ઓઝા, પ્રતાપ (જ. 20 જુલાઈ 1920) : નૂતન ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતી નટ અને દિગ્દર્શક. રંગભૂમિપ્રવૃત્તિનો પ્રારંભ 1937થી ગુજરાત કૉલેજ અમદાવાદથી. પારિવારિક વાતાવરણ રાષ્ટ્રપ્રીતિ તેમજ સંસ્કારપ્રીતિનું હોઈ તેમનામાં અંકુરિત થયેલી ભાવનાઓ અમદાવાદ-મુંબઈના શિક્ષણ તથા સંસ્કાર-પ્રવૃત્તિઓના કાર્યે મુક્તપણે વિકસી. તેમણે 1943થી 1948 દરમિયાન ધી ઇન્ડિયન પીપલ્સ થિયેટરમાં સક્રિય રસ લીધો. 1948થી 1960 દરમિયાન ‘રંગભૂમિ સંસ્થા’એ તેમને પૂર્ણતયા ખીલવાની તક આપી. એમાં નૃત્યાચાર્ય યોગેન્દ્ર દેસાઈનો પણ સહકાર 1960થી મળતો રહ્યો. વળી સિનેસૃષ્ટિના નિર્માતા-દિગ્દર્શક ચેતન આનંદે ‘સાબરમતી આશ્રમ’ના ધ્વનિ-પ્રકાશવાળા ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં તેમના અવાજની મદદ લીધી.

પ્રતાપ ઓઝા

તેઓ આકાશવાણીના ખૂબ જ જાણીતા કલાકાર છે. 1940થી દૂરદર્શનની રજૂઆતો શરૂ થઈ ત્યારથી તેમાં પણ તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક રહ્યું છે. તેમણે ‘દીવાલ વગરના સંનિવેશો’વાળા નાટ્યપ્રયોગો કરવાની હિંમત પણ દાખવી છે. વળી અજિત શેઠના સહકારમાં રહી ગુજરાતી સાહિત્યની કૃતિઓને લોકસમાજ સુધી લઈ જવામાં તેમનો સહકાર ઉલ્લેખનીય છે. તેમણે જેમ નાટ્યજગત તેમ સિનેજગતમાંયે પદાર્પણ કરેલું છે.

પ્રતાપભાઈએ કનૈયાલાલ મુનશીના ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’માં સુંદર અભિનય આપેલો. તેમણે ઇપ્ટામાં 1948 સુધી અલી સરદાર જાફરી, કે. એ. અબ્બાસ, બલરાજ સહાની, દેવ આનંદ વગેરે સાથે રહી હિન્દી-ઉર્દૂ નાટકોમાં પણ સફળ રીતે અભિનય રજૂ કરેલો. તેમણે કેટલોક સમય નટમંડળમાં રસિકલાલ પરીખ અને જયશંકર (‘સુંદરી’) સાથે પણ કામ કર્યું હતું. તેઓ અનેક નાટ્યસ્પર્ધાઓમાં નિર્ણાયક તેમજ અનેક નાટ્યશિબિરોના સંચાલક પણ રહેલા. તેમના દ્વારા દિગ્દર્શિત ‘મૃચ્છકટિક’ તેમજ ‘નરબંકા’ને મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધામાં પારિતોષિકો મળ્યાં હતાં.

પ્રતાપભાઈની નાટ્યપ્રતિભા અનેકધા પુરસ્કૃત થઈ છે. 1966માં વડોદરાની ત્રિવેણી સંસ્થાએ, તો 1980માં ગુજરાત સરકારે ‘ગૌરવ પુરસ્કાર’થી અને 1981માં બૃહદ્ મુંબઈ નગરપાલિકાએ તો ફેલોશિપ ટ્રસ્ટ, ફાઇન આટર્સ સર્કલ વગેરેએ તેમનું સન્માન કરેલું. તેમણે પચાસેક નાટકોમાં ભાગ લઈ રંગભૂમિની ઉમદા સેવા કરેલી છે. ‘અલ્લાબેલી’, ‘નરબંકા’, ‘શાહજહાં’ (ગુજરાતી તેમજ ઉર્દૂ), ‘જેસલતોરલ’, ‘મૃચ્છકટિક’, ‘પરિવર્તન’, ‘આણલદે’, ‘ઢિંગલીઘર’, ‘વેવિશાળ’, ‘ધરાગુર્જરી’, ‘વડ અને ટેટા’, ‘દસ મિનિટ’, ‘મધુ બંસરી’, ‘કલ્યાણી’, ‘પાટણની પ્રભુતા’, ‘ગાડાનો બેલ’, ‘વડીલોના વાંકે’, ‘પલ્લવી પરણી ગઈ’, ‘સુમંગલા’, ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’, ‘મળેલા જીવ’, ‘આગગાડી’, ‘ધૂપસળી’, ‘શબરી’ (હિન્દી), ‘ઝુબૈદા’ (ઉર્દૂ) વગેરે નાટકોને પોતાની નાટ્યપ્રતિભાથી અજવાળ્યાં હતાં. તેમણે રંગભૂમિને પોતાના પ્રથમ પ્રેમપાત્ર તરીકે બિરદાવી છે.

હસમુખ બારાડી

ચન્દ્રકાન્ત શેઠ