ઓક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેગેસી કુળની વનસ્પતિ. આ વનસ્પતિઓને Quercus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે; જેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ઊંચા પર્વતો ઉપર થાય છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ હિમાલયની ગિરિમાળામાં થાય છે, જે પૈકી મોટાભાગની સદાહરિત છે. તેની જાણીતી જાતિઓમાં Quercus coccinea Muenchh (સિંદૂરી ઓક), Q. dilatata Lindl. ex Royle (લીલો ઓક), Q. glauca Thumb. (વાદળી જાપાની ઓક), Q. ilex Linn. (હોલી અથવા હોલ્મ ઓક), Q. infectoria Olivier (ગોલ ઓક), Q. palustris Muenchh (પીન ઓક), Q. rubra L. (લાલ ઓક), Q. semecaprifolia Sm. (ખર્શુ ઓક, હિમાલયનો બદામી ઓક) અને Q. suber Linn.(કૉર્ક ઓક)નો સમાવેશ થાય છે. ઉપરાંત, કોર્ડ ઑવ્ તુર્કી ઓક, સંસાઇલ ઓક, ઇંગ્લિશ ઓક, હંગેરિયન ઓક, ડાઉની ઓક અને અલ્જેરિયન ઓક જેવી અનેક જાતિઓ સુશોભન-વૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે. તેઓ મુખ્યત્વે ભૂમધ્ય પ્રદેશની મૂલનિવાસી છે.

ઓક : પર્ણ અને પુષ્પ

વિવિધ જાતિઓ પ્રમાણે તે નાના ક્ષુપથી માંડીને 50 મીટરથી વધારે ઊંચું વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. તેમનાં પર્ણોના આકારમાં વિવિધતા હોય છે. મોટેભાગે દંતુર અથવા ખંડિત સાદાં પર્ણ હોય છે. નર-પુષ્પો 6થી 12 પુંકેસરવાળાં અને માદા-પુષ્પો 3થી 6 સ્ત્રીકેસરવાળાં હોય છે. પરાગનયન પવન દ્વારા થાય છે. તે એકબીજમય પ્યાલા આકારના નિચક્ર(involucre)માં ગોઠવાયેલું લંબગોળ કાષ્ઠફળ (nut) ધરાવે છે. પુષ્પનિર્માણ મે-જૂનમાં અને ફળનિર્માણ ઑક્ટોબરમાં થાય છે.

(અ) લીલો ઓક (Quercus dilatata), (આ) ખર્શુ ઓક
(Q. semecaprifolia).

લીલા ઓકનું રસકાષ્ઠ (sapwood) ભૂખરું અને પાતળું હોય છે; જ્યારે અંત:કાષ્ઠ આછા રતુંબડા રંગથી માંડી આછા ભૂખરા બદામી રંગનું હોય છે અને તેમાં ઘેરી રેખાઓ આવેલી હોય છે. તે વજનમાં ભારે (વિ. ગુ. 0.91, વજન 910 કિગ્રા.થી 960 કિગ્રા./ઘમી.), ઘણું ર્દઢ, મજબૂત, સ્થિતિસ્થાપક, સુરેખ-કણિકામય (straight-grained) અને વિષમ-ગઠિત (uneven-textured) અને ઉપચાર (treatment) પછી વધારે ટકાઉ હોય છે. તેના પર કીટકો કે ફૂગ ખાસ આક્રમણ કરી શકતાં નથી. તેનું સંશોષણ (seasoning) તથા તેના પર કરવતકામ અને સુથારી કામ કરવાં અઘરાં હોય છે.

લીલા ઓકના કાષ્ઠનો મકાન-બાંધકામમાં અને ખેતીવાડીનાં સાધનો, સ્લીપર, કુહાડી અને છત્રીના હાથાઓ, ચાલવા માટેની લાકડીઓ, વળો (pole), ભારે પૈડાંઓના આરા અને પીપ બનાવવામાં ઉપયોગ થાય છે. આયાતી (imported) ઓકની અવેજીમાં તે વપરાય છે. તેમાંથી દારૂ બનાવવાનાં નાનાં પીપ બનાવવામાં આવે છે. તેનું કાષ્ઠ બળતણ માટે ઉત્તમ ગણાય છે (કૅલરી-મૂલ્ય : -4.8 કૅલરી) અને તેનો કોલસો બનાવવામાં ઉપયોગ થાય છે.

લીલા ઓકનાં પર્ણો અને પ્રરોહો ઘેટાં-બકરાંના ચારામાં ઉપયોગમાં લેવાય છે. પર્ણો ઉપર આવેલ વૃક્ષવ્રણ (galls) મીઠાં અને ખાદ્ય હોય છે. શુષ્ક દ્રવ્યના આધારે પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 9.6 %, ઈથર-નિષ્કર્ષ 4.5 %, અશુદ્ધ રેસો 29.1 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 51.7 %, કુલ ભસ્મ 5.1 % અને ફૉસ્ફરસ 0.3 %. પર્ણોમાં પચનીય (digestible) કુલ પોષક-દ્રવ્યો 43.2 %, પ્રોટીન 4.2 %, કાર્બોદિતો 38.5 %, ઈથર-નિષ્કર્ષ 0.2 % અને પોષક ગુણોત્તર (nutritive ratio) 9.3 % હોય છે. તેના બીજમાંથી નારંગી રંગનું તેલ મેળવવામાં આવે છે.

લીલા ઓકનાં પર્ણોનો ચર્મશોધન (tanning) દ્રવ્યના સ્રોત તરીકે ઉપયોગ થાય છે. પર્ણોમાં 9.8 % અને છાલમાં 5 % ટેનિન હોય છે.

હોલી ઓકના બીજમાંથી 8.5 %થી 13.2 % જેટલું ખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે. તે ઍબ્રુઝો કે ઇટાલી-વૃક્ષવ્રણનો મુખ્ય સ્રોત (ટેનિન-દ્રવ્ય 41 %) ગણાય છે, જેનો ચર્મશોધન અને રંગકામમાં ઉપયોગ થાય છે. તેની છાલમાં 7 %થી 13 % ટેનિન હોય છે.

  1. incana Roxb. (બન ઓક, ભૂખરો ઓક) વૃંદમાં થાય છે અને ઘણે ભાગે શુદ્ધ વન બનાવે છે. Rhododendron arboreum, દેવદાર (Cedrus deodara), કેઈલ (Pinus wallichiana) અને ચીલ (P. roxburghii) તેની વધારે સામાન્ય સાથી વનસ્પતિઓ છે. તેનાં બીજનો સ્થાનિક પ્રજા ઔષધ તરીકે ઉપયોગ કરે છે. તે મૂત્રલ (diuretic) તથા સંકોચક (astringent) છે અને તેનો પરમિયો (gonorhhoea), અજીર્ણ તેમજ અતિસાર(diarhhoea)માં ઉપયોગ થાય છે. તે પુષ્કળ પ્રમાણમાં (શુષ્કતાને આધારે 65 %) સ્ટાર્ચ ધરાવે છે, પરંતુ વધારે પ્રમાણમાં ટેનિન (6 %) હોવાથી મનુષ્ય માટે ખાદ્ય નથી. મીંજ(બીજનો 81 % ભાગ)નું પેટ્રોલિયમ ઈથર સાથે નિષ્કર્ષણ કરતાં 16 % જેટલું પાતળું અને પીળું તેલ ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાંથી સ્રવતા મીઠા સ્રાવને ‘ઓકમન્ના’ કહે છે અને ઇરાક અને ઈરાનમાં તેનું એકત્રીકરણ કરી મીઠાઈ બનાવવાના ઉપયોગમાં લેવાય છે.

ગોલ ઓકમાં Adleria gallae-tinctoria Olivier નામના નાના કલાપંખી (hymenopterous) કીટક દ્વારા મૂકવામાં આવતાં ઈંડાંને કારણે થતી અપવૃદ્ધિ(excrescence)થી વૃક્ષવ્રણ ઉત્પન્ન થાય છે. તે ગેલોટેનિક ઍસિડ, ગેલિક ઍસિડ, ઍલેજિક ઍસિડ, ગુંદર, સ્ટાર્ચ, શર્કરા અને બાષ્પશીલ તેલ ધરાવે છે. તેનો ઉપયોગ ચર્મશોધન અને રંગબંધન(mordanting)માં, શાહી બનાવવામાં અને રંગકામમાં થાય છે. તેનું કાષ્ઠફળ સંકોચક ગુણધર્મ ધરાવે છે અને મસા તથા પ્લાસ્ટરમાં તેનો ઉપયોગ થાય છે. તે મરડો અને અતિસારમાં વપરાય છે. તેનો ઉપયોગ કોગળા કરવામાં થાય છે.

કૉર્ક ઓક પશ્ચિમી ભૂમધ્યસમુદ્રીય પ્રદેશના દરિયાકિનારે થતી સ્થાનિક જાતિ છે. તેની છાલમાંથી બૂચ મેળવવામાં આવે છે. તેના મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં યુરોપમાં પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ અને ઇટાલી અને ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયા, મોરૉક્કો અને ટ્યૂનિસિયાનો સમાવેશ થાય છે.

નટવરલાલ પુ. મહેતા

મગનભાઈ ઉ. કુકડિયા

બળદેવભાઈ પટેલ