ઓઝા, ત્ર્યંબકલાલ મ. (જ. 1907, ધ્રાંગધ્રા; અ. ) : રસાયણશાસ્ત્રના ગુજરાતના અગ્રણી અધ્યાપક તથા સંશોધક. સામાન્ય કુટુંબમાં જન્મ. મેટ્રિક સુધી વતનમાં અભ્યાસ કરી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ત્યાંથી સ્નાતક, અનુસ્નાતક અને ડૉક્ટરેટની ઉપાધિ (અકાર્બનિક રસાયણ) મેળવીને તે જ કૉલેજમાં 1937થી ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. સરકારી નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને વ્યાખ્યાતા, પ્રાધ્યાપક અને આખરે 1960માં જામનગરની ડી. કે. વી. કૉલેજના આચાર્ય બન્યા. ત્યાંથી 1962માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ યુ.જી.સી.ની મદદથી વિસનગરની કૉલેજમાં માનાર્હ પ્રાધ્યાપક તરીકે પાંચ વર્ષ સેવા આપી.

ભૌતિક રસાયણના તે સમયના તેઓ અગ્રણી અધ્યાપક હતા. સાથે સાથે અકાર્બનિક રસાયણના સંશોધનમાં પણ ખૂબ રસ લેતા. ટાંચાં સાધનો હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ડૉક્ટરેટની ઉપાધિ માટેના સંશોધનમાં શિક્ષક તરીકે સહાય અને માર્ગદર્શન તેમણે આપ્યાં છે. તેમના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર આલ્કલી તથા આલ્કલાઇન મૃદા (earth) ધાતુઓના નાઇટ્રેટ, નાઇટ્રાઇટ તથા હાઇપોનાઇટ્રાઇટ ક્ષારોના વિઘટનની ક્રિયાવિધિ(mechanism)ને લગતું હતું. આવા ક્ષારોનું ઉષ્માવિઘટન કરીને તેમાંથી ઉત્પન્ન થતા વાયુઓને શૂન્યાવકાશની મદદથી અલગ કરી તેમનું પૃથક્કરણ કરીને વિઘટનપ્રક્રિયાના પ્રક્રમો સ્થાપિત કર્યા, જેથી તે વિષયના કેટલાક પ્રચલિત ખયાલો સુધર્યા. તેમણે ભારતમાં જ તાલીમ મેળવેલી છતાં સ્વબળે અને કુશાગ્ર બુદ્ધિથી સંશોધનક્ષેત્રે દેશવિદેશમાં આદર પામ્યા છે. તેમના સંશોધનની કદરરૂપે 1955માં તેમને ઇંગ્લૅન્ડના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીના ફેલો ચૂંટવામાં આવેલા.

લ. ધ. દવે