ઓપન જનરલ લાયસન્સ (OGL) : પરદેશથી વસ્તુની આયાત માટે પરવાના સુલભ કરવાની જોગવાઈ. મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે ઊભી થયેલી સમસ્યાઓના નિરાકરણ માટે અને ખાસ કરીને પોતાના દેશનાં આર્થિક હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી, જેના ફળસ્વરૂપે આયાતો અંકુશિત બની. બધી જ આયાતોનું સ્વરૂપ એકસરખું હોતું નથી. કેટલીક આયાતો અનિવાર્ય હોય છે, તો બીજી કેટલીક આયાતો વિશિષ્ટ સંજોગોમાં બિનજરૂરી કે દેશનાં હિતોને હાનિકારક પણ હોઈ શકે. તેથી વસ્તુનું સ્વરૂપ, તેની અનિવાર્યતા, દેશના આંતરિક ઉત્પાદન પર તથા રોજગારી પર તેની સંભવિત અસરો વગેરેની સમીક્ષા કરી વિવિધ વસ્તુઓની આયાત અને આયાતવિસ્તારો અંગે નિયમન કરવા આયાતનીતિ નિર્ધારિત કરવામાં આવતી હતી. આયાતકારો માટે સરકાર પાસેથી આયાત પરવાના મેળવવા અનિવાર્ય હતા તેમ છતાં કેટલીક આયાતો માટે પરવાના સહેલાઈથી પ્રાપ્ત થતા હતા. તેને ઓપન જનરલ લાયસન્સ (OGL) કહેવામાં આવતું. આયાતનીતિ સરકાર જાહેર કરે ત્યારે તેમાં ઓપન જનરલ લાયસન્સ હેઠળ આવરી લેવાતી વસ્તુઓ અને વિસ્તારો તથા નિયમનો આપવામાં આવતાં હતાં. 1991 પછીનાં વર્ષોમાં આયાતો પરના અંકુશો ક્રમશ: નાબૂદ કરવામાં આવતાં એ પૂર્વેની આયાત-પરવાના પદ્ધતિનો અંત આવ્યો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે