ઑપરેશન બ્લૅક થંડર : સ્વતંત્ર શીખ રાજ્યની જાહેરાત કરનાર અલગતાવાદી પરિબળોને સુવર્ણમંદિર સંકુલમાંથી દૂર કરવા 30 એપ્રિલ, 1986ના રોજ અર્ધલશ્કરી દળોએ લીધેલું પગલું. ડિસેમ્બર, 1984ની લોકસભાની ચૂંટણીઓ બાદ રાજીવ ગાંધીની સરકારે પંજાબ પ્રશ્નના ઉકેલને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. 11 માર્ચ 1985ના રોજ આઠ જેટલા મુખ્ય શીખ નેતાઓ – જેમાં સંત લોંગોવાલ, સુરજિતસિંહ બરનાલા, જયદેવસિંહ તલવંડી વગેરેનો પણ સમાવેશ થતો હતો – ને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. પંજાબમાં અનેક વહીવટી ફેરફારો સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનસિંહને રાજ્યપાલ બનાવવામાં આવ્યા. 11 એપ્રિલ, 1985ના રોજ ઑલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટસ્ ફેડરેશન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. સરકારનો કંઈક ઉદાર ગણાય તેવો પ્રતિભાવ હોવા છતાં પંજાબમાં હિંસા ચાલુ રહી. 10, 11 મે, 1985ના રોજ દિલ્હી અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં બૉમ્બના અનેક ધડાકામાં આશરે 80 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં અને આશરે બસો જેટલાને ઈજા થઈ. 23 જૂન, 1985ના રોજ ઍર ઇન્ડિયાનું બોઇંગ જમ્બો જેટ ‘કનિષ્ક’ આયર્લૅન્ડના પશ્ચિમ કિનારા પર ધડાકા સાથે તૂટી પડ્યું હતું અને વિમાનના તમામ 329 ઉતારુઓ માર્યા ગયા હતા. આ વિમાનને ઉડાડી મારવાની ઘટના સાથે ઑલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટસ્ ફેડરેશન જેવાં ઉગ્રતાવાદી શીખ સંગઠનો સંકળાયેલાં હતાં એવું મનાય છે.

આતંકવાદીઓ દ્વારા ચાલુ હિંસાની સાથે સાથે મવાળ નેતાઓ દ્વારા સરકાર જોડે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મંત્રણાઓ ચાલુ રખાઈ હતી. આખરે પંજાબ પ્રશ્નના ઉકેલ માટે 24 જુલાઈ, 1985ના રોજ વડાપ્રધાન રાજીવ ગાંધી અને અકાલી દળના પ્રમુખ સંત હરચરણસિંહ લોંગોવાલ વચ્ચે સમજૂતી થઈ. આ ‘રાજીવ-લોંગોવાલ’ સમજૂતીનો મુખ્ય હેતુ એ હતો કે પંજાબમાં સંઘર્ષ અને તણાવની પરિસ્થિતિ દૂર કરી ભાઈચારો, મૈત્રી અને સહકારનાં મૂલ્યો પર આધારિત નવા પ્રકરણની શરૂઆત કરવી, જેથી રાષ્ટ્રીય એકતા અને અખંડતાને મજબૂત બનાવી શકાય. આ સમજૂતીની મુખ્ય જોગવાઈઓ : (1) ચંડીગઢ પંજાબને સોંપવું. (2) પંજાબના હિન્દીભાષી વિસ્તારો નક્કી કરીને તે વિસ્તારો હરિયાણાને સોંપવા. આમ ચંડીગઢ પંજાબને અને પંજાબના હિન્દીભાષી વિસ્તારો હરિયાણાને તબદિલ કરવાની કામગીરી એકસાથે 28 જાન્યુઆરી, 1986ને દિવસે કરવી. (3) આનંદપુર સાહેબ ઠરાવના કેન્દ્ર અને રાજ્યના સંબંધો અંગેના મુદ્દા સરકારિયા પંચ સમક્ષ રજૂ કરવા. (4) 1 જુલાઈ, 1985ના દિવસે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ વચ્ચે રાવી અને બિયાસ નદીઓમાંથી જે રીતે પાણીની વહેંચણી થતી હતી તે ચાલુ રાખવી. (5) અખિલ ભારતીય ગુરુદ્વારા ધારો ઘડવાની યોજના અંગે વિચારણા કરવી. (6) શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં થયેલાં રમખાણોની તપાસ માટે નીમેલા રંગનાથ મિશ્રા પંચે બોકારો અને કાનપુરના બનાવો અંગે પણ તપાસ કરવી. (7) લશ્કરમાં દૂર કરાયેલા લોકોને પુન:સ્થાપિત કરવા. (8) પંજાબી ભાષાના પ્રસાર માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવાં અને (9) સતલજ-યમુના નદીઓને જોડતી નહેર 15 ઑગસ્ટ, 1986 સુધીમાં પૂરી કરવી.

રાજીવ-લોંગોવાલ સમજૂતીના અમલ માટે શરૂઆતથી જ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા; જેમ કે, ચંડીગઢ પંજાબને અને પંજાબના હિન્દીભાષી વિસ્તારો હરિયાણાને સોંપવા અંગે એક પછી એક ત્રણ પંચ (મૅથ્યુ પંચ, વેંકટરમૈયા પંચ અને દેસાઈ પંચ) નિમાયાં છતાં, બધા પક્ષોને માન્ય ઉકેલ શોધી શકાયો ન હતો. છેવટે 14 જુલાઈ, 1985ના રોજ ભારત સરકારે આ અંગેનો નિર્ણય મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. સરકારે પંજાબમાં ચૂંટણી કરવાનું નક્કી કરતાં આ દરમિયાન 20 ઑગસ્ટ, 1985ના રોજ સંત હરચરણસિંહ લોંગોવાલની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી. પંજાબની ચૂંટણીઓમાં અકાલી દળને સ્પષ્ટ બહુમતી મળતાં સુરજિતસિંહ બરનાલાના મુખ્યમંત્રીપદે પંજાબની નવી સરકાર રચાઈ હતી.

સરકારનાં કડક પગલાં છતાં નિર્દોષ લોકોની હત્યા ચાલુ રહી અને શીખ ધાર્મિક સ્થળોમાં આતંકવાદીઓ દ્વારા શરણ લેવાનું ચાલુ રહ્યું. 26 જાન્યુઆરી, 1986ના રોજ સુવર્ણમંદિરનો કાબૂ ગુરુદ્વારા પ્રબંધક કમિટી પાસેથી અંતિમવાદી શીખોના હાથમાં આવી ગયો. લગભગ 20,000 જેટલા ડમડમી તકશાલ અને શરબત ખાલસાના સમર્થકોએ સુવર્ણમંદિરમાં એક બેઠક યોજી; એમાં શીખ ધાર્મિક નેતાઓને ભારત સરકાર જોડે સહયોગ કરવાની બંધી કરવામાં આવી અને ભિંદરાનવાલેના ભત્રીજા જસબીરસિંહની અકાલ તખ્તના મુખ્ય ગ્રંથી તરીકે નિમણૂક કરવામાં આવી. આ જ દિવસે અકાલતખ્તને તોડી તેના પુન: નિર્માણ માટે શરબત ખાલસા દ્વારા ‘કરસેવા’ની શરૂઆત કરવામાં આવી. આ પરિસ્થિતિનો સામનો કરવા તથા આતંકવાદીઓને મંદિરમાં પ્રવેશતા અટકાવવા અર્ધલશ્કરી દળો દ્વારા સુવર્ણમંદિરને ઘેરો ઘાલવામાં આવ્યો. મુખ્યમંત્રી સુરજિતસિંહ બરનાલાએ લશ્કરી દળોના સુવર્ણમંદિરમાં પ્રવેશની સંભાવના નકારી કાઢી હતી; પરંતુ પરિસ્થિતિ ધીરે ધીરે બગડતી ગઈ અને 29 એપ્રિલ, 1986ના રોજ પંથિક કમિટીએ સુવર્ણમંદિરમાં સ્વતંત્ર શીખ રાજ્ય ખાલિસ્તાનની સ્થાપનાની જાહેરાત કરી અને આ રાજ્યની સીમાઓ પાછળથી નક્કી કરવામાં આવશે તેવું જાહેર કર્યું. બરનાલા સરકારે આ જાહેરાતને બહુ જ ગંભીર ગણાવી.

આખરે 30 એપ્રિલ, 1986ના રોજ સુવર્ણમંદિર સંકુલમાંથી અંતિમવાદીઓ તેમજ અલગતાવાદીઓને દૂર કરવા માટે 1,300 જેટલા પોલીસ, સલામતી દળો અને કમાન્ડરોએ મંદિરમાં પ્રવેશ કર્યો. ‘ઑપરેશન બ્લૅક થંડર’ તરીકે જાણીતી બનેલી આ કાર્યવહી દરમિયાન માત્ર એક વ્યક્તિનું મરણ થયું હતું, ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને 300 માણસોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવહીનું નેતૃત્વ પંજાબના ડિરેક્ટર જનરલ ઑવ્ પોલીસ જે. એફ. રિબેરોએ સંભાળ્યું હતું. સરકારે એવી જાહેરાત કરી હતી કે આ કાર્યવહીનો મુખ્ય ઉદ્દેશ સુવર્ણમંદિરની સત્તા ફરી પાછી ગુરુદ્વારા પ્રબંધક કમિટીને સોંપવાનો હતો. સુવર્ણમંદિરમાં લશ્કરી દળોના પ્રવેશ અંગે અકાલી દળમાં મતભેદો ઊભા થતાં પક્ષમાં ભાગલા પડ્યા હતા. પરિણામે બરનાલા સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ હતી. કેટલાક પક્ષોના સહકારથી રાજ્યની આ સરકાર કેટલાક સમય સુધી ટકી રહી, પરંતુ હિંસામાં થયેલા ઉત્તરોત્તર વધારાને લીધે આખરે કેન્દ્ર સરકાર દ્વારા બરનાલા સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી અને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસનનો લાંબો દોર શરૂ થયો હતો.

મહેન્દ્ર રા. શાહ