ઓખોટસ્કનો સમુદ્ર : જાપાનની ઉત્તરે પ્રશાંત (પૅસિફિક) મહાસાગરનો આશરે 15.38 લાખ ચોકિમી.નો જળરાશિ વિસ્તાર ધરાવતો સમુદ્ર. ઉત્તર ધ્રુવની નજીક આવેલો હોવાથી તે વર્ષનો મોટો ભાગ બરફાચ્છાદિત રહે છે. આ સમુદ્રની ઈશાન દિશામાં સાઇબીરિયા, કામચટકાનો દ્વીપકલ્પ તેમજ કુરાઇલ ટાપુઓ પથરાયેલા છે, જ્યારે તેની દક્ષિણે વિશાળ સખાલિન ટાપુ તેમજ દૂર જાપાન દેશ આવેલો છે.
સોવિયેત રશિયાના માગાદાન અને કોસૉકોવ જેવાં બંદરો આ સમુદ્રના કિનારે આવેલાં છે. સીલ અને વહેલ જેવી પ્રોટીનસભર વિશાળકાય માછલીઓના કેન્દ્ર તરીકે આ સમુદ્ર જાણીતો છે.
મહેશ મ. ત્રિવેદી