‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ (1952) : અર્નેસ્ટ મિલર હેમિંગ્વેની વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી અમેરિકન ટૂંકી નવલકથા. આ નવલકથાનો નાયક સાન્તિઆગો ક્યૂબાનો વૃદ્ધ પણ ખડતલ અને ખુમારીવાળો માછીમાર છે. તેના સાથી તરીકે મેનોલિન નામનો એક ક્યૂબન છોકરો છે. આ નવલકથા સમુદ્ર અને માછલીઓ જેવાં પ્રાકૃતિક પરિબળો સામે માનવનો તુમુલ સંઘર્ષ અને તેનો વિજય પ્રગટ કરતી ર્દષ્ટાંતકથા સમી છે.

હવાના(ક્યૂબાનું પાટનગર)ના અખાતમાં 84 દિવસ સુધી કમનસીબ વૃદ્ધ માછીમાર સાન્તિઆગો એક પણ માછલી પકડ્યા વિના ઝઝૂમ્યો છે. પ્રથમ ચાલીસ દિવસ તેની સાથે મેનોલિન રહે છે. તે પછી છોકરાને તેનાં મા-બાપે બીજી હોડી પર મોકલ્યો છે. પંચ્યાશીમે દિવસે ખૂબ મોટી માછલી પકડવા તે દરિયામાં હોડી સાથે ઝુકાવે છે. બપોરથી સાંજ સુધી તેના માછીમાર-દોરડાના હૂકમાં સપડાયેલી મોટી માછલી તેને હંફાવે છે; તેને હોડીમાં પછાડે છે; તેના ગાલે કાપ પડે છે. વૃદ્ધ માછીમાર ભૂખ્યો છે. જાળની દોરીથી તેના હાથમાં કાપો પડે છે અને લોહી નીકળે છે. એકાએક મોટી માછલી માર્લિન દરિયાની સપાટી પર આવી પડે છે. તે હોડી કરતાંયે લાંબી છે. આવી મોટી માછલી સાન્તિઆગો પહેલી વખત જુએ છે. ભૂખ્યો સાન્તિઆગો એક ડૉલ્ફિનને પકડીને ખાય છે. રાતે માર્લિન માછલી કૂદે છે અને સાન્તિઆગોના હાથ પર કાપા પાડે છે. સાન્તિઆગો આફ્રિકા અને ત્યાંના સિંહો વિશે સ્વપ્ન જુએ છે. ત્રીજી સવારે તે લોહિયાળ હાથે આ વિશાળ માછલીને હોડીની બાજુ પર ખેંચી લાવે છે. માર્લિન માછલીના મૃતદેહ પર એકાએક શાર્ક માછલી હુમલો કરે છે. પછી તો બીજી શાર્ક માછલીઓ માર્લિનને ફોલી ખાવા ઊમટે છે. આ શાર્ક સામે બુઢ્ઢો છરાઓથી લડે છે અને છરાઓ પણ ભાંગી જાય છે. જ્યારે બુઢ્ઢો હોડીને કિનારે લાવે છે ત્યારે ફક્ત માર્લિન માછલીનું માથું અને પૂંછડી જ બચ્યાં હોય છે. કિનારાની ટેકરી પર ચડતાં બુઢ્ઢો પછડાય છે, પણ ઊભો થઈ આગળ વધે છે. બુઢ્ઢો થાકીને ઊંધે મોંએ પથારીમાં ઊંઘે છે. સવારે મેનોલિન આવી તેની સારવાર કરે છે. નવલકથાના અંતે વૃદ્ધ માછીમાર સિંહો વિશે સ્વપ્નમાં છે અને મેનોલિન તેની પાસે બેઠો છે. આ ટૂંકી નવલકથા માટે હેમિંગ્વેને 1954માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળેલું હતું.

કૃષ્ણવદન જેટલી