ઓપનહાઇમર, જુલિયસ રૉબર્ટ (જ. 22 એપ્રિલ 1904, ન્યૂયૉર્ક સિટી; અ. 18 ફેબ્રુઆરી 1967, પ્રિન્સ્ટન, યુ.એસ.) : પરમાણુ બૉમ્બના જનક, વિજ્ઞાનક્ષેત્રના વહીવટદાર (science administrator), અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી.

તેમના જર્મન વસાહતી પિતાએ કાપડની આયાત કરીને સારી સમૃદ્ધિ મેળવી હતી. ઓપનહાઇમર હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લૅટિન, ગ્રીક સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ઉપરાંત પૌરત્ય વિદ્યામાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરીને 1925માં સ્નાતક થયા. તેમના પ્રાધ્યાપકોમાં ભૌતિકશાસ્ત્રી બિજમેન અને તત્વજ્ઞાની વ્હાઇટહેડ હતા. આ પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીની કેવેન્ડિશ પ્રયોગશાળામાં દાખલ થઈને લૉર્ડ રૂથરફૉર્ડના નેતૃત્વ નીચે કાર્ય કરતા બ્રિટિશ વૈજ્ઞાનિકો સાથે પરમાણુ-બંધારણના સંશોધનકાર્યમાં જોડાયા. જર્મનીના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ને તેમને ગોટિન્જન યુનિવર્સિટીમાં બોલાવતાં તેમને નીલ્સ બોહર અને પોલ ડિરાક જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવવાની તક મળી. 1927માં 23 વર્ષની ઉંમરે તેણે ક્વૉન્ટમ યાંત્રિકી ઉપર સંશોધન કરીને ડૉક્ટરેટની પદવી મેળવી. અમેરિકા પાછા ફરીને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા (બર્કલી) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટી ઑવ્ ટેક્નૉલોજીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ સમય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિકારી વિચારોના પ્રાદુર્ભાવનો હતો. તેમનું સંશોધન ક્વૉન્ટમ સિદ્ધાંત, કૉસ્મિક કિરણો, પરમાણુ કેન્દ્રનું બંધારણ, અવપરમાણુક કણો, ન્યૂટ્રૉન વગેરેને લગતું હતું. આ વિષયમાં શિક્ષણ-સંશોધન કરીને તેમણે અમેરિકન ભૌતિકશાસ્ત્રીઓની એક પેઢીને તૈયાર કરી, જે તેમનાં નેતૃત્વ અને સ્વતંત્ર બુદ્ધિશક્તિ પર મુગ્ધ હતી.

જુલિયસ રૉબર્ટ ઓપનહાઇમર

યુરોપમાંથી નાસી આવેલ વૈજ્ઞાનિકોની માહિતીને આધારે આઇન્સ્ટાઇન અને લિયોઝિલાર્ડની સલાહ સ્વીકારીને અમેરિકન સરકારે પરમાણુ બૉમ્બ વિકસાવવાનું નક્કી કર્યું. આ અંગેની પ્રયોગશાળાની સ્થાપના થઈ તથા તેના વહીવટનું કામ ઓપન-હાઇમરને સોંપવામાં આવ્યું. 6 કરોડ ડૉલરના બજેટવાળી અને એક સમયે 4,500 કાર્યકરો (જેમાં ફર્મી અને બોહર જેવા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકો પણ હતા.) કામ કરતા હતા, તેવી મેનહટન યોજના લોસ એલેમોસ નામના સ્થાને સ્થાપવામાં આવી હતી. પરમાણુ બૉમ્બ માટે યુરેનિયમ-235 મેળવવાનું અને બૉમ્બનો વિસ્ફોટ શક્ય બને તે માટેનો જરૂરી ક્રાન્તિક જથ્થો (critical mass) નક્કી કરવાનું હતું.

આલ્માગોર્ડો એન. એમ. નામના સ્થળે 16 જુલાઈ 1945ના દિવસે પ્લૂટોનિયમ પ્રકારના પ્રથમ પરમાણુ બૉમ્બનો વિસ્ફોટ કરવામાં આવ્યો. પ્રચંડ શક્તિના પ્રાદુર્ભાવ સમયે ઓપનહાઇમર ગીતાના અગિયારમા અધ્યાયનો બારમો શ્લોક ગણગણી રહ્યા હતા. તેમણે પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું પછી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડીઝ(પ્રિન્સ્ટન યુનિ.)ના વડા તરીકે જોડાયા (1947-66). 1947-52 સુધી ઍટમિક એનર્જી કમિશનની સામાન્ય સલાહકાર સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી. આ પંચે 1949માં હાઇડ્રોજન બૉમ્બના વિકાસનો વિરોધ કર્યો હતો.

મેકાર્થી જ્યારે અમેરિકન કૉંગ્રેસના સેનેટર હતા ત્યારે ઠંડા યુદ્ધના કારણે કહેવાતા સામ્યવાદના પગપેસારા અંગે જે તપાસ શરૂ કરાઈ તેના છાંટા ઓપનહાઇમરને પણ ઊડ્યા અને તેમને જોખમરૂપ (security risk) ગણવામાં આવ્યા અને ઍટમિક એનર્જી કમિશનના સલાહકાર તરીકેનો તેમનો કૉન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો. જોકે તેમના ઉપર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો ન હતો.

તેમનો આખાબોલો સ્વભાવ, સંરક્ષણ વ્યૂહ અંગેના વિવાદાસ્પદ અભિપ્રાયો, દરેક પ્રકારનાં શસ્ત્રો ઉપરના અંકુશ માટેનો આગ્રહ વગેરે બાબતોએ આમાં ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. સરકારમાં કામ કરતા વૈજ્ઞાનિકોની ભૂમિકા સાથે સંકળાયેલાં નૈતિક અને રાજકીય મૂલ્યો સાથે આ તપાસના ગર્ભિતાર્થો સંબંધ ધરાવતા હોઈ વિજ્ઞાનજગતમાં મોટો ખળભળાટ થયો હતો. અમેરિકન વૈજ્ઞાનિકોના મંડળે આ તપાસનો ઘણો વિરોધ કર્યો હતો.

ઓપનહાઇમરને તેમના જમાનાના સૌથી વધુ પ્રભાવશાળી વૈજ્ઞાનિક ગણી શકાય. સાથીઓને ઉત્સાહિત કરીને એક જૂથ તરીકે તેમની પાસેથી કાર્ય લેવાની તેમનામાં અનોખી શક્તિ હતી.

1863માં ઍટમિક એનર્જી કમિશનનો એન્રિકો ફર્મી એવૉર્ડ પ્રેસિડેન્ટ જૉન્સને ઓપનહાઇમરને એનાયત કરીને તેમની પ્રતિષ્ઠાની પુન: સ્વીકૃતિ કરી. 1966માં પ્રિન્સ્ટનમાંથી નિવૃત્ત થયા અને ગળાના કૅન્સરથી 1967માં અવસાન પામ્યા.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ