડપ ઓરિસા પરંપરાનું આદર્શ સ્વરૂપ રજૂ કરે છે. તેની સન્મુખે આવેલા તોરણને લીધે તે અહીંનાં અન્ય મંદિરોથી જુદું જ તરી આવે છે. લિંગરાજના મંદિરમાં નટમંડપ અને ભોગમંડપ પાછળથી ઉમેરવામાં આવ્યા હતા. ઉત્તમ પ્રકારની રચના, સપ્રમાણ અંગ-વિભાગો, શિખરનું સુંદર રેખાંકન તથા સ્થાપત્યની ભવ્યતાને કારણે આ મંદિર ઓરિસાનું એક સર્વોત્તમ મંદિર ગણાય છે. પુરીનું જગવિખ્યાત જગન્નાથનું મંદિર 11મા સૈકામાં બંધાયું હતું. તેની રચના લિંગરાજના મંદિર જેવી છે; પરંતુ લિંગરાજના મંદિર કરતાં તે વધારે ઊંચું અને ભવ્ય છે. સ્તંભાવલિયુક્ત નટમંડપને કારણે તે નોંધપાત્ર છે. ભુવનેશ્વરનાં અન્ય નોંધપાત્ર મંદિરોમાં રાજા-રાણીનું મંદિર અને અનંત વાસુદેવનું છે. ઓરિસા-શૈલીની સર્વોત્તમ સિદ્ધિ કોણાર્કના સૂર્યમંદિરને કહી શકાય.

ઓરિસ્સાનું વિખ્યાત સ્થાપત્ય : કોણાર્ક સૂર્યમંદિર પરનું એક શિલ્પ : રથચક્ર

તેરમા સૈકાના મધ્યમાં બંધાયેલું આ મંદિર જગતી પર ઊભું છે. આખુંયે મંદિર ચક્રવાળા શિલ્પમય રથને સાત ઘોડા વડે ખેંચતું હોય તે રીતે બાંધવામાં આવ્યું છે. દરેક ચક્રના આરાઓમાં, ધરીમાં અને કિનારીમાં સૂક્ષ્મ કોતરકામ જોવા મળે છે. બહારની દીવાલ પર મનુષ્યકદનાં આકર્ષક અને ભાવવાહી કામુક શિલ્પો કંડારેલાં છે, જે અહીંનું મુખ્ય આકર્ષણ છે. હાલ માત્ર તેનો જગમોહનવાળો ભાગ જ જળવાઈ રહ્યો છે. આ મંદિર તેના આયોજન અને રચનામાં સૌથી વધારે સમતુલાવાળું અને ભવ્ય છે. ઓરિસાના મંદિર-સ્થાપત્યમાં તે કલગીરૂપ છે.

થૉમસ પરમાર