ઑટો ડર ગ્રોસ (મહાન ઑટો – 1) (જ. 23 નવેમ્બર 912, જર્મની; અ. 7 મે 973, જર્મની) : ‘પવિત્ર રોમન શહેનશાહ’નું બિરુદ ધરાવતા જર્મન રાજવી. પિતા હેનરી-I. માતા માટિલ્ડા. ઇંગ્લૅન્ડના રાજા એડ્વર્ડ ‘એલ્ડર’ની પુત્રી એડિથ સાથે 930માં લગ્ન. તે સેક્સનીના નાના રાજ્યનો રાજવી હતો. બધા અમીરો દ્વારા સમગ્ર જર્મનીના રાજવી તરીકે તેની વરણી થયેલી. ધર્મગુરુઓ દ્વારા તેનો રાજ્યારોહણવિધિ 7-8-963ના રોજ થયેલ. સમગ્ર જર્મની ઉપર સત્તા જમાવવા તેણે ભારે હાથે બળવાઓને દબાવી દીધા. પછી ભાઈ અને અન્ય સગાંઓને બાવેરિયા વગેરે પ્રદેશોના ડ્યૂક બનાવી દીધા. પ્રથમવાર બોહેમિયા સાથેના વિગ્રહમાં હાર પામ્યા બાદ ફરી ચડાઈ કરી. બોલેસ્લાવને નમવા ફરજ પાડી. ફ્રાન્સના લુઇ ચોથાના વિરોધને શાંત પાડ્યો. ઇટાલીની વિધવા રાણી એડીલેડે વિનંતી કરતાં તેને સહાય કરી અને તેના વિરોધી બેરેન્જરને હરાવ્યો અને તે ‘લોમ્બાર્ડોનો શાસક’ બન્યો. ઇટાલીમાં હતો તે દરમિયાન તેના પુત્ર લુડોર્ફે બળવો કરતાં તે જર્મની પાછો ફર્યો. માગ્યારોએ ફરી માથું ઊંચકી જર્મની ઉપર ચઢાઈ કરતાં દેશદ્રોહી ગણાવાની ભીતિથી એ બળવાખોરો નરમ પડ્યા અને ઑટોએ ઓગ્સબર્ગ નજીક લેચફેલ્ડની લડાઈમાં માગ્યારોને હાર આપી. તેના પ્રભાવને કારણે પોલૅન્ડના મીએઝસ્કોએ જર્મનીની સત્તા સ્વીકારી ખંડણી આપી. 961માં ઑટોએ એડીલેડના છ વરસના પુત્રને જર્મનીના રાજા તરીકે જાહેર કર્યો અને તે માટે 962માં ધર્મગુરુનો ટેકો મેળવ્યો અને ‘પવિત્ર રોમન શહેનશાહ’ તરીકે તેને જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ ઑટો અને પોપ જૉન બારમા વચ્ચે સત્તાની વહેંચણી અંગે કરાર થયા. બીજે વરસે પોપ સાથે મતભેદ થતાં તેને પદભ્રષ્ટ કરી તેણે 965માં લીઓ આઠમાને પોપ તરીકે જાહેર કર્યો. રોમનોએ તેને ન સ્વીકારતાં બળવો કર્યો પણ તે તેણે દ્બાવી દીધો. લીઓ આઠમાના મૃત્યુ બાદ જૉન તેરમાને પોપ તરીકે જાહેર કર્યો, પણ રોમનોએ તેને કાઢી મૂકતાં તે ત્રીજીવાર ઇટાલી ગયો અને 966-72 સુધી ત્યાં રહ્યો. અહીં બાયઝેન્ટિન તરફ કૂચ કરી. બાયઝેન્ટિયમ શહેનશાહે તેની પુત્રી થીઓફેના ઑટોના પુત્ર (ઑટો બીજા) સાથે પરણાવવા અને દાયજામાં દક્ષિણ ઇટાલીનો પ્રદેશ આપવા સ્વીકાર્યું. ઇટાલીમાંથી 973માં પાછા ફરી તેણે કેવેડ લીનબર્ગમાં ભારે દબદબા સાથે તેની કચેરીની સભા ભરી. ત્યારબાદ થોડા જ વખતમાં તેનું મૃત્યુ થયું. ઑટોએ જર્મનીનું એકીકરણ કરી નવા પ્રદેશો જીતી તેને મહારાજ્ય બનાવ્યું અને લોકોને શાંતિ અને સલામતી બક્ષ્યાં.

ભાનુપ્રસાદ મ. ગાંધી

શિવપ્રસાદ રાજગોર