ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી) : તમિળના મધ્યકાલીન કવિ. એમની અસાધારણ કવિત્વશક્તિને કારણે વિદ્વાનોએ એમને ‘કવિચક્રવર્તી’ તથા ‘સર્વજ્ઞકવિ’ જેવી ઉપાધિઓ આપેલી. એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓમાં ‘ઇટ્ટિ એયુપંદુ’, ‘મૂવરઉલા’, ‘તક્કયાગ ભરણી’, ‘અરુંબૈ તોળ્ળાયિરમ્’, ‘ગાંગેયન નાળાવિર કોવૈ’, ‘કુલોતુંગન ચોળન પિપ્ળૈત્તમમિળ’ ઇત્યાદિ છે. ‘કમ્બ રામાયણમ્’ના ઉત્તરકાંડની રચના ઓટ્ટ કૂત્તરે કરી હતી એમ વિદ્વાનો માને છે. તેમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓ પૈકી ‘મુવર ઉલા’ ઉલા શૈલીમાં રચાયેલી કૃતિ છે. એમાં વિક્રમચોળ, એનો પુત્ર કુલોત્તુંગ ચોળ બીજો તથા પૌત્ર રાજરાજ ચોળ સંબંધી અનેક પ્રસંગો નિરૂપાયેલા છે. ‘તક્કયાગભરણી’ ભરણી શૈલીમાં રચાયેલું યુદ્ધકાવ્ય છે. એમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞનું તથા શંકરના તાંડવનૃત્યનું વર્ણન છે. ‘કુલોતુંગન ચોળ્ન પિપ્ળૈતમિળ’માં ચોળ રાજા કુલોતુંગનાં યુદ્ધો તથા વિજયોનું વર્ણન છે. જોકે ઓટ્ટ કૂત્તરની પૂર્વે પરિયાળ્વારે કૃષ્ણની બાળલીલાવિષયક અનેક પદોની રચના કરી હતી, પરંતુ નાયકની બાળલીલાઓનું વર્ણન કરવા માટે પ્રયોજેલી પિળ્ળૈ તમિળ શૈલીમાં એક સંપૂર્ણ રચના ઓટ્ટ કૂત્તરે જ આપી છે. એમની રચનાઓમાં ચોળ રાજાઓના શાસનકાળના ઉત્તરાર્ધ જોડે સંકળાયેલી પ્રચુર ઐતિહાસિક સામગ્રી સાંપડે છે.

કે. એ. જમના