ઓઝા, જયન્તીલાલ દેવશંકર (જ. 25 જુલાઈ 1907; અ. 16 ફેબ્રુઆરી 1981) : ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્ અધ્યાપક. મુખ્ય વિષય વનસ્પતિવિજ્ઞાન સાથે 1929માં ફરગ્યુસન કૉલેજ, પુણેમાંથી સ્નાતકની પદવી મેળવી. 1932માં પ્રા. એસ. એલ. અજરેકરના માર્ગદર્શન નીચે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ‘A study of fungus parasites of Tinospora cordifolia miels’ (ગળો) ઉપર સંશોધનનિબંધ લખીને મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરેલી.

જયન્તીલાલ દેવશંકર ઓઝા

1930-38 દરમિયાન મુંબઈની બી. જે. મેડિકલ સ્કૂલમાં જીવવિજ્ઞાનના ટ્યૂટર તરીકે રહ્યા પછી ગુજરાત કૉલેજમાં જીવવિજ્ઞાનના અધ્યાપક તરીકે કારકિર્દીનાં મંડાણ કર્યાં. 1965માં પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ મળી.

નિવૃત્તિ બાદ તે અમદાવાદ આટર્સ અને સાયન્સ કૉલેજમાં આચાર્ય તરીકે અને પછી સાયન્સ કૉલેજ, ખંભાતમાં તેમજ સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે હતા. 1975માં નિવૃત્ત થયા હતા.

‘પ્રકૃતિ’ અને ‘કુમાર’ સામયિકોમાં ‘આપણી વનસ્પતિઓ’ લેખમાળા તેમણે લખી હતી. તેમના લેખોએ એ વિષયમાં પ્રજાનો રસ જાગ્રત કર્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનાં પાઠ્યપુસ્તકોમાં પણ વૈજ્ઞાનિક લેખો લખેલા. ગુજરાત યુનિવર્સિટી તરફથી પ્રગટ થતી વિજ્ઞાનશ્રેણીમાં ‘વનસ્પતિવિજ્ઞાન’ ગ્રંથનું તેમણે સહસંપાદન કર્યું હતું. તેમના લેખસંગ્રહ ‘વૃક્ષ અને વેલી’ને રાજ્ય સરકારનું રૂ. 2,000નું પારિતોષિક એનાયત થયું હતું.

તે આદર્શ વિદ્યાવ્યાસંગી શિક્ષક તરીકે શિક્ષણક્ષેત્રમાં પ્રતિષ્ઠા પામ્યા હતા. વિષયની ર્દઢ પકડ અને તેની સ્પષ્ટ તેવી જ સુવ્યવસ્થિત રજૂઆત એ તેમની વિશિષ્ટતા હતી.

પોતાના વિશાળ અનુભવના પરિપાકરૂપે ‘ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન બાયૉલોજી ઇન ગુજરાત’ તથા ‘સૂવેનિયર સેમિનાર ઑન સાયન્સ એજ્યુકેશન ઍન્ડ નૉનવાયોલન્સ’ એ બે નિબંધો સી. કે. શાહ સાથે 1969માં રજૂ કર્યા હતા.

ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષકોની બે-ત્રણ પેઢીના ઘડતરમાં તેમનો અગ્ર હિસ્સો રહેલો છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ