ઓઈ, કેન્ઝબુરો (જ. 13 જાન્યુઆરી 1935, એહીમે, શિકોકૂ, જાપાન) : જાપાનના નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક અને નિબંધકાર. 1994નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક, બીજા વિશ્વયુદ્ધ પછીની પેઢીઓમાં ર્દઢ થયેલા નિર્ભ્રાંત અને બળવાખોર મિજાજને શબ્દસ્થ કરવા માટે તેમને એનાયત કરવામાં આવ્યું છે. પિતા શ્રીમંત જમીનદાર. વિશ્વયુદ્ધ બાદ જમીનસુધારણાના કાયદા હેઠળ તેમને જમીનનો કબજો છોડી દેવાની ફરજ પડેલી. તેમના કોઈ પણ વડવાઓ પોતાના ગામથી કદી બહાર ગયા હોય તેવું બન્યું નથી. દાદીમા ઓઈને પૌરાણિક કથાઓ કહેતાં. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પિતાનું મૃત્યુ થતાં માતાએ પિતાનો પાઠ ભજવ્યો. તેમણે ઓઈને ‘ઍડવેન્ચર્સ ઑવ્ હકલબરી ફિન’ અને ‘ધ સ્ટ્રેન્જ ઍડવેન્ચર્સ ઑવ્ નિક્સ હૉલ્ગરસન’ પુસ્તકો ભેટ આપેલાં. આ પુસ્તકોની પ્રબળ અસર ઓઈ પર થઈ હતી. પાછળથી લોકશાહીના સિદ્ધાંતો ઓઈના ગળે સીધા ઊતરી ગયા. લોકશાહી અને વ્યક્તિસ્વાતંત્ર્યને સમજવા અને માણવા તેઓ પોતાનું ગામ છોડીને ટૉકિયો ગયા હતા. યુનિવર્સિટી ઑવ્ ટૉકિયોમાં તેઓ 19 વર્ષની ઉંમરે 1954માં દાખલ થયા. ફ્રેન્ચ સાહિત્યનો અભ્યાસ કરતા હતા ત્યારથી તેમણે લેખનપ્રવૃત્તિમાં ઝંપલાવ્યું હતું. જાપાનના યુવાલેખકોના પ્રતિનિધિ તરીકે પેકિંગ(બેજિંગ)માં 1960માં મળેલ સાહિત્યકારોના સંમેલનમાં ભાગ લીધેલો.

‘શિશાનો ઓગોરી’ (1957, ‘લૅવિશ આર ધ ડેડ’, 1965) ‘બુંગા કુકાઈ’ સામયિકમાં છપાયેલી ટૂંકી વાર્તાઓ છે. ડાબેરી રાજકારણના સિદ્ધાંતો પરત્વે તેમની વિશેષ રુચિ હતી. તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો ‘રોબન્તિન’ (‘સેવન્ટીન’) (1958) અને ‘સીન શૉનેન શિકુ’(1958)માં તેની અભિવ્યક્તિ થઈ છે. ‘શિકુ’ વાર્તા માટે તેમને આકુતાગાવા પ્રાઇઝ એનાયત થયું હતું. તેનો અનુવાદ ‘ધ કૅચ’ (1959) તરીકે થયો હતો, ‘મેમુશિરી કૉચી’ (1958; ‘નિપ ધ બડ્ઝ, શૂટ ધ કિડ્ઝ’, 1995) નવલકથાએ તેમને કીર્તિ બક્ષી.

1960માં કેન્ઝબુરોએ લગ્ન કર્યું. તેમનું પ્રથમ બાળક મંદબુદ્ધિવાળું હતું. ઓઈની ગમગીની માટે તે નિમિત્ત બન્યું હતું. આવું બાળક જીવતું ન રહે તોય શું  એ ભાવનાથી તેના જીવનનો અંત આણવાનો પણ તેમણે વિચાર કરેલો. આના પરિણામે ‘કોજિન્તેકિનાતૈકન’ (1964, ‘અ પર્સનલ મેટર’, 1969) નવલકથાની રચના થઈ. આ નવલકથાને સિચો પ્રાઇઝથી નવાજવામાં આવી. પરમાણુબૉમ્બથી તારાજ થયેલા હિરોશીમાની મુલાકાત બાદ તેમણે ‘હિરોશીમા નોતો’ (1965, ‘હિરોશીમા નોટ્સ’, 1995) લખી. તેમાં આ ભયાનક શસ્ત્રે કરેલી તારાજી ઉપરનું વિષાદમય ઊંડું ચિંતન છે.

‘મેનૅનગાનેન નો ફુત્તોબોરુ’ (1967, ‘ધ સાઇલન્ટ ક્રાય’, 1974) તાનિઝાકી પ્રાઇઝ-વિજેતા કૃતિ છે. તેમાં માનવજાતનો ટકી રહેવાનો સંઘર્ષ, તેનો ઇતિહાસ, તેની દંતકથાઓ વગેરે નિરૂપી, તેની સાંસ્કૃતિક ઓળખાણ કરાવતી જટિલ અને બૌદ્ધિક રજૂઆત છે. ‘વેરેરા નો ક્યૉકી ઓ ઇકિનિબિરુ મિચિ ઓ ઑશિયો’ (1969, ‘ટીચ અસ ટુ આઉટગ્રો અવર મૅડનેસ’, 1977), ‘‘કોઝુ ઇ વા વેગા તમાશી નિ’ઓયૉબી’’ (‘ધ ફ્લડ વૉટર્સ હેવ કમ ઇન અનટુ માય સૉલ’, 1973), ‘પિન્ચિ રન્ના ચોસો’ (1976, ‘પિન્ચ રનર્સ રેકર્ડ’) અને ‘દોજિદાઈ જેમુ’ (1979, ‘સોલ કન્ટેમ્પોરરી ગેમ્સ’, 1979) તેમની નોંધપાત્ર કૃતિઓ છે. તેમની નવલકથા ‘એતારાશી’ (‘અવેક ન્યૂ મૅન’, 1983) વિસ્તૃત આત્મકથનાત્મક કૃતિ છે. લેખકનું ધ્યાન હવે પરમાણુશસ્ત્રવિરોધી અને જીવમાત્રના એકબીજા સાથેના તેમજ આસપાસની પરિસ્થિતિ સાથેના સંબંધો તરફ વધુ ને વધુ કેન્દ્રિત થતું જાય છે. ‘ચિર્યોતો’ (‘ધ ટ્રીટમેન્ટ ટાવર’, 1990) અને ‘જિન્સી નો શિન્સેકી’ (1989; ‘ઍન એકો ઑવ્ હેવન’, 1996) બહોળો વાચકવર્ગ ધરાવતી નવલકથાઓ છે.

યાસુનારા કાવાબા પછી કેન્ઝબુરો બીજા જાપાની લેખક છે, જે નોબેલ લૉરિયેટ બન્યા છે. ‘એમ/ટી ઍન્ડ નેરેટિવ એબાઉટ ધ માર્વેલ્સ ઑવ્ ધ ફૉરેસ્ટ’(1986; સ્વીડિશ અનુ. 1992)માં ‘એમ’ એટલે ‘મેટ્રિઆર્ક’ અને ‘ટી’ એટલે ‘ધ ટ્રિક્સ્ટર’. આ બંને પાત્રોના જુદા જુદા ચહેરા આપણી સમક્ષ છતા થાય છે. ક્રમાનુસાર નાના નાના ફકરાઓમાં આ વાર્તા આલેખાઈ છે. લેખકના મૂળ હેતુ પ્રમાણેની કાલ્પનિક દુનિયામાં વાસ્તવિક જીવન અને દંતકથા એકમેકમાં ભેળસેળ થઈ આજના માનવીની દુર્દશાનું, ભાવુક વાચકને અસ્વસ્થ કરી મૂકે તેવું ચિત્ર અહીં રજૂ થયું છે.

‘લેતર્સ ઑ આન્નીસ દ નોસ્તાલજી’ (ફ્રેન્ચ અનુ. 1993) આત્મકથનાત્મક નવલકથા છે. તેનો નાયક ફ્રેર-ગિલ વનાંચલના ગામડામાંથી બહાર કોઈ નગરમાં નહિ જવાનું નક્કી કરીને ઠરીઠામ થયો છે. ‘મેટ્રિઆર્ક ધ ટ્રિક્સ્ટર’ નવલત્રયીના અનુસંધાનમાં આ બીજો ભાગ છે. ત્રીજા ભાગને ‘ધ ફાયરી ગ્રીન ટ્રી’ નામાભિધાન કરવાનું લેખકના મનમાં છે. વનજીવનનાં આનંદાશ્ચર્યો, શહેરી જીવનની માનવઘૃણા અને એક જન્મજાત અપંગ પુત્રની અઢળક શ્રીમંતાઈની સમસ્યાઓને એક સળંગ પરિપ્રેક્ષ્યમાં જોઈ ઓઈએ આ નવલત્રયીનું સર્જન કર્યું છે. જોકે ડબ્લ્યૂ. બી. યેટ્સની કવિતામાંથી રૂપકો લઈને નવા નામાભિધાનથી તેમણે ‘ધ ફ્લેમિંગ ગ્રીન ટ્રી’ નવલત્રયીના ‘અન્ટિલ ધ સૅવિયર ગેટ્સ સૉક્ડ’ (1993), ‘વૅસિલેટિંગ’ (1994) અને ‘ઑન ધ ગ્રેટ ડે’ (1995)  એમ ત્રણ ભાગ પાડ્યા છે.

ઓકુટાગાથા પ્રાઇઝ (1958), તાનીઝાકી પ્રાઇઝ (1967), નોમા પ્રાઇઝ (1973), યોમિયુરી પ્રાઇઝ (1982), લિજિયન ઑફ ઑનર (2000) તેમને મળેલાં સન્માનો છે.

વિ. પ્ર. ત્રિવેદી