ઓપન યુનિવર્સિટી : ઘેર બેઠાં મુક્ત શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણની સુવિધા આપતી યુનિવર્સિટી. શિક્ષણ દ્વારા વ્યક્તિનું સશક્તીકરણ (empowerment) થવાની સાથે સાથે સમાજનો પણ વિકાસ થતો હોય છે એ સર્વસ્વીકૃત સત્ય છે. વિશ્વબૅંકના વર્ષ 2002ના અહેવાલ મુજબ જે દેશની વસ્તીના ઓછામાં ઓછા 70 % લોકોએ સાતથી આઠ વર્ષનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું હોય, તે દેશ ગરીબાઈની રેખાની ઉપર રહી સામાન્ય (average) કક્ષાનો આર્થિક વિકાસ સાધી શકતો હોય છે. એ જ રીતે જો દેશની વસ્તીનો 50 % જેટલો જનવર્ગ ઉચ્ચ શિક્ષણ ધરાવતો હોય, તો તે આર્થિક વિકાસની ઉચ્ચ કક્ષા (advanced stage) ધરાવતો દેશ બની શકતો હોય છે. આ સત્યને નજર સમક્ષ રાખીને દુનિયાના દેશો પોતાની શિક્ષણનીતિ ઘડતા રહે એવી અપેક્ષા વિશ્વબૅંક રાખતી હોય છે.

નાગરિકોની વાર્ષિક માથાદીઠ આવકની ર્દષ્ટિએ વિશ્વબૅંકે દુનિયાના દેશોને ત્રણ ભાગમાં વહેંચ્યા છે : (i) ઊંચી આવક ધરાવતા સુવિકસિત દેશો, જેમની માથાદીઠ આવક 27,510 અમેરિકી ડૉલર છે. (ii) મધ્યમ આવક ધરાવતા વિકાસમાન દેશો, જેમની માથાદીઠ આવક 1,970 અમેરિકી ડૉલર છે; અને (iii) નિમ્ન આવક ધરાવતા અણવિકસિત અને પછાત દેશો, જેમની આવક 735 અમેરિકી ડૉલર છે. ભારતની સરેરાશ માથાદીઠ આવક વર્ષ 2002માં 435 અમેરિકી ડૉલર નોંધાઈ હતી. તેથી તે ત્રીજી કક્ષામાં આવે છે; જ્યારે અમેરિકાની એ આવક 36,000 ડૉલર હોવાથી, એ પહેલી કક્ષાનો દેશ ગણાય છે. આવા આવક-તફાવતના ફલસ્વરૂપ ભારતમાં વ્યક્તિદીઠ શિક્ષણ પર કરાતું ખર્ચ કે મૂડીરોકાણ વાર્ષિક 10 અમેરિકી ડૉલર છે; જ્યારે અમેરિકામાં એ 1,400 ડૉલર છે. આ વાસ્તવિકતાનો ઉચ્ચ શિક્ષણ સાથે કેવો સંબંધ છે તે જોઈએ તો વર્ષ 2002માં ભારતની દર એક લાખની વસ્તીએ ફક્ત 700 વ્યક્તિઓ ઉચ્ચ શિક્ષણ લેતી હતી. બીજી બાજુ અમેરિકામાં એ સંખ્યા એનાથી આઠગણી, એટલે કે 5,546ની હતી. પર્યાપ્ત ઉચ્ચ શિક્ષણ વિના, વર્ષ 2020માં, એક વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાનું સ્થાન ભારત લઈ શકશે નહિ એ સ્પષ્ટ છે.

ભારતમાં પશ્ચિમી ઢબના સંસ્થાગત ઉચ્ચ શિક્ષણની શરૂઆત 1858થી મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપનાથી થઈ. એ પરંપરા સમગ્ર બ્રિટિશ શાસન દરમિયાન ચાલુ રહી. પરિણામે 1947માં દેશમાં 20 યુનિવર્સિટીઓ, તેમને સંલગ્ન 437 કૉલેજો અને તેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ બે લાખ જેટલાં હતાં. આ બધાંમાં દિવસના ચોક્કસ સમયે પ્રત્યક્ષ (Face-to-Face/F2F) અધ્યાપન થતું. ચાર દીવાલો વચ્ચેના વર્ગખંડોમાં નિયત અધ્યાપકો F2F અધ્યાપન કરતા. સઘળું અધ્યાપન પાઠ્યપુસ્તક આધારિત (Textbook based) હતું, જેના આધારે ઔપચારિક પરીક્ષા લેવાતી, જે પસાર કરનારને પ્રમાણપત્ર આપવાની જોગવાઈ હતી. આ શિક્ષણ મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ 18 વર્ષે શરૂ થતું અને 21 કે 23 વર્ષે પૂરું થતું. ચોક્કસ નગરોમાં આવેલી યુનિવર્સિટી કે કૉલેજનો લાભ ધનિક વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ જ લઈ શકતો. ગરીબો, વંચિતો, પછાત વર્ગો અને અંતરિયાળ પ્રદેશોમાં વસતા લોકોના નસીબમાં એ ઔપચારિક (formal) ઉચ્ચ શિક્ષણ લેવાનું નિર્માયું ન હતું.

છેક 2003ના વર્ષમાં ભારતમાં આ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે નોંધાયેલો વિકાસ જેવોતેવો નથી. એ વર્ષે દેશમાં 300 યુનિવર્સિટીઓ હતી, જેમને સંલગ્ન કૉલેજોની સંખ્યા 16,000 હતી અને વિદ્યાર્થી-સંખ્યા થઈ હતી 80 લાખ. આટલો બધો સંખ્યાત્મક વિસ્ફોટ થયો હોવા છતાં, તેનો લાભ લેનારાં, વયજૂથ 18-23નાં યુવક-યુવતીઓ પૈકી ફક્ત 7 % જેટલાં જ જૂજ હતાં ! વિશ્વબૅંક અનુસાર નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોના વિકાસ માટે બે શરતો પૂરી કરવી અનિવાર્ય છે : (i) એમણે પ્રાથમિક શિક્ષણને નિ:શુલ્ક, ફરજિયાત અને સાર્વત્રિક બનાવવું જોઈએ. (ii) એમણે ઊંચી ગુણવત્તાવાળા ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. એ પૈકી, ઉચ્ચ શિક્ષણક્ષેત્રે, મુક્ત યુનિવર્સિટી(open university)નો ઉપાય સ્વીકારવો રહ્યો, દુનિયામાં અન્યત્ર પણ એ ઉપાય બીજા વિશ્વયુદ્ધ બાદ અજમાવવાની શરૂઆત થઈ. એ વખતે ઊભરી આવેલાં પરિબળોએ એમ કરવાની ફરજ પણ પાડી.

બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં, લાખોની સંખ્યામાં યુવાન લશ્કરી માનવબળ બેકાર બન્યું. તેને શિક્ષણ અને તાલીમ આપી ઉપયોગી કામધંધે લગાડવાની  નોબત આવી. યુરોપ-અમેરિકાની યુનિવર્સિટીઓએ એમને માટે મુક્ત શિક્ષણ (open learning) કે દૂરવર્તી શિક્ષણ(distance learning)ની વ્યવસ્થા કરી આપી. મોટી વયના લોકો માટે યુનિવર્સિટીઓનાં દ્વાર ખૂલી ગયાં.

એ અરસામાં જ જ્ઞાનવિસ્ફોટની ઘટના પણ ઘટી. અનેક નવી ટેક્નૉલોજીઓ અને જ્ઞાનની શાખાઓ વિકસી. મર્યાદિત જ્ઞાનપદાર્થ શીખવવા ટેવાયેલી બંધિયાર યુનિવર્સિટીઓ આ નવા પડકારને પહોંચવા સક્ષમ ન હતી. એ કામ કરવા બહાર આવી મુક્ત યુનિવર્સિટીઓ, જેમણે ઉદ્યોગો, વ્યાપાર-વણજનાં પ્રતિષ્ઠાનો, ખાનગી સંશોધન-સંસ્થાઓ, નિવૃત્ત નિષ્ણાતો વગેરેને જોતરી લઈ, નવી વિદ્યાઓનું મુક્ત શિક્ષણકાર્ય કરવા માંડ્યું.

એ જ્ઞાનવિસ્ફોટે નવા ધંધા-રોજગારનાં ક્ષેત્રો ખોલ્યાં. ટેક્નૉલોજી, મૅનેજમેન્ટ, ઇન્ફોર્મૅટિક્સ, ફાયનાન્સ, ટુરિઝમ વગેરે ક્ષેત્રો માટે શિક્ષિત કાર્યકરોની ફોજની જરૂર પડી. ફરી એ કાર્યમાં ચીલાચાલુ બંધિયાર યુનિવર્સિટીઓ વામણી પુરવાર થઈ. એ સાહસ ઉપાડી લીધું ઓપન યુનિવર્સિટીઓએ. અલબત્ત, એમનામાંથી પ્રેરણા મેળવી કેટલીક ચીલાચાલુ યુનિવર્સિટીઓએ બાહ્ય પરીક્ષાના અભ્યાસક્રમો, પત્રાચાર-કાર્યક્રમો જેવાં આંશિક મુક્ત શિક્ષણ કે દૂરવર્તી શિક્ષણનાં નવપ્રસ્થાનો (innovations) કરવા માંડ્યાં. બંધિયારને ખુલ્લા થવાનો આ તકાદો હતો !

ટેલિવિઝન પરના નિદર્શન દ્વારા શિક્ષણકાર્યનો પ્રયોગ

આ નવી પ્રક્રિયાને વેગ આપ્યો સમૂહસંચારનાં માધ્યમોએ. રેડિયો (1920), ટેલિવિઝન (1950), 16 મી.મી. ફિલ્મ (1930-80), ઑડિયો-કૉન્ફરન્સ (1970), કમ્પ્યૂટર (1980), ઇન્ટરનેટ (1995), અને એ સિલસિલામાં વિકસેલાં w.w.w., CD-ROM, Digital technology વગેરે મલ્ટિમીડિયા ઉપકરણોથી વિકસેલી I.C.T., એટલે કે માહિતી અને પ્રત્યાયનની ટેક્નૉલોજીએ, ચાર દીવાલો વચ્ચે થતા ઉપદેશાત્મક, શુષ્ક, નિર્જીવ અને બિનપ્રોત્સાહક બંદીવાન શિક્ષણની જગાએ મુક્ત શિક્ષણના પ્રસારણની સુવિધા કરી આપી. પરિણામે એકવીસમી સદીના આરંભે વિશ્ર્વભરમાં જ્ઞાન-આધારિત સમાજ (knowledge based society) ઊભો થવા માંડ્યો, જે મુક્ત વિદ્યાપીઠના શિક્ષણ દ્વારા એક વૈશ્વિક સદા શીખતો સમાજ (Global learning society) બનવા ભણી આગળ વધવા લાગ્યો.

એ દિશામાં બ્રિટને પહેલ કરી 1969માં એની મુક્ત વિદ્યાપીઠ (ou) સ્થાપી ને દુનિયાના દેશો માટે એ દૂરવર્તી શિક્ષણની માતૃસંસ્થા (Mother Open University) બની. એના ઝડપી વિકાસનો ખ્યાલ 2002ના આંકડા આપે છે. એ વર્ષે એમાં પાંચ લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. વળી, બ્રિટન સિવાયના 94 જેટલા દેશોના 25,000 વિદ્યાર્થીઓ એનું શિક્ષણ મેળવતા હતા.

બ્રિટનને પગલે પગલે, 1973માં ઈરાને એની Free University of Iran સ્થાપી. 1974માં Every man’s University of Israel સ્થપાઈ. પાકિસ્તાનની Allama Iqbal Open University 1974માં સ્થપાઈ. 1981માં શ્રીલંકાએ એની Open University of Sri Lanka સ્થાપી. ભારતમાં 1982માં આંધ્ર પ્રદેશની સરકારે રાજ્યકક્ષાની ખુલ્લી વિદ્યાપીઠ સ્થાપીને મુક્ત, દૂરવર્તી શિક્ષણની દિશામાં દેશને પ્રવેશ કરાવ્યો. 1985માં દેશની સંસદે ઇંદિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) સ્થાપવાનો કાયદો પસાર કરી રાષ્ટ્રકક્ષાએ ખુલ્લું શિક્ષણ આરંભ્યું. દેશના પ્રત્યેક રાજ્યમાં IGNOUનું એક-એક પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. ગુજરાતમાં એ કેન્દ્ર ગાંધીનગર-સરખેજ રોડ પર આવેલું છે. આ કેન્દ્ર દ્વારા ઇગ્નૂના અભ્યાસક્રમો, પ્રવેશના નિયમો, ધારાધોરણો, પરીક્ષાવ્યવસ્થા વગેરેને લગતી માહિતી આખા રાજ્યમાં પૂરી પાડવાની વ્યવસ્થા છે. આ કેન્દ્ર-રાજ્યમાં આવેલાં અભ્યાસકેન્દ્રો (Study centres) દ્વારા યુનિવર્સિટીના મુક્ત શિક્ષણના સઘળા વ્યવસ્થાપનની કામગીરી કરે છે. કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત દ્વારા તથા ટેલિફોન દ્વારા માર્ગદર્શનની ઘણી ઉમદા વ્યવસ્થા ઉપલબ્ધ છે.

ઇગ્નૂએ એની સ્થાપનાના બે દાયકામાં જ, દેશની ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં મુક્ત હવા, ઉષ્માભર્યા માનવસંબંધો, લચકદાર સંચાલન, નવા-નવા વિષયોમાં સાહસભર્યા અભિક્રમો, સમાજ પ્રત્યેની સંવેદનશીલતા, ખૂબ પ્રમાણભૂત અધ્યયન-સામગ્રીઓ, I.C.T. અને Multi-Mediaનાં અવનવાં ઉપયોજનો અને દેશના છેવાડાના ખૂણા સુધી પહોંચી જવાની ત્રેવડથી આગવી ભાત પાડી છે. વર્ષ 2003માં એના દફતરે દસ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા ! હવે તો એ વર્ષે- દા’ડે ત્રણ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. દેશ-પરદેશમાં એનાં અભ્યાસકેન્દ્રોની સંખ્યા 1,000થી પણ ઉપર થવા પામી છે. દુનિયાના બીજા 23 દેશોમાં એણે શિક્ષણસેવાઓ આપવા માંડી છે. એણે આશરે 500 જેટલા વિવિધ કક્ષાના – સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના – વિવિધ વિદ્યાશાખાઓના ખાસ કરીને મૅનેજમેન્ટ, ફાયનાન્સ, બાયોટેકનૉલોજી, સ્પેસ-સાયન્સ વગેરે જેવા અસામાન્ય વિષયોના અભ્યાસક્રમો દાખલ કર્યા છે. દિલ્હી ખાતેના એના વડા મથકે એણે વિશાળ સંકુલ ઊભું કરી અધ્યયન, અધ્યાપન, સંશોધન, સાધનનિર્માણ, ટેકનૉલોજી-વિનિમય, તાલીમ, આંતરરાષ્ટ્રીય આદાન-પ્રદાન વગેરેની અદ્યતન સુવિધાઓ ઊભી કરી છે. IGNOUનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં છે.

ઇગ્નૂએ દૂરવર્તી શિક્ષણક્ષેત્રે વિશ્વભરમાં એની આગવી ઓળખ ઊભી કરી છે. વિશ્વની કેટલીય આ ક્ષેત્રની સંસ્થાઓ સાથે તેણે સહયોગના કરાર (MOU) કરેલા છે. કૅનેડામાં આવેલ રાષ્ટ્રસમૂહની સંસ્થા Commonwealth of Learning (COL) દ્વારા ઇગ્નૂને Centre of Excellenceનો પુરસ્કાર મળેલ છે. ઇગ્નૂ એનું એક ઘણું સક્રિય, પ્રયોગશીલ સભ્ય પણ છે. તેથી જ તો તાજેતરમાં C.O.L. સંસ્થાએ 19 જેટલા રાષ્ટ્રસમૂહના દેશોના 100 જેટલા વિદ્યાર્થીઓને ઇગ્નૂના વિવિધ અભ્યાસક્રમો શીખવા ‘રાજીવ ગાંધી ફેલોશિપ’ એનાયત કરી છે. ઇગ્નૂની પ્રતિષ્ઠાએ તેને European Association of Distance Teaching Universities અને Asian Association of Open Universities સાથે સહકારના અનેક કાર્યક્રમોમાં સ્થાન અપાવ્યું છે.

ઇગ્નૂના સફળ પ્રયોગથી પ્રેરાઈને ભારતમાં રાજ્યકક્ષાએ કેટલીક મુક્ત વિદ્યાપીઠો સ્થપાઈ છે. આજ આવી નવ વિદ્યાપીઠો છે, જેની યાદી નીચે આપી છે :

(1) ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સિટી (આંધ્રપ્રદેશ)

(2) યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી (મહારાષ્ટ્ર)

(3) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (ગુજરાત)

(4) કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી (કર્ણાટક)

(5) ઉત્તરપ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી (ઉત્તરપ્રદેશ)

(6) મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સિટી (મધ્યપ્રદેશ)

(7) નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી (પશ્ર્ચિમ બંગાળ)

(8) કોટા ઓપન યુનિવર્સિટી (રાજસ્થાન)

(9) નાલંદા ઓપન યુનિવર્સિટી (બિહાર)

(10) તમિળનાડુ ઓપન યુનિવર્સિટી (તમિળનાડુ)

(11) પંડિત સુંદરલાલ શર્મા ઓપન યુનિવર્સિટી (છત્તીસગઢ)

(12) ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટી (ઉત્તરાખંડ)

(13) ક્રિષ્નકાંત સ્ટેટ ઓપન યુનિવર્સિટી (આસામ)

(14) ઓડિસા સ્ટેટ ઓપન યુનિવર્સિટી (ઓડિસા)

ભારતની ઓપન યુનિવર્સિટીનો વ્યાપ સતત વધતો જાય છે. એનો અંદાજ સ્ટુડન્ટ્સની સંખ્યા પરથી લગાવી શકાય. માધવ મેનન કમિટીના અહેવાલ મુજબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દેશના કુલ વિદ્યાર્થીઓમાંથી 25 ટકા વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાંથી પદવી મેળવે છે. આ ટકાવારી સતત વધતી જાય છે. 1985–86માં આ આંકડો માત્ર 10 ટકા હતો. 1990–91 સુધીમાં વધીને 15થી 17 ટકા થયો હતો. બીજા 20 વર્ષમાં એ સંખ્યા 25 ટકાને પાર થઈ ગઈ હતી.

ભારતમાં 2020 પ્રમાણે 1000 જેટલી યુનિવર્સિટી છે. એમાં કેન્દ્રીય યુનિવર્સિટીની સંખ્યા 54 છે. સૌથી વધુ 416 જેટલી સ્ટેટ યુનિવર્સિટી છે. 361 ખાનગી યુનિવર્સિટી છે. અંદાજે 2 કરોડ વિદ્યાર્થીઓ સ્નાતકની પદવી  મેળવે છે.

રાજ્યની યુનિવર્સિટીઓ ત્યાંની પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપતી હોય છે. ઇગ્નૂના સહકારમાં રહી તે ઇગ્નૂની અધ્યયનસામગ્રી, અભ્યાસક્રમો, ટેકનૉલોજી, માનવસંસાધન, અનુભવો, સંશોધન-તારણો વગેરેનો મુક્ત ઉપયોગ કરી શકતી હોય છે. વળી ઇગ્નૂની અભ્યાસકેન્દ્રોની વ્યવસ્થા જેવી જ વ્યવસ્થા તેમણે ઊભી કરી છે. પરિણામે ખુલ્લા દૂરવર્તી શિક્ષણના અદ્યતન કાર્યક્રમો ખૂબ જ ઓછા ખર્ચે જે તે રાજ્યના દરેક વયકક્ષાના લોકોને ઉપલબ્ધ થઈ શક્યા છે.

આમ તો પત્રાચાર પ્રકારની આંશિક મુક્ત શિક્ષણ-વ્યવસ્થા (Correspondence Courses Institutue [CCI]) દેશમાં દિલ્હી યુનિવર્સિટીએ સૌપ્રથમ 1962માં શરૂ કરી હતી. ત્યારપછી પંજાબી યુનિવર્સિટીએ આવી C.C.I. વ્યવસ્થા 1969માં શરૂ કરી હતી. આજે દેશની 300 યુનિવર્સિટીઓ પૈકી 108માં C.C.I.ની સગવડ ઉપલબ્ધ છે. કેટલીક યુનિવર્સિટીઓએ દૂરવર્તી શિક્ષણ-વિભાગો પણ શરૂ કર્યા છે. થોડાકમાં તો virtual classroom સ્વરૂપનું સર્વથા ઇન્ટરનેટ-આધારિત મુક્ત શિક્ષણ પણ દાખલ કરાયું છે. સાથે સાથે કેટલીક વિદેશી યુનિવર્સિટીઓએ પણ કેટલાક on-line અભ્યાસક્રમો ભારતમાં શરૂ કર્યા છે. આમ, વિવિધ પ્રકારના મુક્ત અને દૂરવર્તી શિક્ષણના પ્રયોગ થઈ રહ્યા છે. ખુલ્લું શિક્ષણ ગુણવત્તાવાળું હોય, દુનિયાના અન્ય દેશોના દૂરવર્તી શિક્ષણની સ્પર્ધામાં ઊભું રહી શકે એવું હોય અને એના લાભાર્થીઓને એમનાં ધંધા-ઉદ્યોગનાં કૌશલ્યોને ઉત્તરોત્તર વધુ ને વધુ ધારદાર બનાવવામાં મદદરૂપ બની શકે એવું હોય તેની ચોકસાઈ રાખવા ઇગ્નૂએ 1992માં Distance Education Council (D.E.C.) સ્થાપેલી છે. આ સંસ્થા દેશની ઓપન યુનિવર્સિટીઓ ઉપરાંત મુક્ત શિક્ષણક્ષેત્રે કામ કરતી અન્ય શિક્ષણસંસ્થાઓ વચ્ચે સંકલન સાધવા, તેમના કાર્યક્રમોની દેખરેખ રાખવા, તેમની ગુણવત્તા ઊંચી લાવવા અને શિક્ષણનાં ઊંચાં ધોરણો સ્થાપવા જાળવવાની કામગીરી કરે છે. વળી એ સંસ્થાઓને તે અનુદાન આપે છે તેમજ તેઓ સંશોધન, વિસ્તરણ, નિર્માણ અને તાલીમના પ્રૉજેક્ટો હાથ ધરી શકે તે માટે નાણાકીય સહાય પણ આપે છે.

ઓપન યુનિવર્સિટી-પ્રથા દુનિયામાં વિસ્તરી રહી છે, અને ભારતે એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી દુનિયા સાથે કદમ મિલાવવાં પડશે. એટલે જ તો ભારતના આયોજન પંચે દશમી યોજનાના મુસદ્દામાં મુક્ત શિક્ષણક્ષેત્રે યોજનાને અંતે 22 લાખ વિદ્યાર્થીઓને આ પ્રથામાં આવરી લેવા વિચાર્યું છે. ઇગ્નૂની સંશોધન-શાખાની ધારણા મુજબ વર્ષ 2010-2011માં એ યુનિવર્સિટી 42 લાખ જેટલા વિદ્યાર્થીઓને સમાવી લેવાનું વિચારી રહી છે. આમ કરવું આવશ્યક છે, કારણ કે વિકસિત દેશોએ ખુલ્લા, દૂરવર્તી શિક્ષણને ઘણું પ્રોત્સાહન આપવા માંડ્યું છે. કૅનેડામાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે 57 % જેટલી વિદ્યાર્થી-સંખ્યા 3,000 જેટલા on-line અભ્યાસક્રમોમાં વર્ષ 2003માં જોડાયેલી જોવા મળી છે. બ્રિટન જેવા નાના ટાપુ-દેશમાં જ કામ-ધંધો કરતા વયજૂથ 30-35ના પાંચ લાખ લોકો તેમનાં જ્ઞાન, કૌશલ્યો અને હુન્નરો સુધારવા ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ઑસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ લેનારાની 14 % સંખ્યા ઓપન યુનિવર્સિટી દ્વારા શિક્ષણ મેળવી રહી છે. અમેરિકામાં વર્ષ 2002માં બાવીસ લાખ વિદ્યાર્થીઓ દૂરવર્તી શિક્ષણ-કાર્યક્રમોમાં નોંધાયા હતા. અમેરિકાની ઔપચારિક યુનિવર્સિટીઓના 50 % જેટલા અભ્યાસક્રમો દૂરવર્તી પ્રથા નીચે શીખવવામાં આવી રહ્યા છે. એ દેશનાં 50 રાજ્યો પૈકીનાં 33 રાજ્યોમાં on-line શિક્ષણ આપતી virtual classroom પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે. એ દેશની ચાર અગ્રગણ્ય યુનિવર્સિટીઓ-હાર્વર્ડ, કૉર્નેલ, કોલંબિયા અને સ્ટેનફર્ડ-એ એમના અભ્યાસક્રમોને on-line મૂકી દઈ, વિશ્વભરમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવ્યા છે. આજે તો ભારતમાં વિદેશોની યુનિવર્સિટીઓએ વિવિધ રીતે એમના અભ્યાસક્રમોને મુક્ત અધ્યયન e-learning-માટે આપવા માંડ્યા છે.

આમ, વિશ્વભરમાં મુક્ત શિક્ષણનો પવન ફૂંકાઈ રહ્યો છે, જે એક સદા શીખતો સમાજ સર્જવામાં ખૂબ મદદગાર થશે. અલબત્ત, મુક્ત શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણની વ્યવસ્થા વ્યાપક થવાને કારણે ઔપચારિક, વર્ગખંડોમાં થતું, સન્મુખ શિક્ષણ (F2F) ન તો નિર્મૂળ થશે, ન તો અપ્રસ્તુત (Irrelevant) બનશે. ભારત જેવા ગરીબ દેશમાં બંનેને સ્થાન હશે. બંનેએ એકબીજાના પૂરક બનવું પડશે. સંસ્થાગત શિક્ષણમાં મુક્ત શિક્ષણની લવચીકતા, અનૌપચારિકતા, ઉદાર પ્રવેશ (Access), સમય અને સ્થળની સ્થિતિસ્થાપકતા, ટેક્નૉલોજીનાં ઉપકરણોની સરળ ઉપલબ્ધિ, અધ્યાપન અને પરીક્ષણમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને સરલતા વગેરે તત્વો આમેજ કરી, એ વ્યવસ્થાને એક ઉષ્માભર્યો માનવચહેરો [Warm Human Face] આપવો પડશે. એ રીતે મુક્ત શિક્ષણ-વ્યવસ્થાએ ઔપચારિક, સંસ્થાસ્થિત શિક્ષણવ્યવસ્થાની મનોવૈજ્ઞાનિક શિસ્ત, વ્યવસ્થાપનની નિયમબદ્ધતા અને ચોકસાઈ, શિક્ષણ-પરીક્ષણની શાસ્ત્રીય ગતિવિધિ, વર્ગખંડો અને પરિસરોમાં જોવા મળતો વ્યક્તિસંસ્પર્શ (personal touch), વ્યક્તિગત આદાન-પ્રદાન દ્વારા મૂલ્યસિંચન, ચારિત્ર્યઘડતર અને અંગત ફિલસૂફીનું આકારીકરણ વગેરે તત્ત્વો આમેજ કરવાં પડશે.

ભારતને આ દિશામાં ઘણુંબધું કરવાનો અવકાશ છે. ઓપન યુનિવર્સિટી, સંસ્થાગત ઔપચારિક યુનિવર્સિટીઓના સહયોગમાં, દેશના આમ જનને એક અદનો, સતત શીખતો, સતત પરિવર્તન પામતો, સતત એની ક્ષમતાઓને નવીનતમ રીતે પ્રગટ કરતો રહેતો, સુખી, સંતુષ્ટ અને ક્રિયાશીલ નાગરિક બનવામાં અવશ્ય સહાયરૂપ નીવડશે.

દાઉદભાઈ ઘાંચી