ઓડ : સુદીર્ઘ પ્રકારનું અંગ્રેજી ઊર્મિકાવ્ય. મૂળ ગ્રીક શબ્દ oideનો અર્થ થાય છે ગાવું. પ્રાચીન ગ્રીસની નાટ્યભજવણીમાં કોરસ દ્વારા ઓડ ગવાતાં અને ગાવાની સાથોસાથ કોરસ નર્તન પણ કરતું. અનુરૂપ ભાવછટા તથા લયનું નર્તનશૈલીમાંથી અનુસરણ થતું હોવાથી તેનાં છંદ તથા પંક્તિની રચના સંકુલ બન્યાં છે. નર્તનશૈલીના આધારે તેમાં ત્રણ ઘટક હતા : સ્ટ્રૉફી એટલે કે નૃત્યની પદચારીની એક દિશામાં ગતિ; ઍન્ટિસ્ટ્રૉફી એટલે એથી ઊલટી ગતિ; અને ઇપોડ એટલે નર્તકોની સ્થિર સ્થિતિ. સ્ટ્રૉફી અને ઍન્ટિસ્ટ્રૉફીની છંદરચના એકસરખી હોય છે, જ્યારે સમાપન રૂપે આવતા ઇપોડમાં છંદયોજના બદલાય છે. પંક્તિઓનું જટિલ બંધારણ, તરી આવતું આકારવિધાન, શબ્દ અને શૈલીની ભવ્યતા તથા લાગણી અને વિચારોની ઉદાત્તતા એ તેની મુખ્ય વિશેષતા છે. ટૂંકમાં ઓડ ઉત્તમ અને અત્યંત મહત્વનો કાવ્યપ્રકાર મનાયો છે. સામાન્ય રીતે ઓડના બે પ્રકાર તારવી શકાય; દફનવિધિ, જન્મદિનની ઉજવણી કે રાજદરબારી પ્રસંગો માટે પ્રયોજાતાં બિન-અંગત ઓડ અને તીવ્ર મનોભાવ, વ્યક્તિગત લાગણીઓ અને આત્મલક્ષિતાની અભિવ્યક્તિ માટે રચાતાં અંગત પ્રકારનાં ઓડ. દેખીતી રીતે જ આ બીજા પ્રકારનાં ઓડ ચિંતનાત્મક બની રહેતાં, ટેનિસનનું ‘ઓડ ઑન ધ ડેથ ઑવ્ ધ ડ્યૂક ઑવ્ વેલિંગ્ટન’ એ બિન-અંગત પ્રકારના ઓડનું તથા કીટ્સનું ‘ઓડ ટુ અ નાઇટિંગેલ’ એ અંગત પ્રકારના ઓડનું ઉદાહરણ છે.
ઓડના વર્ગમાં મૂકી શકાય તેવાં કાવ્યોના રચનાકાર તરીકે સેફો (જીવનકાળ : ઈ. પૂ. 600) તથા અલ્કીઅસ(જીવનકાળ : ઈ. પૂ. 611-580)નો ઉલ્લેખ કરી શકાય. સેફોના ‘ઓડ ટુ ઍફ્રોડાઇટ’ અને અલ્કીઅસના ‘ઓડ ટુ કૅસ્ટર ઍન્ડ પૉલિડ્યુસીસ’ના કેટલાક અંશો ઉપલબ્ધ છે. ઓડ કાવ્યની પરંપરામાં સૌથી મહત્વનું નામ છે પિંડર(ઈ. પૂ. 522-442)નું. ગ્રીક રમતોત્સવના વિજેતાઓનું સન્માન વગેરે જેવા જાહેર પ્રસંગો નિમિત્તે મુખ્યત્વે લખાયેલાં આ ઓડમાં ગ્રીક નાટ્યમાં રૂઢ થયેલો ત્રિસ્તરીય રચનાબંધ અપનાવવામાં આવ્યો છે.
લૅટિનમાં ઓડ શબ્દ અને કાવ્યપ્રકાર હૉરેસ(ઈ. પૂ. 6508)ના સમય સુધી પ્રચલિત થયા ન હતા. પિંડરથી ઊલટું હૉરેસનાં ઓડ અંગત અને આત્મલક્ષી હતાં, એમાં પંક્તિરચના નિયમબદ્ધ અને છંદવૈવિધ્ય સીમિત હતાં, પણ પિંડર અને હૉરેસ બંને ઓડના જન્મદાતા ગણાય છે અને યુરોપમાં સાંસ્કૃતિક નવચેતના દરમિયાન આ કાવ્યપ્રકારનો વિકાસ થયો તેમાં એ બંનેનો પ્રબળ પ્રભાવ રહ્યો છે.
આ પ્રશિષ્ટ પ્રકારના ઓડને સૌપ્રથમ અપનાવ્યું દાન્તે અને ગિનિસેલી જેવા ઇટાલિયન કવિઓએ. ત્યાંથી તેની ખ્યાતિ યુરોપભરમાં ફેલાઈ ગઈ. સોળમી સદીના ઉત્તરાર્ધમાં અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડમાં ઓડ લખવાની ઘણા કવિઓએ કોશિશ કરી. સ્પેન્સરના ‘એપિથેલેમિયોન’ (1595) અને ‘પ્રોથેલેમિયોન’(1596)માં ઓડની વિશાલતા અને ભવ્યતા સંપૂર્ણત: પ્રગટ્યાં છે. વિલિયમ ડ્રમન્ડ ઑવ્ હૉથોર્નડન, સેમ્યુઅલ ડેનિયલ અને માઇકલ ડ્રેયટને, 16મી સદીના ઉત્તરાર્ધમાં ઓડ રચ્યાં છે. પરંતુ પિંડરિક પરંપરાનું ઓડ લખવામાં પ્રશંસનીય સફળતા મળી બેન જોન્સન(1572-1637)ને. તેમણે રચેલા ‘ઓડ ટુ સર લ્યુસિયસ કૅરી ઍન્ડ સર એચ. મોરિસન’(1629)માં નીચેની અતિખ્યાત પંક્તિઓ આવે છે : In small proportions we just beauties see; And in short measure, life may perfect be. જોન્સનથી ઊલટું અબ્રાહમ કાઉલી(1608-74)એ પોતાની રચનાઓને પિંડરિક ઓડ તરીકે ઓળખાવી ખરી, પણ મૂળ ગ્રીક રચનાબંધમાંથી સ્ટ્રૉફીની ગોઠવણનો છેદ ઉડાવી દીધો; વળી તેમની રચનાઓનાં છંદ, પંક્તિઓ તેમજ કડીઓમાં મોકળાશ અને વૈવિધ્ય પણ આસ્વાદવા મળ્યાં. આ મોકળાશ જ ડ્રાયડન (1631-1700) જેવા અનુગામી કવિઓ માટે પ્રેરક અને પ્રભાવક બની. ડ્રાયડને રચેલાં ચાર ઓડ ‘થ્રેનોડીઆ ઑગસ્ટાલિસ’ (1685), ‘ઓડ ટુ ધ મેમરી ઑવ્ મિસિસ એની કિલિગ્રુ’ (1686), ‘સોંગ ફૉર સેન્ટ સેસિલિયાઝ ડે’ (1687) તથા ‘ઍલેક્ઝાન્ડર્સ ફીસ્ટ’ (1697) અંગ્રેજી ભાષાનાં અતિ સુંદર ઓડ કાવ્યોમાં સ્થાન પામ્યાં છે. મિલ્ટને (1608-74) પોતાની કોઈ રચનાને ઓડ તરીકે ઓળખાવી નથી, પરંતુ ‘ઑન ધ મૉર્નિંગ ઑવ્ ક્રાઇસ્ટ્સ નેટિવિટી’ નામની તેમની રચનામાં ઓડની તમામ અપેક્ષા સારી રીતે સંતોષાય છે.
ઓડના રચનાબંધની સર્જનાત્મક શક્યતાઓ જોતાં અઢારમી સદીના કવિઓને આ કાવ્યસ્વરૂપ વિશેષ ફાવે છે. સ્વાભાવિક રીતે જ એ ગાળા દરમિયાન અનેક ગણનાપાત્ર ઓડ લખાયાં. લેડી વિનચિલ્સીઆ, પોપ (‘ઓડ ઑન સોલિટ્યૂડ’), કૉન્ગ્રીવ, આઇઝાક વૉટ્સ, એકિન્સાઇડ તથા યંગ જેવા કવિઓની રચનાઓમાં કૉલિન્સ, ગ્રે તથા અમુક અંશે કાઉપરનાં ઓડ ઑગસ્ટન યુગની યાદગાર રચનાઓ નીવડી. કૉલિન્સના ‘ઓડ ટુ ઇવનિંગ’, ‘ઓડ ટુ સિમ્પ્લિસિટી’ હોરેસની પરંપરામાં અને ‘ઓડ ટુ ફીઅર’, ‘ઓડ ટુ મર્સી’, ‘ઓડ ઑન ધ પોએટિકલ કૅરેક્ટર’ અને ‘ઓડ ટુ લિબર્ટી’ પિંડરિક પરંપરામાં રચ્યાં છે. ટૉમસ ગ્રેએ રચેલાં ‘ઓડ ઑન સ્પ્રિંગ’, ‘ઓડ ઑન અ ડિસ્ટન્ટ પ્રોસ્પેક્ટ ઑવ્ ઇટન કૉલેજ’, ‘ઓડ ઑન એડ્વર્સિટી’ અને ‘ઓડ ઓન ધ ડેથ ઑવ્ અ ફેવરિટ કૅટ’ નોંધપાત્ર છે. તેમનાં ‘ધ બાર્ડ’ અને ‘ધ પ્રોગ્રેસ ઑવ્ પોયેઝી’ પિંડરિક પરંપરાનાં ઓડ કાવ્યો છે.
ઓગણીસમી સદીમાં રોમૅન્ટિક કવિઓએ આ કાવ્યરૂપ અપનાવ્યું ખરું, પણ તે ગ્રીક લૅટિનના પ્રશિષ્ટ નમૂનાથી તદ્દન ભિન્ન બની રહ્યું અને એમાં ભાવ તથા લાગણીની અભિવ્યક્તિની પરાકોટિ સિદ્ધ થઈ. એનાં લાક્ષણિક ઉદાહરણરૂપે એસ.ટી. કોલરિજ(1772-1834)ના ‘ડીજેક્શન; ઍન ઓડ’ (1802), વિલિયમ વડર્ઝવર્થ(1770-1850)ના ‘ઓડ ઑન ઇન્ટિમેશન્સ ઑવ્ ઇમૉર્ટાલિટી ફ્રૉમ અર્લી ચાઇલ્ડહૂડ’ (1819) તથા ‘ઓડ ટુ ડ્યૂટી’ (1805) શૅલીના ‘ઓડ ટુ ધ વેસ્ટ વિન્ડ’ (1819) તેમજ જૉન કીટ્સ(1795-1821)નાં 6 ઉત્તમ ઓડનો ઉલ્લેખ કરી શકાય. એ છ ઓડ તે ‘ઓડ ઑન અ ગ્રેસિયન અર્ન’, ‘ટુ અ નાઇટિંગેલ’, ‘ટુ ઑટમ’, ‘ઑન મેલનકલી’, ‘ઑન ઇન્ડોલન્સ’ તથા ‘ટુ સાઇકી’.
નિશ્ચિત સમયગાળામાં આવાં મનોહર તથા અવિસ્મરણીય ઓડ કાવ્યોનું નક્ષત્રમંડળ રચાયા પછી, તેની આભા વિલાવા લાગી. ત્યારપછીની એકલદોકલ નોંધપાત્ર રચના તરીકે ટેનિસનના ‘ઓડ ઑન ધ ડેથ ઑવ્ ધ ડ્યૂક ઑવ્ વેલિંગ્ટન’ (1854), એલન ટેટના ‘ઓડ ટુ ધ કૉન્ફેડરેટ ડેડ’ તેમજ ડબ્લ્યૂ. એચ. ઑડનના ‘ઇન મેમરી ઑવ્ ડબ્લ્યૂ. બી. યેટ્સ’ અને ‘ઇન પ્રેઇઝ ઑવ્ લાઇમસ્ટોન’નો ઉલ્લેખ કરી શકાય. ઑડને હોરેસની પરંપરામાં બંને ઓડ લખ્યાં છે. ઉપરાંત રૉબર્ટ હેરિક, લેન્ડર, મૅથ્યૂ આર્નોલ્ડ, કૉવેન્ટ્રી પેટમોર, ફ્રાન્સિસ થૉમ્પસન અને એ. સી. સ્પિનબર્ન ઓડ કાવ્યોના નોંધપાત્ર કવિઓ છે.
ઇંગ્લૅન્ડ ઉપરાંત ઇટાલી, ફ્રાન્સ તથા જર્મનીમાં પણ ઓડનું ખેડાણ થયું છે. ઇટાલીમાં ઓડ કાવ્યોના રચયિતાઓમાં ટૅસો, ચિયાબ્રેરા, ટ્રિસિનિયો, મિન્તુર્નો અને અલમેનીનાં નામ મહત્વનાં ગણી શકાય. મેન્ઝોની, લીઓપાર્દી, કાર્દુસી અને દ’ અનુંઝિયોએ સરસ ઓડ લખ્યાં છે. ફ્રાન્સમાં રૉન્સાર્દનું પ્રકાશન ‘ધ ફર્સ્ટ ફોર બુક્સ ઑવ્ ઓડ્ઝ’ (1550) સુપ્રસિદ્ધ છે. ફ્રાન્સમાં બુવાલો, લામેર્તિન દ મુસેત અને વિક્ટર હ્યુગોએ ઓડ લખ્યાં છે. વર્લેન અને વાલેરીની ઓડરચનાઓ નોંધપાત્ર છે. જર્મનીમાં વેખર્લિન, ગટે, ક્લૉપ્સ્ટોક અને શિલર અને હૉલ્ડર્લિને ઓડ રચ્યાં છે.
કૃષ્ણવદન જેટલી
વિ. પ્ર. ત્રિવેદી