ઓપન્શિયા, એલ. (Opuntia, L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅકટેસી કુળની એક પ્રજાતિ. તેની એક જ જાતિ ગુજરાતમાં મળે છે; તે Opuntia elatior Mill Gard ફાફડો થોર કે હાથલો થોર છે. તે આશરે 2 મિમી. ઊંચું ક્ષુપ કોમળ પરંતુ તીક્ષ્ણ કાંટાવાળું; નાનાં નાનાં જૂથમાં કાંટાઓ ઊગે, જેનો સ્પર્શ થતાં તે શરીરમાં પેસી જાય છે. મોટાં સુંદર લાલ ભૂરાં પુષ્પો. માંસલ ખાદ્ય ફળ બહુ જ મીઠું લાગે. ફળમાંથી રાતી શાહી બની શકે અને 8 % શર્કરા હોવાથી દારૂ પણ બનાવી શકાય છે. કાંટા બાળીને પાંખા દુષ્કાળ સમયે રેષામય થડનો ચાર તરીકે ઉપયોગ કરાય છે. ફળ શેકીને ઉધરસમાં અપાય છે. માવો ગરમ કરીને સોજા પર શેક કરાય છે. આંખોના સોજા ઉપર તે આરામ આપે છે.

કેટલીક વાર લાંબા પુષ્પાસન ઉપર એક જ પુષ્પ ધરાવે છે. પરિપુષ્પ ઘણાં પર્ણોનું બને છે. તેમાં વજ્રપત્રોમાંથી દલાભપત્રોની પરિવર્તી કે સંક્રાન્તિ જોવા મળે છે. ઘણાં પુંકેસરો દલાની સાથે ચોંટેલાં હોય છે. અધ:સ્થ, એકકોટરીય, ચર્મવર્તી જરાયુ-વિન્યાસવાળું અંડાશય.

તે થોરિયાનાં ઝીણાં પાંદડાં ધરાવતા છોડ ખડક ઉપર પણ ઊગી નીકળે છે. પાન ઝીણાં હોવાથી તેનું કાર્ય પ્રકાંડ સંભાળે છે. આવા પ્રકાંડ પર પર્ણના સ્થાને બે કંટકી ઉપપર્ણો જોવા મળે છે.

ઑસ્ટ્રેલિયામાં કેટલીક જાતો વિપુલ ફાલને લીધે તકલીફકારક સાબિત થઈ છે. વાડ બનાવવા માટે આદર્શ કાંટાળું ક્ષુપ છે.

મીનુ પરબિયા