ઑકલૅન્ડ : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુનો વાયવ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 360 52′ દ. અ. અને 1740 46′ પૂ. રે.. આ વિસ્તાર હવે ચાર પેટાવિભાગોમાં વહેંચી નાખેલ છે : ઉત્તર ઑકલૅન્ડ, મધ્ય ઑકલૅન્ડ, પશ્ચિમ ઑકલૅન્ડ તથા દક્ષિણ ઑકલૅન્ડ. કુલ વિસ્તાર 42,400 ચોરસ કિમી. તથા કુલ વસ્તી આશરે 17.20 લાખ (2020). 1853માં તેને પ્રાંતનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ 1876માં તે રદ કરવામાં આવ્યો. 1963માં ત્યાં પ્રાદેશિક શાસકીય એકમ (regional authority) ઊભું કરવામાં આવ્યું હતું.

19મી સદીની શરૂઆતમાં ત્યાં યુરોપીય કુળની પ્રજાનું આગમન થયું તે પહેલાં માઓરિસ જનજાતિની પ્રજાની ગીચ વસ્તી હતી. યુરોપીય કુળની પ્રજાએ મુખ્યત્વે હાઉરાકી અખાત અથવા હાલના ઑકલૅન્ડ શહેરની આજુબાજુના પ્રદેશમાં પોતાના વસવાટો ઊભા કર્યા હતા તથા ત્યાં ખેતીની નવી પદ્ધતિઓ દાખલ કરીને ઘઉં, મકાઈ, બટાટા વગેરે જેવી નવી પેદાશો મેળવી.

ઑકલૅન્ડ મુખ્ય બંદર ઉપરાંત ઔદ્યોગિક મથક છે. તેની આજુબાજુમાં ઘણાં સારાં બંદરો પણ છે, જેમાં માનુકાઉ તથા કાઈપારા મુખ્ય છે. આ વિસ્તારમાં વાઈહાઉ, વાઈકાટો તથા વાઈપો મુખ્ય નદીઓ છે.

ત્યાં કૃષિ, ડેરી, ઘેટાંબકરાં-ઉછેર ઉપરાંત કેટલાક ઉદ્યોગોનો વિકાસ પણ થયેલો છે. ઑકલૅન્ડ શહેરની દક્ષિણે આવેલા વાઈકાટો પ્રદેશમાં ડેરી, બાગબગીચા તથા વાડીઓનો નોંધપાત્ર વિકાસ થયેલો છે. અહીં લોખંડ-પોલાદનો ઉદ્યોગ, ઇજનેરી એકમો, મોટરગાડી બનાવવાના એકમો, કાપડઉદ્યોગ, ખાદ્યપ્રક્રમણના એકમો, માટી-ઉદ્યોગ, ખાંડ શુદ્ધીકરણનાં તથા ઇમારતી લાકડું વહેરવાનાં કારખાનાં વિકસ્યાં છે.

તેની દક્ષિણે આવેલા ગરમ પાણીના ઝરા વિશ્વવિખ્યાત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે