ઑટોમન સામ્રાજ્ય : ઑસ્માન (1288-1324) નામના રાજવીએ સ્થાપેલું અને 650 વર્ષ ટકેલું સામ્રાજ્ય. 1922માં તુર્કીએ પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું ત્યારે તેનો અંત આવ્યો. આ સામ્રાજ્ય આનાતોલિયાના કેન્દ્રમાં આવ્યું હતું. સમયે સમયે તેના વિસ્તારમાં વધઘટ થયા કરતી. જુદા જુદા સમયે તેમાં બાલ્કન રાજ્યો, ગ્રીસ, ક્રીટ અને સાયપ્રસ; અંશત: હંગેરી, ઑસ્ટ્રિયા અને દક્ષિણ રશિયા; ઇરાક, પેલેસ્ટાઇન અને ઇજિપ્ત; ઉત્તર આફ્રિકામાં છેક પશ્ચિમ અલ્જીરિયા અને અરેબિયાના કેટલાક ભાગનો સમાવેશ થતો હતો.

તેરમી અને ચૌદમી સદીઓમાં ઉત્તર પશ્ચિમ આનાતોલિયાના રાજવી ઑસ્માન પહેલાના વારસો ઑટોમનો તરીકે ઓળખાતા. તેણે પશ્ચિમ આનાતોલિયાનો બાયઝાન્ટાઇન પ્રદેશો અને દક્ષિણ પૂર્વ યુરોપના પ્રદેશોને જીતીને ખ્રિસ્તી બાલ્કન રાજ્યોને પોતાનાં ખંડિયાં રાજ્યો બનાવ્યાં અને પૂર્વ આનાતોલિયાનાં નાનાં તુર્કમાન રાજ્યોને જીતી લીધાં. પંદરમી સદીમાં ઑટોમન સુલતાનોએ, બાલ્કન ખંડિયાં રાજ્યોને પોતાના સીધા અમલ નીચે લાવવાનું શરૂ કર્યું હતું. તેમણે 1453માં કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને પૂર્વમાં પોતાની સત્તા યૂફ્રેટીસ નદી સુધી વિસ્તારી. સોળમી સદીના અંત સુધીમાં તેમના સામ્રાજ્યમાં લગભગ બધો જ બાલ્કન પ્રદેશ, મધ્ય યુરોપમાં મોટાભાગનું હંગેરી, મધ્યપૂર્વનો ઘણો ભાગ અને ઉત્તર આફ્રિકાનો સમાવેશ થતો. એ રીતે તેઓ સત્તા અને સંપત્તિના શિખરે પહોંચ્યા હતા. ભવ્ય સુલેમાન(1520-’66)ના શાસનકાળ દરમિયાન સામ્રાજ્ય રાજકીય, વહીવટી, આર્થિક અને સામાજિક ર્દષ્ટિએ પતન પામી રહ્યું હતું. તેથી તેના પ્રદેશો ઉપર અઢારમી સદીના અંત ભાગમાં ઑસ્ટ્રિયા અને પ્રશિયા તરફથી અસરકારક અતિક્રમણ થવાથી યુરોપની તુર્ક સરહદ ડૅન્યૂબ નદી સુધી પાછી ગઈ હતી અને ઉત્તરના કાળા સમુદ્રના કિનારા સુધીના પ્રદેશો તુર્કીએ ગુમાવ્યા હતા. એ સમયે સ્થાનિક પ્રાંતિક રાજ્યકર્તાઓ ઉપર તેની કેન્દ્ર સરકારે મોટાભાગની સત્તા ગુમાવી હતી. કેન્દ્રીય વહીવટીતંત્ર અને લશ્કરને સુધારવાના તેણે પ્રયત્નો કર્યા છતાં ઓગણીસમી સદીમાં ઇજિપ્ત અને મોટાભાગના બાલ્કન પ્રદેશો ઉપરનો કાબૂ ગુમાવ્યો. યંગ તુર્ક ક્રાંતિ(1908)એ સામ્રાજ્યમાં નવજીવન સ્થાપવા પ્રયત્ન કરેલો. છતાં લશ્કરી અને પ્રાદેશિક ર્દષ્ટિએ બાલ્કન્સમાં તેને પીછેહઠ કરવી પડી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેણે અરબ પ્રાંતો અને એશિયા માયનોરનો થોડો ભાગ ગુમાવ્યો. મુસ્તફા કમાલે (પાછળથી આતા તુર્કે) 1921માં તુર્કી પ્રજાસત્તાકની સ્થાપનાની ઘોષણા કરી અને 1922માં સલ્તનતને નાબૂદ કરી, 1923માં પોતાને યોગ્ય એવો શાંતિ કરાર ફરીથી કર્યો. તેની આપખુદ પ્રમુખશાહી(1923-’38)ના સમયમાં તુર્કી પ્રજાસત્તાકમાં રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતાનો વિકાસ થયો અને અર્થતંત્ર ઉપર તેનો સચોટ કાબૂ સ્થપાયો. બીજા વિશ્વયુદ્ધ પછી તુર્કીને યુ.એસ.ની લશ્કરી અને આર્થિક મદદ પ્રાપ્ત થઈ અને તે પશ્ચિમ સાથે જોડાયું.

યતીન્દ્ર દીક્ષિત