ઑલ્બર્સનો વિરોધાભાસ (Olbers’ paradox) : રાત્રે આકાશ તેજસ્વી ન દેખાતાં અંધકારમય કેમ દેખાય છે, તે અંગે બ્રહ્માંડ-વિજ્ઞાન(cosmos)નો એક વિરોધાભાસી કોયડો. બ્રહ્માંડ અસીમ હોય અને તેમાં પ્રકાશિત તારાઓ એકસરખા અંતરે આવેલા હોય તો પ્રત્યેક ર્દષ્ટિરેખા(line of sight)નો અંત છેવટે તો તારાની સપાટીએ આવે. એટલે કે કોઈ પણ દિશામાં નજર કરીએ કે ર્દષ્ટિ લંબાવીએ તો અમુક અંતરે તો તારાની સપાટી દેખાવાની જ. આ દલીલ સૂચવે છે કે તારાઓ વચ્ચે અંધકારનું કોઈ અસ્તિત્વ નથી; તેથી રાત્રિ-આકાશ સર્વત્ર પ્રકાશિત દેખાવું જોઈએ. પરંતુ વાસ્તવિક અનુભવ અને અવલોકન આનાથી સાવ જુદું જ દર્શાવે છે. આ કોયડાની ચર્ચા 1823માં જર્મન ખગોળશાસ્ત્રી હાઇન્રિખ વિલહેમ ઑલ્બર્સે (જ. 11 ઑક્ટોબર 1758, જર્મનીના બ્રેમેન પાસે આવેલા આર્બરગનમાં; અ. 2 માર્ચ 1840, બ્રેમેનમાં) કરી હતી. વિરોધાભાસની શોધનું શ્રેય તેના ફાળે જાય છે, ઑલ્બર્સની પહેલાંના સંશોધનકારોએ પણ આ પ્રશ્ન વિચાર્યો હતો. 1610માં યોહાન કૅપલર નામના વિજ્ઞાનીએ, અસંખ્ય તારાઓથી ભરચક એવું બ્રહ્માંડ અસીમ છે તેવા ખ્યાલની વિરુદ્ધ દલીલ કરવા માટે, આ કોયડાનો ઉપયોગ કર્યો હતો. વિરોધાભાસ અંગે જુદા જુદા સમયે જુદી જુદી રજૂઆત કરવામાં આવેલી છે. આ માન્યતાઓને સ્વીકારવામાં આવે તો સૌથી સરળ પ્રસ્તાવ એ છે કે અતિ દૂર આવેલા તારાઓની સરેરાશ દીપ્તિની અવધિ (average luminous lifetime) એટલી બધી મર્યાદિત છે કે તેમનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. ખગોળવેત્તા ઈ. આર. હેરિસનના મત પ્રમાણે તારાઓનું જ્યોતિ-ઉત્સર્જન (luminous emission) એટલું નિસ્તેજ હોય છે કે તેમના જીવનકાળ દરમિયાન તે તેમની વચ્ચે આવેલા વિસ્તૃત અવકાશમાં પ્રકાશ કે વિકિરણનું, દેખાઈ આવે તેવું પ્રસારણ કરી શકતા નથી. એટલે કે વિશ્વવ્યાપી વિકિરણોની ઘનતા (radiation density) રાત્રિના આકાશને પ્રકાશિત રાખવા સમર્થ હોતી નથી. વિશ્વની ઉત્પત્તિ આશરે વીસ અબજ વર્ષ પૂર્વે થઈ હોવાના વૈજ્ઞાનિક પુરાવા છે. તેની ઉત્પત્તિ પછી તે વિસ્તરતું જાય છે. આમ વિશ્વ નથી અનાદિ કે નથી અનંત. સતત વિસ્તરતા વિશ્વના સંદર્ભમાં પણ એવી દલીલ થઈ શકે કે વિશ્વ હજી સાપેક્ષ રીતે એટલું નાનું છે કે અતિ દૂરના વિસ્તારમાંથી આવતો પ્રકાશ પૃથ્વી પર પહોંચી શકતો નથી.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ
એરચ મા. બલસારા