ઓઝા, મૂળજીભાઈ આશારામ (‘ભરથરી’) (જ. ; અ. 31 ઑગસ્ટ 1919, વડોદરા) : ‘આર્યસુબોધ નાટક મંડળી’થી રંગમંચ પર અભિનયની શરૂઆત કરી. ‘ભર્તૃહરિ’માં ભર્તૃહરિ (1880), ‘ચાંપરાજ હાડો’માં ચાંપરાજ (1887), ‘રાણકદેવી’માં સિદ્ધરાજ (1891), ‘જગદેવ પરમાર’માં શ્રીધર પાળ (1892), ‘ત્રિવિક્રમ’માં સુભટ સેન (1893), ‘ચંદ્રહાસ’માં કૌતલરાય (1894), ‘વીરબાળા’માં જયસિંહ (1896), ‘દેવયાની’માં કમલાકર (1899), ‘સતી અનસૂયા’માં ઇન્દ્ર (1908), ‘સુકન્યા-સાવિત્રી’માં યયાતિ (1910) વગેરે નાટકોમાં વિવિધ પાત્રોમાં ભાવસભર ભૂમિકાઓ ભજવી રંગમંચ પર પ્રતિષ્ઠા પામ્યા.

મૂળજીભાઈ આશારામ ઓઝા

‘ભર્તૃહરિ’ નાટકમાં ભર્તૃહરિ(ભરથરી)ની ભૂમિકામાં તેમનો ભાવવાહી અભિનય જોઈ પ્રેક્ષકો રડી ઊઠતા અને એવું પણ કહેવાય છે કે કોઈક કોઈક પ્રેક્ષકે તો એમના ભાવવાહી અભિનયની અસર હેઠળ સંસારત્યાગ પણ કરેલો. આ જ કારણસર તેઓ પણ પછી ‘ભરથરી’ તરીકે ઓળખાયા. ‘ભરથરી’ના પાત્રમાં તેઓ પગમાં સોનાનો તોડો પહેરતા હતા.

અનેક અભિનેતાઓને નાટ્યકલાનું શિક્ષણ આપી તેમણે એમનો નટદેહ ઘડ્યો હતો. એમાંના કેટલાક અભિનેતાઓએ માલિકીની નાટ્યસંસ્થાઓ કરી હતી; જેમ કે, નાનામોટા ત્રંબકે ‘શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક મંડળી’, લવજી ‘સુરદાસે’ ‘સૂરવિજય નાટક મંડળી’, પ્રાણશંકર આચાર્યે ‘આર્યવિજય નાટક સમાજ’, અલારખા મીરે ‘સોરઠ ભાગ્યોદય નાટક મંડળી’, ગોવિંદજી પ્રાણજીવન ભટે ‘નરહરિ પ્રાસાદિક નાટક મંડળી’.

મૂળજીભાઈ મુત્સદ્દી હતા. સંસ્થામાં કોઈ પણ કલાકાર નાટ્યલેખકને વિશેષ કીર્તિ મળ્યા પછી સંસ્થામાં તે લાંબો સમય ના રહે એ માટે સદૈવ સજાગ રહેતા. તેઓ ઉત્તમ કોટિના દિગ્દર્શક હતા. થોડાંક નાટકો પણ લખ્યાં હતાં. એમના દિગ્દર્શનવાળાં નાટકો મહદ્અંશે મુંબઈ અને વડોદરામાં ભજવાયાં હતાં.

‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’ના માલિક અને નાટ્યલેખક વાઘજી આશારામ ઓઝા તેમના મોટા ભાઈ હતા. બંને બંધુઓએ સંસ્કારલક્ષી નાટકો ભજવી કલાપ્રેમીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમણે ગુજરાતી રંગભૂમિનું ગૌરવ વધાર્યું.

ધીરેન્દ્ર સોમાણી