ઑપરેશન બ્લૂ સ્ટાર : પંજાબમાં આતંકવાદ બેકાબૂ બનતાં 6 જૂન 1984ના રોજ ઇન્દિરા સરકારે અમૃતસરના સુવર્ણમંદિરમાં કરેલી લશ્કરી કારવાઈ. 10 જુલાઈ, 1984ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા ભારત સરકારના શ્વેતપત્ર અનુસાર આ પગલાને લીધે 92 જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને 287 જેટલા ઘવાયા હતા, જ્યારે 554 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 121 જેટલા ઘવાયા હતા. બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે આ આંકડો ઘણો મોટો હતો. લશ્કરની આ કારવાઈમાં આતંકવાદીઓના લડાયક નેતા જર્નૈલસિંહ ભિંદરાનવાલે તથા ભારતીય લશ્કરમાંથી બરતરફ કરાયેલા તેમના લશ્કરી સલાહકાર અને ભૂતપૂર્વ બ્રિગેડિયર સુભગસિંહ માર્યા ગયા હતા. પંજાબમાંથી આતંકવાદ દૂર કરવા માટે કરવી પડેલી આ લશ્કરી કાર્યવહી દરમિયાન રાજ્યના 28 ગુરુદ્વારા, 5 મંદિરો તેમજ એક મસ્જિદ પર એકસામટાં પગલાં લેવાયાં હતાં. સુવર્ણમંદિરમાંથી મશીનગન અને અન્ય સ્વયંસંચાલિત શસ્ત્રો વડે આતંકવાદીઓ દ્વારા ભારે ગોળીબાર થતાં સલામતી દળના અનેક જવાનો માર્યા ગયા હતા. લશ્કરી કાર્યવહી બાદ સુવર્ણમંદિરમાંથી ટૅંકવિરોધી રૉકેટો અને પ્રક્ષેપાસ્ત્રો (missiles) સહિત શસ્ત્રોનો જંગી જથ્થો હાથ કરાયો હતો. લશ્કરી કામગીરીનો હવાલો પશ્ચિમી કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ સુંદરજીએ સંભાળ્યો હતો.

ભારત સરકાર તરફથી લેવામાં આવેલા આ લશ્કરી પગલાની પૂર્વ ભૂમિકામાં બનેલા આતંકના અનેક બનાવોમાં લૂંટફાટ, ઘરફોડ, બૅન્કોમાંથી બળજબરીથી નાણાં પડાવી લેવાના બનાવો અને અનેક નિર્દોષ લોકોની કરપીણ હત્યાઓનો સમાવેશ થાય છે.

પંજાબના આતંકવાદની પાછળ પાકિસ્તાનનો સીધો હાથ હતો. આતંકવાદીઓ તેમનાં હથિયારો તથા તાલીમ ત્યાંથી મેળવતા હતા તેના પુરાવા સાંપડ્યા છે. ઉપરાંત સોનાની અને નશીલા પદાર્થોની દાણચોરીની ઘટનાઓ પણ સતત બન્યા કરતી હતી. ઑપરેશન બ્લૂ સ્ટાર આ પ્રકારના સતત બનતા બનાવોની હારમાળાના પ્રતિકાર રૂપે તથા ભારતની અખંડિતતાનું રક્ષણ કરવા માટે ભારત સરકાર તરફથી લેવાયેલું પગલું હતું.

પંજાબ સમસ્યાનાં મૂળ અકાલી દળ દ્વારા 23 ઑક્ટોબર, 1982ના રોજ પસાર કરવામાં આવેલા ‘આનંદપુર સાહેબ ઠરાવ’ દ્વારા નંખાયાં હતાં. આનંદપુર સાહેબ ઠરાવમાં અકાલી દળ દ્વારા ભારતની કેન્દ્ર સરકાર સામે કેટલીક ધાર્મિક, રાજકીય અને આર્થિક માગણીઓ રજૂ કરવામાં આવી હતી; એમાંની મુખ્ય આ મુજબ હતી : (1) ભારતીય બંધારણમાં મૂળભૂત સુધારા કરી રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવામાં આવે, (2) કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ અને આજુબાજુના રાજ્યમાંના પંજાબી ભાષાના વિસ્તારોને પંજાબ રાજ્યમાં ભેળવવામાં આવે, (3) રાવી અને બિયાસ નદીઓમાંથી પંજાબને વધુ પાણી આપવામાં આવે, (4) લશ્કરમાં શીખોની સંખ્યા હાલના સ્તરે ચાલુ રાખવામાં આવે, (5) અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય વિમાની મથક અને લુધિયાનામાં સ્ટૉક એક્સચેન્જ બજારનું નિર્માણ કરવામાં આવે જેથી પંજાબ રાજ્યનો ઝડપી ઔદ્યોગિક વિકાસ સાધી શકાય, (6) પંજાબનાં પડોશી રાજ્યો હિમાચલપ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને કેન્દ્રશાસિત દિલ્હીમાં પંજાબી ભાષાને દ્વિતીય ભાષાનો દરજ્જો આપવામાં આવે, (7) સુવર્ણમંદિરમાં એક રેડિયો-ટ્રાન્સમીટર સ્થાપવામાં આવે, જેથી મંદિરમાંથી પ્રસારિત ગુરુવાણી ભારતના અન્ય પ્રદેશોમાં તથા વિદેશોમાં સાંભળી શકાય, (8) શીખોને સરકારી નોકરીઓ, સ્થાનિક સંસ્થાઓ અને રાજ્યની ધારાસભાઓ વગેરેમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે, (9) બંધારણની કલમ 25ની પેટા કલમ 2(b)માં સુધારો કરી શીખોને હિન્દુઓ કરતાં અલગ ગણવામાં આવે અને (10) આ સાથે રાજ્યમાં તરત જ ખાંડનાં છ કારખાનાં નાંખવાં, કાપડની ચાર મિલો શરૂ કરવી, ટ્રૅક્ટર પર જકાત નાબૂદ કરવી વગેરે બીજી માગણીઓ હતી. આ માગણીઓ સરકાર સ્વીકારે તે માટે અકાલી દળ દ્વારા 1982માં ‘ધર્મયુદ્ધ’ અને ‘મોરચા’ની જાહેરાત કરવામાં આવી. 1982-84 દરમિયાન ‘નહેર રોકો’ (8 એપ્રિલ, 1982), ‘રસ્તા રોકો’ (4 એપ્રિલ, 1983), ‘રેલ રોકો’ (17 જૂન, 1983) અને ‘કામ રોકો’ (29 ઑગસ્ટ, 1983) જેવા આંદોલનોના માર્ગો અપનાવવામાં આવ્યા. આંદોલનના વિવિધ કાર્યક્રમો દરમિયાન હિંસા સતત ચાલુ રહી હતી; જેમ કે, ‘રસ્તા રોકો’ આંદોલન દરમિયાન 20 જેટલા અકાલી કાર્યકર્તાઓ માર્યા ગયા હતા. આ સમય દરમિયાન લગભગ એક લાખ જેટલા શીખોને (જેમાં મોટાભાગના યુવાનો હતા) સંગઠિત કરવામાં આવ્યા અને તેમને ત્યાગ અને બલિદાન માટે ધાર્મિક પ્રતિજ્ઞાઓ (‘અમૃત ચખના’) લેવડાવવામાં આવી. અકાલી આંદોલનની શરૂઆતમાં આંદોલન અંગેના આદેશો અકાલી દળના પ્રમુખ સંત હરચરણસિંહ લોંગોવાલ આપતા હતા; પરંતુ જેમ જેમ હિંસામાં વધારો થતો ગયો તેમ તે આંદોલનની પદ્ધતિ અંગે અકાલી નેતાઓ વચ્ચે મતભેદો વધતા ગયા. પરિણામે આંદોલનની નેતાગીરી અકાલી નેતાઓ સંત હરચરણસિંહ લોંગોવાલ, જી. એસ. તોહરા, પ્રકાશસિંગ બાદલ વગેરેના હાથમાંથી ઉગ્રતાવાદી નેતા જર્નૈલસિંગ ભિંદરાનવાલે અને તેમના સમર્થકોના હાથમાં આવી ગઈ હતી. એપ્રિલ, 1983ની બેઠકમાં 160 જેટલા સભ્યોએ ભિંદરાનવાલેની નેતાગીરીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અનેક વાર લોંગોવાલ અને ભિંદરાનવાલેના સમર્થકોનાં પરસ્પરવિરોધી જૂથો વચ્ચે સુવર્ણમંદિરમાં હિંસાત્મક અથડામણો થઈ હતી.

પંજાબમાં આતંકવાદની ઘટનાઓની શરૂઆત 9 સપ્ટેમ્બર, 1981ના રોજ પંજાબના દૈનિક અખબાર ‘આજ’ના સુવિખ્યાત સંપાદક લાલા જગતનારાયણની હત્યાની સાથે કરવામાં આવી. તે જ મહિનામાં દળ ખાલસાના ચાર કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીથી શ્રીનગર જતા એક વિમાનનું અપહરણ કરી લાહોર લઈ જવામાં આવેલું. હિંસાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા પંજાબમાં ઑક્ટોબર, 1983માં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું; પરંતુ પંજાબમાં આતંકવાદની ઘટનાઓ ચાલુ જ રહી હતી. રાષ્ટ્રપતિ શાસનની શરૂઆતથી જૂન, 1984ના પ્રથમ સપ્તાહ સુધી આતંકવાદની વિવિધ ઘટનાઓમાં 400થી વધુ નિર્દોષ વ્યક્તિઓ મારી ગઈ હતી અને આશરે 2,000 જેટલા માણસો ઘવાયા હતા. આ સમય દરમિયાન આશરે 200 જેટલા આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આંદોલન દરમિયાન સરકાર અને અકાલી નેતાઓ વચ્ચે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અનેક ક્ષેત્રે મંત્રણાઓ થતી રહી હતી. ફેબ્રુઆરી, 1984માં પંજાબ સમસ્યા અંગે ત્રિપક્ષી મંત્રણા યોજાઈ હતી; પરંતુ બીજા જ દિવસે હિંસામાં વધારો થતાં આ મંત્રણા તૂટી પડી હતી. સુવર્ણમંદિરમાંથી આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવતાં ચાર પોલીસો અને એક બાળક માર્યાં ગયાં હતાં.

1 માર્ચ, 1984ના રોજ પંજાબમાં મોટરસાઇકલ અને સ્કૂટર પર બે વ્યક્તિઓની સવારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમજ 4 માર્ચ, 1984ના રોજ સરકારે એક વટહુકમ બહાર પાડ્યો, જે મુજબ પોલીસ અને અર્ધલશ્કરી સૈન્યને શંકાસ્પદ જણાતી વ્યક્તિની કોઈ પણ પ્રકારના વૉરંટ વગર ધરપકડ કરવાની તેમજ શસ્ત્રો અને વિસ્ફોટક પદાર્થોની શોધખોળ માટેની વિશેષ સત્તા આપવામાં આવી. આઝાદી પછી સૌપ્રથમ વાર સુરક્ષા-દળોને આટલી વિશાળ અને વિશેષ સત્તા અપાઈ હતી. માર્ચ, 1984માં ‘ઑલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટસ્ ફેડરેશન’ (AISSF) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તેના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી. 3 એપ્રિલ, 1984ના રોજ પંજાબને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો. હિંસા માટે જવાબદાર આતંકવાદીઓએ સુવર્ણમંદિરમાં શરણ લેતાં સરકાર તરફથી તેમને અને તેમના નેતાઓને તાબે થઈ જવા માટે અપીલ કરવામાં આવી; પરંતુ તેનો યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહિ. 1 જૂન, 1984ના રોજ સુવર્ણમંદિરમાં શરણ લીધેલા આતંકવાદીઓ અને સરકારી દળો વચ્ચેની અથડામણમાં 11 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં અને 29 માણસો ઘવાયા. 27 મે, 1984ના રોજ સંત લોંગોવાલે 3 જૂન, 1984થી આંદોલનનો નવો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી હતી તે મુજબ જમીનવેરો અને પાણીકર ભરવો નહિ, પંજાબમાંથી અનાજની નિકાસ રોકવી, નહેરોનું પાણી અને વીજળીનો પુરવઠો અન્ય રાજ્યમાં પહોંચતો રોકવો વગેરે કાર્યક્રમો શરૂ કરવા અંગેની યોજના અમલમાં મુકાઈ. આંદોલનના આ કાર્યક્રમોને અસફળ બનાવવા માટે 2 જૂન, 1984ના રોજ પંજાબમાં લશ્કર બોલાવવામાં આવ્યું. તે જ દિવસે રાષ્ટ્રને સંબોધતાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જણાવ્યું કે સરકાર શીખોની મોટાભાગની માગણીઓ સ્વીકારવા તૈયાર છે અને અન્ય માગણીઓ માટે બિનશરતી વાટાઘાટો કરવા તૈયાર છે. વડાપ્રધાનની અપીલની કંઈ અસર ન પડતાં છેવટે સરકારે 3 જૂનના રોજ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ની કાર્યવહી હેઠળ સમગ્ર પંજાબ રાજ્યમાં 36 કલાકનો કરફ્યુ નાખ્યો. રેલ, સડક અને વિમાન માર્ગો બંધ કરવામાં આવ્યા, પંજાબ-પાકિસ્તાન સીમા પર કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો અને સમાચારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યાં. આ પરિસ્થિતિમાં 6 જૂનના દિવસે ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ની લશ્કરી કાર્યવહી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી. ત્યારબાદ લગભગ ત્રણ મહિના સુધી સુવર્ણમંદિર પર લશ્કરનો કાબૂ રહ્યો હતો. સુવર્ણમંદિરમાં થયેલ નુકસાન માટે સરકાર દ્વારા બાબા સંતસિંહના નેતૃત્વ હેઠળ કરસેવા વડે સમારકામ કરવામાં આવ્યું.

31 ઑક્ટોબર, 1984ના રોજ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તેમના બે શીખ અંગરક્ષકો બિયન્તસિંહ અને સતવંતસિંહ દ્વારા પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનના વિસ્તારમાં કરેલી હત્યા તથા તે પછી પુણે ખાતે ભારતીય લશ્કરના નિવૃત્ત વડા જનરલ એ. એસ. વૈદ્યની હત્યા આ બંને ઘટનાઓ ઑપરેશન બ્લૂ સ્ટારના પરિણામરૂપે થયેલી હતી.

ઑપરેશન બ્લૂ સ્ટાર કારવાઈ પછી દિલ્હી અને ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં મોટા પાયા પર શીખવિરોધી હિંસાત્મક બનાવો બન્યા. એમાં કુલ 2,987 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. (દિલ્હીમાં 2,417, ઉત્તરપ્રદેશમાં 203, બિહારમાં 120, હરિયાણામાં 106, મધ્યપ્રદેશમાં 17 અને બાકીનાં અન્ય રાજ્યોમાં થયાં હતાં. આ સાથે અનેક લોકો ઘાયલ થયા હતા અને મોટા પાયા પર સંપત્તિને નુકસાન થયું હતું. એકલા દિલ્હીમાં જ શરણાર્થી શિબિરોમાં 35,000 જેટલા શીખો હતા.

મહેન્દ્ર રા. શાહ