ઑલ્મેક સંસ્કૃતિ : મેક્સિકોના પૂર્વ કાંઠે અખાતી વિસ્તારમાં ઑલ્મેક જાતિના લોકોએ વિકસાવેલી સંસ્કૃતિ. તે અમેરિકાની એઝટેક સંસ્કૃતિની પૂર્વકાલીન સંસ્કૃતિ હતી (ઈ. પૂ. 800થી ઈ.સ. 600). અહીં રબર પાકતું, જે માટે Olli શબ્દ વપરાતો, તે ઉપરથી olmec(= rubber people) શબ્દ બન્યો. બાસ્કેટ બૉલ જેવી રમત ઑલ્મેક લોકોએ શોધેલી, જે એરિઝોનાથી નિકારાગુઆ સુધીના પ્રદેશની પ્રજામાં પ્રચલિત રહેલી. ઈ. સ. 31ની તારીખ સાથેની ઑલ્મેક ઇમારત મળી છે, જે અમેરિકાનો સૌપ્રથમ નોંધાયેલો પ્રાચીન નમૂનો છે. લા વેન્ટા આ સંસ્કૃતિનું મુખ્ય મથક હતું. અહીંના મંદિર-સમૂહમાંથી રમતનું મેદાન મળ્યું છે. પાષાણની ઇમારતો અને શિલ્પો આ સંસ્કૃતિની વિશેષતા છે. કંડારેલાં મહોરાં, માનતાની કુહાડી જેવી વસ્તુઓ ધ્યાનપાત્ર છે. ઑલ્મેક લોકો ગ્લીફ લેખનપદ્ધતિના શોધક હતા; પછીથી એ પદ્ધતિ સમગ્ર મેક્સિકોમાં પ્રચલિત બની.

રસેશ જમીનદાર