ઓઝા, ઘનશ્યામભાઈ (જ. 25 ઑક્ટોબર 1911, ઉમરાળા; અ. 12 જુલાઈ 2002, અમદાવાદ) : સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી. પિતા છોટાલાલ અને માતા સવિતાબહેન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પમાં (સુરેન્દ્રનગર) લીધું. હાઇસ્કૂલના આચાર્ય મગનભાઈ દેસાઈ તથા શિક્ષક વી. વી. મહેતાની અસર. રાષ્ટ્રીય ભાવનાનું મહેતાએ સિંચન કર્યું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર સાથે બી.એ. સુધીનું શિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. કૉલેજકાળ દરમિયાન વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિના પ્રમુખ હતા. એલએલ.બી.નો અભ્યાસ મુંબઈમાં કર્યો.

ઘનશ્યામભાઈ ઓઝા

1930-31ની મીઠાના કાયદાની સવિનય ભંગની ચળવળમાં વિરમગામમાં ભાગ લીધો. 1931માં ભાવનગરના ત્રિવેદી કુટુંબની પુત્રી રમાબહેન સાથે લગ્ન કર્યું. વઢવાણ કૅમ્પમાં પિતા સાથે રહી વકીલાત શરૂ કરી. રાજકોટ સત્યાગ્રહનું સંચાલન તેમણે બહાર રહીને સંભાળ્યું હતું. વજુભાઈ શુક્લ, ઇસ્માઇલ હીરાણી વગેરે તેમના સાથીદારો હતા. રાજકોટમાં તેમણે હરિજન અને કામદાર પ્રવૃત્તિમાં રસ લીધો હતો અને હરિજન કામદારોનું મંડળ સ્થાપ્યું હતું. લીંબડીની લડતમાં તેમણે ભાગ લીધો હતો.

ભાવનગર રાજ્યમાં જવાબદાર તંત્રના પ્રધાનમંડળમાં તે ગૃહ ખાતાના પ્રધાન હતા. 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ઉછરંગરાય ઢેબરના મંત્રીમંડળમાં તેમણે શિક્ષણ અને મજૂર ખાતાં સંભાળ્યાં હતાં. ભારતની લોકસભામાં પ્રથમ સુરેન્દ્રનગરના અને પછી રાજકોટના પ્રતિનિધિ તરીકે અનુક્રમે 1957 અને 1971માં ચૂંટાયા હતા. 1967માં તેઓ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં દસાડા મતવિસ્તારમાંથી ઊભા રહ્યા હતા, પણ તેમાં તેમની હાર થયેલી. ઇન્દિરા ગાંધીના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમણે ઉદ્યોગખાતું એકાદ વરસ સંભાળ્યું હતું. ઇન્દિરાજીના કહેવાથી 1972માં તેમણે ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રીપદ સ્વીકાર્યું હતું અને દહેગામની વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા.

1973માં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ એક વર્ષ ખાદી બૉર્ડના અધ્યક્ષપદે તથા 1978થી 1984 સુધી રાજ્યસભાના સભ્યપદે રહ્યા. આ સાથે જન્મભૂમિ ગ્રૂપ ઑવ્ ન્યૂઝ પેપર્સના ચૅરમૅન ટ્રસ્ટી તરીકે 1997 સુધી સેવાઓ આપેલી. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી તથા આરોગ્ય સોસાયટીના અધ્યક્ષ રહ્યા. જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉપર્યુક્ત સામાજિક સંસ્થાઓમાંથી તેમણે 1997થી નિવૃત્તિ લઈને જાહેરજીવનની પ્રવૃત્તિઓનો વ્યાપ સંકેલી સાચી નિવૃત્તિ માણી હતી.

કેદારનાથજી તથા કૃષ્ણમૂર્તિના વિચારોની તેમના ઉપર ગાઢ અસર હતી. તેમણે ચીન વિશે ઊંડો અભ્યાસ કર્યો હતો અને ચીનની સરકારના આમંત્રણથી તે દેશનો ત્રણ અઠવાડિયાંનો પ્રવાસ કર્યો હતો.

શિવપ્રસાદ રાજગોર