ઓઝા, રમેશ વ્રજલાલ (‘ભાઈશ્રી’) (જ. 31 ઑગસ્ટ 1957, દેવકા) : ગુજરાત અને ગુજરાત બહાર ભાગવતરામાયણનું પારાયણ કરનારા વિદ્વાન કથાકાર. સમાજમાં ‘ભાઈશ્રી’ના નામથી વિખ્યાત. એમના પિતાનું નામ વ્રજલાલ કાનજીભાઈ ઓઝા. માતાનું નામ લક્ષ્મીબહેન. એમના પરિવારમાં તેઓ બીજું સંતાન હતા. જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ. કુટુંબ સંસ્કારી અને ધર્મપ્રિય. ભાઈશ્રી પછી બે પુત્રો અને બે પુત્રીઓનો જન્મ થયેલો. સહુમાં ભાઈશ્રી સાવ નોખા. બાળપણમાં એમની રમત પણ કથા કરવાની જ હતી !

રમેશ વ્રજલાલ ઓઝા (‘ભાઈશ્રી’)

રમેશભાઈ ઓઝાનું પ્રારંભનું શિક્ષણ રાજુલાની સંસ્કૃત પાઠશાળા ‘તત્ત્વજ્યોતિ’માં થયેલું. ત્યાં ઝાઝું ભણવાનું ન થયું. પછી ડુંગરમાં ભણ્યા. વળી માતા-પિતાને મુંબઈ જવાનું થતાં ભાઈશ્રીનું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ત્યાં થયું. અંગ્રેજી માધ્યમની કૉમર્સ કૉલેજમાં ભણતા ભાઈશ્રી એક તબક્કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા ઇચ્છતા હતા; પરંતુ એમનું મન તો કથાવાચક–કથાકાર બનવા તરફ ઢળેલું હતું. વળી એમના કાકા જીવરાજભાઈ ઓઝા જ્યાં કથા કરતા ત્યાં ભાઈશ્રી પહોંચી જતા. આમ ધીમે ધીમે કથાકાર થવાની એમની ભાવનાને પોષણ મળતું ગયું. ઈશ્વરદત્ત મધુર કંઠ એમની કથાકારની વૃત્તિમાં સહાયક થયો. આમ તો મિત્રો વચ્ચે માત્ર તેર વર્ષની વયે એમણે દેવકામાં કથા કરી હતી; પરંતુ અઢાર વર્ષની વયે મુંબઈમાં વ્યવસાયી કથા કરી, ત્યારે એમનો કૉલેજનો અભ્યાસ ચાલુ હતો. પછી તો એમણે અભ્યાસ કરતાં કરતાં કથાપારાયણને જ પ્રાધાન્ય આપ્યું. ક્રમશ: કથાપારાયણ એમની રુચિને અનુકૂળ બન્યું. સાંભળનાર પર એમની વાણીનો જાદુ છવાતો ગયો. ઈ. સ. 1987માં એમણે ત્રીસ વર્ષની વયે લંડનમાં કથા કરી ત્યારે એ કથા નિમિત્તે અઢી કરોડ રૂપિયા એકત્રિત થયા હતા. આવી માતબર રકમ એમણે માનવકલ્યાણ અર્થે વાપરવાનો અભિગમ અપનાવીને ગુજરાતમાં આંખની અદ્યતન ચાર હૉસ્પિટલોનું નિર્માણ કર્યું. સમષ્ટિ અર્થે કશુંક કરવું એ એમની નિસબત રહેલી છે.

‘ભાઈશ્રી’ની કથાકાર તરીકેની પ્રતિભાની પુરસ્કૃતિ પણ થઈ. સંતો-મહંતો ને સમાજ દ્વારા તેઓ ‘ભાગવતાચાર્ય’, ‘ભાગવતભૂષણ’, ‘ભાગવતરત્ન’ જેવી પદવીઓથી વિભૂષિત થયા છે. કથાપારાયણની સમાન્તરે એમણે ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સ્થાપીને તપોવનકાલીન સંસ્કૃતિનો પરિચય કરાવતું સાન્દીપનિ વિદ્યાનિકેતન ઊભું કર્યું છે. એ વિદ્યાનિકેતનની ઓળખ ‘ભાઈશ્રી’એ ‘જ્ઞાનાર્થ પ્રવેશ’ અને ‘સેવાર્થ પ્રસ્થાન’  એમ આપી છે તે યથાર્થ બની છે. ‘ભાઈશ્રી’ સાચા અર્થમાં ધાર્મિક નેતા છે અને તેથી ‘હિન્દુઝમ ટુડે’ દ્વારા તેઓ ઈ. સ. 2006માં ‘Hindu of the Year’ ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. આ સન્માન એમની કથાકાર તરીકેની અપૂર્વ સિદ્ધિ લેખાય. જેમ પ્રાચીન વૈદિક પદ્ધતિના શિક્ષણ સાથે તેમ આધુનિક શિક્ષણ સાથે પણ તાલ મેળવવાનું ‘ભાઈશ્રી’ સમુચિત માને છે. એમની સામાજિક સેવાની પ્રવૃત્તિ સતત ચાલે છે. એમના ટ્રસ્ટ દ્વારા સંન્યાસી, વિદ્વાન ને પરમાર્થી શ્રેષ્ઠીને ઍવૉર્ડ અપાય છે. તેઓ ‘હિન્દુ ધર્મ વિશ્વકોશ’ના પ્રચારક, પ્રસારક ને પેટ્રન છે. એમણે ‘સત્સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ’ની સ્થાપના કરીને ધાર્મિક સાહિત્ય પ્રકાશિત કર્યું છે. આ ટ્રસ્ટ દ્વારા ‘તત્ત્વદર્શન’ નામક સામયિક પ્રસિદ્ધ થાય છે; જેના થકી સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનો પ્રચાર થાય છે. આધુનિક સમૂહ-માધ્યમને અનુકૂળ વીડિયો કેસેટ પણ આ ટ્રસ્ટ બનાવે છે.

રામકથાના મર્મજ્ઞ અને ભાગવતના રહસ્યલોકના ઉદગાતા ‘ભાઈશ્રી’ આજે દેશના સુપ્રસિદ્ધ કથાકાર છે. તેમની વાણીમાં સૌને પ્રભાવિત કરે તેવાં સહજતા અને સમભાવ છે.

પ્રફુલ્લ રાવલ